સ્વતંત્રતા… સાત સાત દાયકા પૂરાં થયાં… ભારત સ્વતંત્ર થયાંનાં..
હાલની પેઢીને ખબર નથી., સ્વતંત્રતા કઇ રીતે મળી; એ માત્ર ઇતિહાસ બની ગયો છે. 17મી સદીમાં અંગ્રેજો વેપાર કરવાં આવ્યાં અને આપણી ઉપર સિફતથી સત્તા જમાવી. સોનેરી ચકલીઓ દેશની ડાળ ડાળ પર બેસતી જોઇ, એ ચકલીઓ તિજોરીમાં પુરવાની લાલસા જાગી. અને ભારત જેવાં માતબર દેશની સંપત્તિ એમની દાઢમાં વળગી. જયાં જયાં નબળાઈ હતી, ત્યાં બળથી, અને બીજે કળથી સત્તા મેળવી.
“કાલે જતાં રહીશું, અમે તો વેપાર કરવાં આવ્યાં છે” એવું કહેનારા અંગ્રેજો 250 વર્ષ રોકાઇ ગયાં. કાંઈક તો જોયું હશે ને…અહીંની ભૂમિમાં.. જે આપણે આજે પણ જોઇ નથી શકતાં, આપણી પાસે પ્રકૃતિનું વરદાન છે.. જે દેશનો ખજાનો કહી શકાય..
જયાં ઋતુઓનું પણ સમયપત્રક હોય.. એવો આ એક જ ભૂમિ ખંડ છે. અહિયાં આયુર્વેદ, યોગ વિદ્યાનો જન્મ થયો છે. કહેવાય છે કે, જ્યારે માનવી બધી જ રીતે ખાલી થઈ જાય છે, ત્યારે એનો ખાલીપો ભરી શકે એવી ભૂમિ એ માત્ર આપણી ભારત ભૂમિ છે.
કેટલાય દાયકાઓ, કેટલાય સપુતો પોતાની આહુતિ આપી છે, આ દેશને સ્વતંત્ર કરવાં માટે.. જેનો ઇતિહાસ આપ સૌ જાણો જ છો. માત્ર કલ્પના કરો.. એ વૃદ્ધની જેણે શહીદ પુત્રને ખભો આપ્યો હશે. એ ખુમારી આપણે કેળવી શકીશું?
હા.. દુનિયાની આ એક જ લડત એવી હતી, જયાં કોઈ હથિયાર ન્હોતું.. અહિંસક લડાઈ. શસ્ત્ર વગરની આ લડાઈ માત્ર ગાંધી નામનો વાણિયો જ કરી શક્યો. જેનાં હથિયાર હતાં, સવિનય કાનૂન ભંગ, અસહકાર, વિદેશી વસ્તુનો બહિષ્કાર.. અને તેઓ મહાત્મા ગાંધી બાપુ બની ગયાં.
હાલ આપણે ફરિયાદો કરતાં જ રહીએ છે.. પણ કદી ફરીયાદનું નિવારણ જાતે કરવાનો પ્રયત્ન કર્યો છે? જો આપણી તકલીફો માટે જાતે જ ઉકેલ શોધી શકીએ. તો આ દેશ આપણો પોતાનો લાગશે. કેટલાંય દાયકાઓ, કેટલાંય સપુતોએ પોતાની આહુતિ આપી છે, આ દેશને સ્વતંત્ર કરવાં માટે.. જેનો ઇતિહાસ આપ સૌ જાણો જ છો.
પણ આપણી એક મોટી કરુણતા એ છે કે, આપણે ઇતિહાસને પર્યાય બનાવી દીધો છે. ભૂલી જઇએ છીએ. ઇતિહાસને ભણવાનો નથી યાદ હોવો જોઈએ. દરેક નાગરિકની રગ રગમાં સ્વતંત્રતાની લડત વણાયેલી હોવી જોઈએ.. તો રાષ્ટ્ર ભાવના આપોઆપ ઉદ્દભવશે… રાષ્ટ્રભાવના માત્ર આપણાં સૈનિકોમાં હોવી જરૂરી નથી. આપણે ખુદ જ્યારે રાષ્ટ્રભાવના ભર્યા નાગરિક બનીશું.. ત્યારે જ આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી યોગ્ય ગણાશે.
આપણાં સ્વતંત્ર સેનાનીઓની ક્ષમા સાથે કહું છું કે, આપણે આ પર્વની ઉજવણી વખતે ભારત માતાને નવાં વસ્ત્રો પહેરાવી, તેનાં શરીર પર પડતાં, જાતિવાદ, જુઠ, સ્વાર્થ જેવાં દુષણોનાં માત્ર ઉઝરડા છુપાવીએ છીએ.
ક્યાંય પણ આપણે ભૂલમાં દેશ હિતનાં જોખમે કોઈ પ્રવૃત્તિ કરતાં નથી ને…એટલું ધ્યાન રાખીશું; તો એ પણ દેશની મોટી સેવા જ કરી ગણાશે.
- પૂર્ણિમા ભટ્ટ