શિક્ષકદિન નિમિતે આવો જાણીએ એ વિભૂતિ વિષે કે જેમના જન્મદિવસને આપણે સહુ “શિક્ષકદિન” તરીકે ઉજવીએ છીએ અને તેમનું નામ છે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન. ઉલ્લેખનીય છે કે સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે. હકીકતમાં દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં તેમના ગામનું નામ છે.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (ઈ.સ. ૧૯૫૨-૧૯૬૨) અને ભારતના દ્વિતિય રાષ્ટ્રપતિ (ઈ.સ. ૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓને ભારતનો સર્વોચ્ચ એવો “ભારત રત્ન” તથા બ્રિટીશનો “સર” એવો ખિતાબ મળેલ છે. ઈ.સ. ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. પેનસેલ્વેનિઆ અને ન્યૂયોર્કની યુનિવર્સીટીઓએ તેમને “ડોક્ટર ઓફ લોઝ”ની પદવી આપી ગૌરવ લીધું હતું. તેમણે માંચેસ્ટરમાં “હિંદુ વ્યુ ઓફ લાઈફ” વિષય પર જયારે વ્યાખ્યાનમાળામાં હિન્દુત્વ વિષે સમજાવ્યું ત્યારે ત્યાંના લોકો મંત્રમુગ્ધ થઈને હિંદુ વિચારોના વાહક બન્યા હતા. દેશના રાષ્ટ્રપતિ બનવા પહેલા તેઓએ કલકતા, બનારસ અને ઓક્સફર્ડ એમ ત્રણ ત્રણ યુનિવર્સીટીમાં એક સાથે “ભારતીય દર્શનશાસ્ત્ર”ના વિષય ઉપર અધ્યાપન કામ સંભાળેલું.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ તમિલનાડુના તિરુતાનીમાં થયો હતો. તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે તેમનાં જન્મદિવસને “શિક્ષકદિન” તરીકે ઉજવીએ છીએ.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન પર સ્વામી વિવેકાનંદજીના જીવનનો ખાસ પ્રભાવ જોવા મળે છે. તેમણે સ્વામી વિવેકાનંદજીનાં ભાષણો સાંભળીને જ વેદાંતનો અભ્યાસ કર્યો હતો. નાના બાળકોના ટ્યુશન લઇ તેમણે પોતાના અભ્યાસનો ખર્ચ કાઢી ઈ.સ. ૧૯૦૬માં માત્ર વીસ વર્ષની ઉંમરે મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. ઈ.સ. ૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા. તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. ઈ.સ. ૧૯૨૬માં હાર્વર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિર્વિસટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઈ.સ. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. જ્યારે ઈ.સ. ૧૯૪૯થી ઈ.સ. ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા અને ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. દેશમાં ઉપરાષ્ટ્રપતિ સુધી પહોંચ્યા પછી તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ દરમિયાન ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.
ઈ.સ. ૧૯૫૨માં તેમની વરણી ભારતના રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. ડો. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈ.સ. ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈ.સ. ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી. ત્યારથી ઈ.સ. ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે.
આવા, આપણા મહાન ફિલોસફર અને શિક્ષક ડો. રાધાકૃષ્ણન કે જેઓ દેશ દુનિયામાં ફિલોસોફર પ્રેસિડેન્ટ તરીકે જાણીતા છે તેઓ કાયમ કહેતા કે – “હું પહેલા શિક્ષક છું, અને પછી રાષ્ટ્રપ્રમુખ છું.”
શિક્ષકદિન નિમિતે આ વિભૂતિને મારા શત શત નમન…
- પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
(યોગી પ્રશાંતનાથ જ્યોતેર્નાથ નાથબાવા)