ટેન્શન….  ટેન્શન…

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ટેન્શન….  ટેન્શન…


સરુપ રાત્રે સાડા આઠ વાગે ઓફિસેથી ઘેર જવા નીકળ્યો ત્યારે ખૂબ જ ટેંશનમાં આવી ગયો હતો. એટલું જ નહિ જેમ – જેમ ઘર નજીક આવતું જતું હતું તેમ તેમ ટેંશનની માત્રા વધતી જતી હતી. શિવાંગી તેની પત્ની આજે ખૂબ જ ખીજાઇ હશે ને ભયંકર ઝગડાની તૈયારી કરીને બેઠી જ હશે તેવા ભયથી તે શિથિલ થઈ ગયો હતો.

” કેવી કંડમ છે આ બૈરાંની જાત ?  ”

— એવું કઈક પણ તેના મનમાં આવી જતું હતું. રોજ સાડા છ વાગે ઘેર પહોચી જનાર સરુપને ઘેર  પહોચતાં આજે નવ વાગી જવાના જ હતા. ને એમાં ય પાછું એ ઓફિસમાં બોસના કડફને લીધે  ઘેર આવવામાં મોડું થશે એવો ફોન કરવાનું પણ ભૂલી ગયો હતો… વળી આઠ વાગ્યા પછી એણે શિવાંગીને મોબાઈલ કરવા પ્રયત્ન કર્યો  તો એનો ફોન સ્વીચ ઓફ આવતો હતો..  આમ થવાથી એ ખૂબ ડરી ગયો હતો કેમ કે શિવાંગીએ ગુસ્સામાં આવી જઈને ફોન બંધ કરી દીધો છે એમ તેને લાગતું હતું.

એ ઘરે નીકળ્યો ત્યારે તેનો પડી ગયેલો ચહેરો જોઈ સ્ટાફના એક સાથીએ કોમેંટ પણ કરેલી…

“બોસ બહુ ઢીલા ના થઈ જાઓ , ભાભીને તો પ્રેમથી મનાવી લેવાય..  !  ”

—  અત્યંત ખરાબ માનસિકતા સાથે  એ ઘેર પહોંચ્યો. તેના કદમ ઢીલા પડી ગયા હતા. પરંતુ તેની ધારણા પ્રમાણેનું  કશું જ ના બન્યુ.. તેના આશ્ચર્ય વચ્ચે શિવાંગીએ તેને કશું જ ના કહ્યું. ના સહેજ પણ ગુસ્સો કે ઠપકો.. ઉલ્ટાનું એણે તો કહ્યું ,

“આજે તો કાંઈ બહુ કામ આવી ગયું લાગે છે…… ચાલો  ચાલો  હાથ પગ ધોઈ લો હું જમવાનું કાઢું…  ”

સરૂપને લાગ્યુ કદાચ શિવાંગી હમણાં તૂટી પડી જ સમજો.. આ તો કદાચ વાવાઝોડા પહેલાંની શાંતિ છે. સરૂપે ડરતાં ડરતાં કશું જ બોલ્યા વિના ચૂપ ચાપ જમી લીધું. છતાં હજુ શિવાની શાંત જ હતી. વળી રાત્રે ઊંઘતાં પહેલાં શિવાંગી બોલી,

“આજ થી મેં એક સંકલ્પ લીધો છે તમે ઓફિસેથી કોઇ કારણસર આવવામાં લેટ થઈ જાઓ તો  મારે જરાય ગુસ્સે ના થવું કેમ કે મોડું થવાનું હોય તો તમે મને ફોન કરીને જણાવતા જ હોવ છો પણ આજે તમે ફોન પણ  નથી કરી શક્યા એ બતાવે છે કે તમે કદાચ તમારા બોસે આપેલા કામના ટેંશનમાં ભૂલી પણ ગયા હો…. ”

—-  સરૂપ શિવાંગીના શબ્દો સાંભળતો જ રહ્યો . શિવાંગી આટલી બદ્દલાઈ ગઈ છે તે જાણીને તે ખૂબ જ ખુશ થઈ ગયો. વળી પાછું  એ તેનું ટેંશન હટાવવા બોલી ય ખરી…

”  શું આવ્યા ત્યારના ગભરાઈ ગયેલા છો? હું કાંઇ તમને ફાડી ખાવાની નથી..

સરૂપ શિવાંગીના પરિવર્તિત સ્વરુપને અહોભાવથી જોઈ રહ્યો ને અત્યંત પ્રસન્નતા સાથે તેની પડખે સૂઈ ગયો. સ્ત્રીઓ ધારે તો જબરદસ્ત હકારાત્મક પરિવર્તન પણ લાવી શકે છે.. તે આનું નામ…

  • અનંત પટેલ

anat e1526386679192

Share This Article