આણંદ: આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય, માઉન્ટ આબુના ઉપક્રમે આણંદ કૃષિ યુનિવર્સિટીના બં.અ.મહાવિદ્યાલય ઓડિટોરિયમ હોલ ખાતે યોગીક, સેન્દ્રિય અને ઝીરો બજેટ કુદરતી ખેતી વિષય ઉપરના બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાઇ ગયો. આ સેમિનારમાં સમગ્ર દેશમાંથી ઉપસ્થિત રહેલ ૩૮ વકતાઓએ યોગિક, સજીવ અને ઝીરો બજેટ કુદરતી ખેતી અંગેના તેમના અનુભવો, વિચારો અને સંશોધનો અલગ અલગ સત્રોમાં રજૂ કર્યા હતા.
જેમાં પ્રથમ સત્રમાં બ્રહ્મકુમાર દવેએ વિચારોની શકિત તથા સકારાત્મક વિચારોની સમગ્ર પ્રકૃતિ ઉપર પડતી અસરો વિશે વિવરણ કરી વનસ્પતિ જગત ઉપર આપણા વિચારોની કેવી અસર થાય છે તેનું સંશોધનાત્મક પેપર રજૂ કર્યુ હતું. જી.બી.પંત કૃષિ યુનિવર્સિટીના એગ્રોનોમી વિભાગના પ્રાધ્યાપક અને વડા સુનીતા પાંડેએ યુનિવર્સિટી ખાતે યોગીક ખેતી ઉપર થયેલ સંશોધનો અને તેના મળેલ પરિણામો તથા વૈજ્ઞાનિક પહેલુ ઉપર વ્યાપક વિવરણ કર્યું હતું. જયારે મહારાષ્ટ્રથી આવેલ પ્રગતિશીલ ખેડૂત બાલાસો રૂગેએ યોગીક ખેતી ઉપરના તેઓના અનુભવો પુરાવા સાથે રજૂ કર્યા હતા.
સેમિનારનું બીજું અને ત્રીજું સત્ર સજીવ ખેતી ઉપરનું રહ્યું. આ સત્રમાં આણંદ કૃષિ યુનિવર્સિટી, એગ્રોનોમી વિભાગના ડૉ. એમ. વી.પટેલ, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. ડી. એમ. પટેલ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના ડૉ. પ્રમોદકુમાર દુબેએ યુનિવર્સિટીઓમાં સજીવ ખેતી ઉપર થયેલ સંશોધનોના પરિણામો ઉપર ચર્ચા કરી સજીવ ખેતી ઉપર ભવિષ્યમાં કૃષિ યુનિવર્સીટીઓ દ્વારા કરવામાં આવનાર સંશોધનો અંગેની સંકલ્પના રજૂ કરી હતી. ગાંધીનગર, ગોપકાના નિયામક એસ. જે. સોલંકીએ ઓર્ગેનીક પેદાશોના પ્રમાણન અને સર્ટીફીકેશન બાબતે વિગત સમજ આપી ખેડૂતોમાં સર્ટીફીકેશન બાબતે જે શંકાઓ હતી તે શંકાઓનું સમાધાન કર્યું હતું.
આણંદ કૃષિ યુનિવર્સિટીના પેસ્ટીસાઇડ રેસીડયુના વડા ડૉ. પી.જી.શાહે ઓર્ગેનીક પેદાશોમાંથી મળતી પેસ્ટીસાઇડ રેસીડયુ સામે લાલબત્તી ધરી ઓર્ગેનીક ખેતી કરતાં ખેડૂતોને સજાગ રહેવા અને સજીવ ખેતી અંગે પ્રમાણિક રહેવા અપીલ કરી હતી.
