આ વર્ષે દુબઈમાં યોજાઇ રહ્યો છે ગુજરાતી ફિલ્મોનો પ્રતિષ્ઠિત “ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ – ૨૨”

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

તીહાઈ-ધ મ્યુઝિક પીપલ અને પાવરા એન્ટરટેઇનમેન્ટ દ્વારા સંયુક્ત રીતે કરાશે આયોજન

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ ગૌરવ કહી શકાય તેવી સુવર્ણ પળોના સાક્ષી બનવા માટે તૈયાર રહેજો !!! કારણકે ગુજરાતી ફિલ્મ્સના કલાકારો અને કસબીઓને સમ્માનિત કરવા માટે વિદેશની ધરતી પર ભવ્યાતિભવ્ય આયોજન થવા જઇ રહ્યું છે. જી હાઁ, ‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ -૨૨’ નું આયોજન આ વર્ષે દુબઈ ખાતે થવા જઇ રહ્યું છે. જેની જાહેરાત ગત ૧૯ જાન્યુઆરી મુંબઈમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં બૉલીવુડ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગજોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

તીહાઈ – ધ મ્યુઝિક પીપલના શ્રી અભિલાષ ઘોડા અને પાવરા એન્ટરટેઇનમેન્ટના ડૉ. જયેશ પાવરા દ્વારા ‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧-૨૨’ નું સંયુક્ત રીતે આયોજન કરવામાં આવશે. આ એવોર્ડ્સ વિશેની સમગ્ર માહિતી તીહાઈ – ધ મ્યુઝિક પીપલના શ્રી અભિલાષ ઘોડા અને પાવરા એન્ટરટેઇનમેન્ટના ફાઉન્ડર ડૉ. જયેશ પાવરા તથા સીઈઓ જૈમિલ શાહ દ્વારા પુરી પાડવામાં આવી હતી.

તેઓએ સંયુક્ત રીતે જણાવ્યું, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નવી ઉંચાઇ પર લઇ જવા માટે શરૂ કરવામાં આવેલા ‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી’ ની ગત આવૃત્તિનું આયોજન ૨૦૨૧માં કચ્છના સફેદ રણમાં દબદબાભેર કરવામાં આવ્યું હતું, જે ઐતિહાસિક રીતે ઉપસી આવ્યું. હવે આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ ડેસ્ટિનેશન એવોર્ડ્સ તરીકેની ઓળખ બનાવી ચૂક્યો છે, ત્યારે વધુ એક મોટી છલાંગ ભરતા આ વર્ષે ‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી’નું આયોજન આંતરરાષ્ટ્રીય સ્તરે દુબઈ ખાતે કરી રહ્યાં છે, જે ૧૮થી ૨૦ માર્ચ વચ્ચે યોજાશે.

આ વિશે વધુમાં તેઓએ જણાવ્યું, આ એવોર્ડ્સમાં પોતાની ફિલ્મની નોંધણી કરવા ઇચ્છુક નિર્માતાઓ માટે ગત તારીખ ૨૧ જાન્યુઆરીએ ઓનલાઇન ફોર્મ ખુલ્લુ મૂકવામાં આવ્યું હતુ, જેની સમય મર્યાદા ૨૮ જાન્યુઆરી સુધીની હતી. આ વર્ષે અમને કુલ ૬૭ ફિલ્મોની એન્ટ્રીઝ મળી છે, જે આ એવોર્ડ્સની જાજરમાન પ્રતિષ્ઠા પર વધુ એક વાર મહોર મારે છે. તારીખ ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ વચ્ચે રીલિઝ થયેલી ફિલ્મો માટે એન્ટ્રીઝ સ્વિકારવામાં આવી છે.”

FINAL PIC Film Excellence Awards Gujarati

૧૮થી ૨૦ માર્ચ, ૨૦૨૩ દરમિયાન દબદબાભેર એવોર્ડનું આયોજન કરવામાં આવશે

‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ – ૨૨’ અંતર્ગત કુલ ૨૮ કેટેગરીમાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવશે. નિયત અને તટસ્થ જ્યુરી દ્વારા આયોજકોને મળેલી તમામ ગુજરાતી ફિલ્મોનું વિશેષ સ્ક્રિનીંગ કરી પ્રત્યેક કેટેગરીમાં કુલ ત્રણ-ત્રણ નોમિનેશન નક્કી કરવામાં આવશે. તમામ ૨૮ કેટેગરીમાં એનાયત કરવામાં આવનાર એવોર્ડ્સ માટેના નોમિનેશન ની જાહેરાત આગામી ૧૯ ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતેથી કરવામાં આવશે.

નોમીનેશનમાં સમાવિષ્ટ ફિલ્મ અને કલાકારો સહિત બૉલીવૂડ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો, પ્રાયોજકોના પ્રતિનિધિઓ સહિત આશરે ૩૦૦ લોકોને આયોજકો દ્વારા આગામી ૧૮ માર્ચે દુબઈ લઇ જવામાં આવશે. તારીખ ૧૯ માર્ચના રોજ દુબઈના અતિ પ્રતિષ્ઠિત બોલીવુડ પાર્ક ખાતે બીજા ‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ – ૨૨’નું આયોજન ભારતથી દુબઈ ગયેલા ખાસ મહેમાનો તથા દુબઈ સ્થિત ખાસ આમંત્રીતોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

‘ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્સ ગુજરાતી ૨૦૨૧ – ૨૨’ એવોર્ડ્સ માટેની ૨૮ કેટેગરીમાં બેસ્ટ સ્ટોરી, બેસ્ટ સ્ક્રિનપ્લે, બેસ્ટ ડાયલોગ, બેસ્ટ લીરિસિસ્ટ, બેસ્ટ મેલ સિંગર, બેસ્ટ ફિમેલ સિંગર, બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર, બેસ્ટ ઓરિજનલ બેકગ્રાઉન્ડ સ્કોર, બેસ્ટ કોરિયોગ્રાફર, બેસ્ટ સિનેમેટોગ્રાફર, બેસ્ટ એડિટર, બેસ્ટ પબ્લિસિટી, બેસ્ટ આર્ટ ડિરેક્ટર, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર, બેસ્ટ એક્ટર ઈન કોમિક રોલ, બેસ્ટ એક્સ્ટ્રેસ ઈન કોમિક રોલ, બેસ્ટ એક્ટર ઈન નેગેટિવ રોલ, બેસ્ટ એક્ટ્રેસ ઈન નેગેટિવ રોલ, બેસ્ટ કેરેક્ટર એક્ટર, બેસ્ટ કેરેક્ટર એક્ટ્રેસ, બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ, બેસ્ટ એક્સ્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ, બેસ્ટ ડેબ્યૂટંટ એક્ટર, બેસ્ટ ડેબ્યૂટંટ એક્ટ્રેસ, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ ફિલ્મનો સમાવેશ થાય છે.

Share This Article