સફળ દાંપત્યનું રહસ્ય
સુરભિ અને સુનંદ મને પહેલાં જ એવાં પતિ પત્ની લાગેલ જે એક બીજા વિના કદાચ એક દિવસ પણ રહી શકતાં ન હતાં. દરેક પતિ પત્ની વચ્ચે લગ્ન પછીના તરતના સમયમાં જે આકર્ષણ હોય છે તે સમયાંતરે ઘટતું જાય છે ને પછી એક ચોક્કસ પ્રમાણ ઉપર આવીને અટકી જાય છે પરંતુ સુરભિ અને સુનંદ આજે લગ્નને પાંચ પાંચ વર્ષ વીતી ગયાં હોવા છતાં ય જાણે તાજાં જ પરણેલાં હોય તેવી સ્ટાઈલથી જ જીવતાં હતાં, અને આ બાબતે સુરભિની બહેનપણીઓ અને સુનંદના મિત્રોને થોડી ઘણી ઈર્ષા પણ થઈ આવતી. મને તેમના આવા જીવનનું રહસ્ય જાણવાની સહજ જિજ્ઞાસા થતી…..
તેવામાં એકવાર સુરભિનાં મમ્મીને અકસ્માત થવાથી દવાખાને દાખલ કરવાં પડેલાં તે કારણે સુરભિએ એક અઠવાડીયા સુધી સુનંદને છોડીને જવાનું થયું. સુનંદની એવી તીવ્ર લાગણી કે સુરભી પિયરમાં ન રોકાય તો સારું પણ સંજોગ જ એવા ઉભા થયેલા કે સુનંદે સુરભિ વિના ચલાવવું જ પડ્યુ. અઠવાડીયાને બદલે સુરભિએ લગભગ દસ દિવસ મમ્મી પાસે રોકાઈ જવુ પડ્યું જો કે સુનંદ સાથે દિવસમાં ત્રણ વાર ફોન પર તો સંપર્ક થતો જ, પણ તેમ છતાં સુનંદ સુરભિના વિરહથી ખૂબ જ ખિજાયો હતો. સુરભિ પાછી આવે ત્યારે તેને બરાબર ઝાટકી નાખવાનું તે વિચારીને જ બેઠો હતો.
” મમ્મી જોડે પપ્પા તો હતા, તો પછી તેણે શું કામ બેસી રહેવાનુ હતું ? ”
” વળી પપ્પા અને મમ્મી તો એને પાછી જવા કહેતાં હતાં તો પછી ય એ સામે ચાલીને શું કામ રોકાઈ હશે ? ”
” બધો વાંક મારો જ છે, મેં જ વ્હાલ કરી કરીને એને ખૂબ ચડાવી મારી છે તો આ વખતે બરાબરનો પાઠ ભણાવવો પડશે ”
આવું બધુ સુનંદે મનમાં નક્કી કરી રાખેલું. સુરભિ બરાબર અગિયારમા દિવસે આવી. સાંજે સુનંદ ઓફિસેથી આવ્યો ત્યાં સુધીમાં તો આખું ઘર સાફ સૂફ કરી નાખ્યુ ને સરસ જમવાનું બનાવીને તૈયાર રાખેલું. સુનંદ આવીને ગુસ્સાને કારણે માત્ર એટલું જ બોલ્યો,
” આવી ગઈ ? મમ્મીને સારુ થઈ ગયું છે ને ? હજુ થોડા દિવસ વધારે રોકાવું હતું ને ? ”
સુરભિએ હસીને કહ્યું,
” ઓહો તમે તો ભારે ખીજાઈ ગયા લાગો છો ! લડી નાખો ચાલો તમારે જેટલું લડવુ હોય એટલું ! હું તમારો ઠપકો સાંભળવા તૈયાર છું, મારો વાંક હું સ્વીકારી લઉં છું ને તમારે જે સજા કરવી હોય તે મને કરી શકો છો બસ…, હું એક પણ શબ્દ બોલીશ નહિ….. મારે મારો કશો જ બચાવ કરવો નથી… આઈ એમ સોરી ….સોરી. સોરી…”
કોઇ પત્ની જ્યારે સાચા હ્રદયથી અને સાચા વ્હાલથી આવું કહે ત્યારે ક્યો પતિ નારાજ રહેવાનો હતો ? મને સુરભિ અને સુનંદના હર્યા ભર્યા દાંપત્યનું રહસ્ય સમજાઈ ગયું.
-અનંત પટેલ