ભારત બાયોગેસ સુંદલપુરાના નિયામક ડૉ. ભરતભાઇ પટેલે ઓર્ગેનીક મિશન ઇન ઇન્ડિયા સંદર્ભે બાળકોમાં કેન્સર બાબતોની ચિંતા વ્યકત કરી જો યોગ્ય રીતે રસાયણ મુકત ખેતી અપનાવવામાં નહીં આવે તો આગામી વર્ષ ૨૦૩૦ સુધીમાં દરેક ઘરમાં કેન્સરના દર્દીઓ મળી રહેવાની સંભાવના વ્યકત કરી હતી. વલસાડના ડૉ. અશોકભાઇ શાહે પ્રકૃતિ સાથે સામંજસ્ય સ્થાપીને પ્રકૃતિના દરેક ઘટકનો ખેતીમાં ઉપયોગ કરીને કેવી રીતે સહજ, સરળ અને સફળતાપૂર્વક સેન્દ્રીય ખેતી કરી શકાય છે તેની હળવી શૈલીમાં રજૂઆત કરી હતી. જયારે ગુજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડૉ. આર.એ.ખીમાણીએ ખેડૂતોમાં સેન્દ્રીય ખેતીની તેમજ દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલ સજીવ ખેતી કરતાં ખેડૂતોએ તેઓના સફળ અનુભવો રજૂ કર્યા હતા. જયારે રીજયોનલ સેન્ટર ઓફ ઓર્ગેનિક ફાર્મીંગ, ગાંધીનગરના ડાયરેકટર ડૉ. વી.વાય.દેવાગરેએ ભવિષ્યમાં ગુજરાતમાં આ કેન્દ્રનું સજીવ ખેતીના વિસ્તરણ માટે શું ભાગ ભજવશે તેની છણાવટ કરી હતી.
નવસારી કૃષિ યુનિવર્સિટીના ડૉ. સી. કે. ટીંબડિયા, પ્રગતિશીલ ખેડૂતો દેવેશભાઇ પટેલ, હરેશભાઇ ગાજીપરા, ભરતભાઇ પરસાણાએ સેન્દ્રિય પેદાશોના બજાર વ્યવસ્થાના તેઓના અનુભવો ખેડૂતો સાથે આદાન-પ્રદાન કર્યા હતા.
વડોદરાના કપીલભાઇ શાહે સજીવ ખેતીની વિભાવના સ્પષ્ટ કરતા સજીવ ખેતીના અમલ માટે ખેડૂતો તથા સરકાર પક્ષે રહેલા પડકારો અંગે ચિંતા કવ્યકત કરી સેન્દ્રિય ખેતી વિકાસના અર્થે નીતિ વિષયક બાબતનો અંગે સૌને માહિતગાર કર્યા હતા.
સેમિનારના ચોથા સત્રમાં ઝીરો બજેટ કુદરતી ખેતી ઉપર દીશાના ડૉ. જેતુભાઇ વૈદ્ય, પ્રફુલભાઇ સેંજલિયા, હિતેશભાઇ વોરા અને વિનોદભાઇ વરસોણાએ તેઓના અનુભવોનું ખેડૂતો સાથે વિવરણ કર્યું હતું. વૈદિક માઇક્રોબાયોલોજી યુનિવર્સિટી, સૂરતના પ્રાધ્યાપક ડૉ. ચક્રધર ફ્રેડએ કૃષિમાં વૈદિક માઇક્રોબાયોલોજીના પ્રદાન અંગ વિગતવાર ચર્ચા કરી હતી.
સેમિનારના અંતે એગ્રોનોમી વિભાગના વડા ડૉ. એમ.વી.પટેલે ચારેય કૃષિ યુનિવર્સિટીઓ માટે યોગીક ખેતી, સજીવ ખેતી અને ઝીરો બજેટ કુદરતી ખેતી ઉપર આધારિત સંશોધનોની રૂપરેખા રજૂ કરી હતે જેની વિસ્તૃત ચર્ચા બાદ ચાલુ વર્ષની રવિ ઋતુથી લેવાનું નકકી કર્યું હતું.