ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં હજુ ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, સુરત, પંચમહાલ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે તો, વલસાડ અને નવસારી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરાઇ છે.
હવામાન ખાતાની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ મેઘમહેર જારી રહેશે. દરમ્યાન હવામાન ખાતાની ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇ રાજય સરકાર દ્વારા તંત્રને હાઇ એલર્ટ પર રખાયું છે અને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા અને રાહત અને બચાવની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવા નિર્દેશો જારી કરાયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને બોટાદ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શકયતા છે.
આ જ પ્રકારે ગીર સોમનાથ, જુનાગઢ અને દીવમાં પૂર પ્રકોપ સર્જે એવો વરસાદ પડી શકે છે. આવતીકાલે તા.૨૦ જુલાઈના રોજ ડાંગ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, બોટાદ અને દીવના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે.