રાષ્ટ્રપતિના હસ્તે એ.એસ. કિરણ કુમાર અને કૈલાસ સત્યાર્થીને ‘‘સંતોકબા માનવરત્ન એવોર્ડ’’થી નવાજવામાં આવ્યા

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

સુરતઃ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉચ્ચત્તમ કોટિની કામગીરી કરનારા મહાનુભાવોની કામગીરીની કદર કરવા માટે એસ.આર.કે. ફાઉન્ડેશન દ્રારા અપાતો સંતોકબા માનવરત્ન એવોર્ડ અવકાશયાનમાં નોંધપાત્ર કામગીરી કરનારા વૈજ્ઞાનિક એ.એસ.કિરણ કુમાર અને બાળ અધિકારો માટે જીવન સમર્પિત કરનારા નોબેલ પારિતોષિક વિજેતા કૈલાસ સત્યાર્થીને રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદના હસ્તે એનાયત કરાયો હતો. આ વેળાએ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે રાષ્ટ્રપતિના હસ્તે એ.એસ.કિરણકુમાર અને કૈલાશ સત્યાર્થીને સંતોકબા એવોર્ડની સાથે રૂપિયા એક-એક કરોડની ધનરાશિ અર્પણ કરાઈ હતી.

શહેરના પાલ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરીયમ ખાતે યોજાયેલા સમારોહને સંબોધન કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભૂમિએ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, દયાનંદ સરસ્વતીની પૂણ્યભૂમિ છે. ગુજરાતે દેશને મોરારજી દેસાઈના રૂપે એક વિલક્ષણ વ્યક્તિની ભેટ ધરી હતી. આદર્શવાદ સાથે અનુસાશન માટે પ્રતિબદ્ધ તથા ભારતરત્ન મોરારજી દેસાઈ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા.

સૂરત શહેર સાથેના પોતાના સ્મંસરણોને વાગોળતા તેમણે જણાવ્યું હતું કે, જૂના અને નવા સૂરતમાં ઘણું પરિવર્તન આવ્યું છે. ૧૯૭૧ના વર્ષમાં હિતેન્દ્ર દેસાઈ સાથે શહેરની ખટમીઠી યાદોને તેમણે વાગોળી હતી. સૂરતે અપ્રતિમ વિકાસની સાથે સ્વચ્છતામાં પણ સમગ્ર દેશમાં ડંકો વગાડી ગુજરાતમાં પ્રથમ અને દેશમાં ચોથુ સ્થાન હાંસલ કર્યું છે, જેને ટકાવી રાખવા સાથે સ્વચ્છતાની સંસ્કૃતિને મજબુત બનાવવા સૌ કોઈને સંકલ્પબદ્ધ થવાનો અનુરોધ કર્યો હતો.

સૂરત એ અવસરોનું શહેર છે. અહી દેશના ખૂણે-ખૂણેથી આવીને વસેલા ભારતીયોથી બનેલું  મિની ભારત વસે છે, ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સૂરતવાસીઓનો ઉત્સાહ અકબંધ રહ્યો છે. સૂરતના ઉદ્યમી, સહકારી અને માનવ કલ્યાણકારી કાર્યો માટે ગુજરાતના લોકો દરેક સમયે અગ્રેસર રહ્યા છે, જે સમગ્ર દેશની જનતા માટે પ્રેરણારૂપ બાબત હોવાનું તેમણે કહ્યું હતું.

રાજયપાલ ઓમપ્રકાશ કોહલીએ ઋણથી અઋણ થવાનો આ અવસર હોવાનું જણાવતાં કહ્યું કે, બાળકોને તેમના અધિકારો પ્રાપ્ત થાય તે માટે અથાગ પ્રયાસ કરનાર કૈલાશ સત્યાર્થી તથા ભારત દેશને અવકાશ ક્ષેત્રે નવી ઊંચાઈએ પહોચાડનાર વૈજ્ઞાનિક એ.એસ.કિરણકુમારને અભિનંદન પાઠવ્યા હતા. સમાજ એ પ્રતિભા અને સેવા ભાવનાથી આગળ વધે છે. દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણ આ ત્રણ ઋણો જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. એવોર્ડ વિજેતા બે મહાનુભાવોને ઋષિરૂણના વર્ગમાં રાખી શકાય છે તેવો મત વ્યકત કરી આ ઋષિરૂણને ચૂકવવાનો અવસર હોવાનું રાજયપાલે જણાવ્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, બાળકએ ઈશ્વરનું રૂપ છે. ગરીબનો દિકરો ઘૂઘરે રમે તેવા વાતાવરણનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. બાળકોના અધિકારોના રક્ષણ માટે બાળ આયોગ વિશેષ કામગીરી કરી રહ્યું છે તેનો ઉલ્લેખ કરીને બાળમજૂરીને નાથવા માટે રાજ્ય સરકારનો દઢ નિર્ધાર વ્યકત કર્યો હતો. આ તકે મુખ્યમંત્રીએ સંતોકબા એવોર્ડથી સન્માનિત થયેલી બન્ને વિભૂતિઓને સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટેના યોગદાનને બિરદાવીને યોગ્ય વ્યકિત દ્વારા યોગ્ય વ્યકિત સન્માન થયું હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે સન્માનિત થયેલા બન્ને વિભૂતિઓ કૈલાશ સત્યાર્થી અને અવકાશ વૈજ્ઞાનિક એ.એસ.કિરણકુમારે તેમના પ્રતિભાવો આપ્યા હતા. રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ ગોવિંદભાઈ ધોળકીયાની વિશાળ સેવા-પ્રવૃત્તિને બિરદાવી હતી.

આ વેળાએ એસ.આર.કે. નોલેજ ફાઉન્ડેશનના ચેરમેન અને અગ્રણી ડાયમંડ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકીયાએ પ્રસંગોચિત્ત ઉદ્દબોધન કરતાં પોતાના માતૃ સંતોકબાની યાદમાં માનવરત્ન એવોર્ડ આપવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. સમાજમાં લાગણી, માનવતાના વાતવરણને અકબંધ રાખવા માટે માનવ સમાજના કલ્યાણ અર્થે શ્રેષ્ઠત્તમ કાર્ય કરનારાઓને દર વર્ષે આ અવોર્ડ આપવામાં આવતો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Share This Article