અમદાવાદઃ શહેરને વધુ રમણીય અને સુશોભિત બનાવવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીન પ્રયોગો હાથ ધરવામાં આવે છે. હાલમાં જ્યારે શહેરના કેટલાંક વિસ્તારોમાંથી પસાર થઇએ ત્યારે અચંબિત કરી દેતા સ્કલ્પચર નજરે પડી રહ્યાં છે. આ વિશાળ કદના સ્કલ્પચર પોતાના નિર્માણમાં એક એક અનોખો સંદેશ આપે છે. વાત એમ છે કે શહેરની શોભા વધારી રહેલા આ સ્કલ્પચર પોતાની સાથે પર્યાવરણના સંવેદનશીલ મુદ્દાને સંબોધિત કરે છે.
અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશન હંમેશાથી રિસાયકલિંગ પ્રત્યે સજાગ રહે છે. ખાસ કરીને પર્યાવરણના મુદ્દા પર તે સજાગતા દર્શાવે છે, જેથી નાગરિકોને પણ આ મુદ્દા પર પર્યાવરણ સંરક્ષણની દિશામાં રિસાયકલિંગ, રિયૂઝ અને રિડ્યૂઝના અભિગમ સાથે જોડી શકે. નાગરિકો પણ આ મુદ્દે જાગૃ રહે તે બાબતને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા ‘બેસ્ટ આઉટ ઑફ વેસ્ટ’ની થીમ પર વિવિધ આકાર ધરાવતા સુંદર સ્કલ્પચરને શહેરના વિવિધ વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવ્યાં છે.
તેમાંથી કેટલાંક સ્કલ્પચર વિશે જાણીએ તોઃ
મહાત્મા ગાંધી

અમદાવાદ એરપોર્ટ જંકશન પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું શિલ્પ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ શિલ્પ અમદાવાદમાં પ્રવેશ કરી રહેલા લોકોને સલામ કરે છે. આ શિલ્પને એએમસીના સ્ક્રેપની સામગ્રીમાંથી બનાવવામાં આવ્યું છે, જે સત્ય અને અહિંસાનું પ્રતિક છે. આ શિલ્પનું વજન 8 ટન છે અને તેનું કદ 21’x5’x10’ છે.
હેરિટેજ સ્કલ્પચરઃ
અમદાવાદ શહેરની શાન એવા કાંકરિયા તળાવના ગેટ નંબર 1થી પુષ્પકુંજ તરફ અમદાવાદની ઓળખ સમાન ઉત્તરાયણ પર્વનું શિલ્પ મૂકવામાં આવ્યું છે, જેમાં પતંગ અને દોરા જોવા મળી રહ્યાં છે, ઉપરાંત ચશ્મા સાથે એક બાળક જોવા મળી રહ્યો છે. આ શિલ્પ મકરસંક્રાતના તહેવારને ઉજાગ કરશે. આ શિલ્પનું વજન 5 ટન છે અને તે 13’x19’x19′ ફૂટ છે. આ શિલ્પ વોટર ટ્રીટમેન્ટ વેસ્ટ અને ઈલેક્ટ્રીકલ કેબલ રોલ્સ સ્ક્રેપમાંથી પાઈપોમાંથી બનાવવામાં આવ્યું છે.
આખલો
અમદાવાદ શહેરના પંચવટી ચાર રસ્તા પર આખલાનું શિલ્પ મૂકવામાં આવ્યું છે. સ્ક્રેપ સામગ્રીમાંથી બનાવવામાં આવેલું આ શિલ્પ શેરબજાર સૂચવે છે. શેરબજારમાં ગુજરાતીઓ સૌથી આગળ છે અને સી.જી. રોડ અમદાવાદમાં વાણિજ્યનું કેન્દ્ર છે અને તેથી જ આ શિલ્પ ત્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે. આ શિલ્પનું વજન 3 ટન છે અને તેનું કદ 20’x8’x10’ છે.
નોલેજ હબ
અમદાવાદ શહેરમાં કોમર્સ કોલેજ 6 રસ્તા ખાતે નોલેજ હબનું શિલ્પ બનાવવામાં આવ્યું છે. આ શિલ્પ શિક્ષણ અને જ્ઞાનના વિવિધ પ્રવાહો દર્શાવે છે. કલાત્મક રીતે વિશાળ માનવ મસ્તકનો સમાવેશ કરતું આ શિલ્પ જ્ઞાન અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે છે. આ શિલ્પ ભંગાર સામગ્રીમાંથી બનાવવામાં આવ્યું છે અને આ શિલ્પ ભંગાર સામગ્રીમાંથી બનેલું વિશ્વનું સૌથી મોટું માનવ મસ્તક છે, જેનું વજન 7 ટન છે અને કદ 14’x14’x15’ છે.
પતંગ ઉડાવતો બાળક
ઉત્તરાયણના તહેવારને દર્શાવવા માટે ઉસ્માનપુરા ચોકડી પર પતંગ ઉડાવતા બાળકનું શિલ્પ મૂકવામાં આવ્યું છે. મકરસંક્રાંતિનો તહેવાર એ અમદાવાદની ઓળખ છે. આ તહેવાર દરમિયાન ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ શિલ્પમાં શિલ્પકારે બતાવ્યું છે કે કેવી રીતે બાળકો આ ઉત્સવમાં ખૂબ જ આનંદથી ભાગ લે છે અને કહી રહ્યાં છે કે મારી પતંગને વાદળોમાં ઉંચી ઉડવા દો. શિલ્પનું વજન 5 ટન છે અને તેનું કદ 21’x5.3’x19’ છે.
ઘોડો

અમદાવાદમાં ઈન્દિરા બ્રિજ પર ઘોડાનું શિલ્પ સ્થાપિત છે. આ શિલ્પ હિંમતનું પ્રતિક છે. અમદાવાદ ગુજરાતની આર્થિક રાજધાની છે. આ આર્થિક રાજધાની ગાંધીનગરથી આગળ વધી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર ટ્વીન સિટી છે. એક શહેર આર્થિક રાજધાની છે અને બીજું રાજકીય રાજધાની. ઘોડાનું આ પ્રતીક બે શહેરો વચ્ચેના સેતુ જેવું છે. તેનું વજન 15 ટન અને કદ 24’x6’x20’ છે.
પેલિકન પક્ષી અને એશિયન પેરેડાઇઝ ફ્લાય કેચર

અમદાવાદના સિંધુભવન રોડ પર પકવાન ચાર રસ્તા પર પેલિકનનું શિલ્પ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ પક્ષી હિંમતનું પ્રતીક છે. આ પેલિકન પક્ષીના શિલ્પનું વજન 2 ટન છે અને તેનું કદ 12.5’x4.5’27’ છે. એશિયન પેરેડાઇઝ ફ્લાયકેચરનું વજન 3 ટન છે અને તેનું કદ 20’x6’x20 છે.
ફૂલો

અમદવાદમાં નેશનલ હાઈવે એક્સપ્રેસ વેના પ્રવેશ પર ફૂલોનું એક શિલ્પ મૂકવામાં આવ્યું છે. આ શિલ્પ નકામી સામગ્રીમાંથી બનાવવામાં આવ્યું છે અને તે અમદાવાદની સરહદમાં પ્રવેશતા લોકોના ઉષ્માભર્યાં સ્વાગતને દર્શાવે છે. આ શિલ્પનું વજન 10 ટન છે અને તેનું કદ 16’x6’x24’ છે