અમદાવાદ: ગુજરાતમાં સતત બીજા દિવસે પણ જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ જારી રહ્યો હતો. રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદના કારણે ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. ગઇકાલે સવારે કલાકોના ગાળામાં જ કચ્છના ગાંધીધામ તાલુકામાં ચાર ઈંચની આસપાસ વરસાદ થયો હતો. જ્યારે અંજારમાં ત્રણ ઈંચથી પણ વધુ વરસાદ થયો હતો. બે તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાતા ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.
બીજી બાજુ ધ્રાગધ્રા, ચુડા, વધઈ અને વાંકાનેરમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આની સાથે જ ગુજરાતમાં મૌસમનો કુલ વરસાદનો આંકડો ૬૨.૦૩ ટકા સુધી થઈ ગયો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ જુદા જુદા વિસ્તારમાં વરસાદ થયો છે. કલોલ ગાંધીનગરમાં ૪.૫ ઈંચ જેટલો વરસાદ થયો છે. ૨૧ તાલુકાઓમાં ત્રણ ઈંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં વરસાદની બીજી ઈનિંગ્સ શરૂ થઈ ચુકી છે. છેલ્લા ચોવીસ કલાકના ગાળા દરમિયાન અમદાવાદ-ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાત તથા કચ્છમાં પણ ઉલ્લેખનિય વરસાદ થયો છે.
રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે આજે વરસાદ થયો હતો. એક કલાકના ગાળામાં જ એક ઈંચથી વધુ વરસાદ નોંધાતા જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. ધીમી ગતિએ સૌરાષ્ટ્રમાં વરસાદ રહ્યો છે. જામનગરથી લઈને ભાવનગર, જુનાગઢ, જસદણમાં હળવો વરસાદ નોંધાયો છે. ગુજરાતના મધ્ય ગુજરાત અને સૌરારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થઇ રહ્યો છે.
બીજી બાજુ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે. જેથી તંત્ર દ્વારા જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણીને લઇને તંત્ર સાબદુ બની ગયું છે. ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે. સુરેન્દ્રનગર, મોરબી, જામગનર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. જેમાં ભરૂચ, સુરત, નવસારીનો સમાવેશ થાય છે. વરસાદની માહોલના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ છે.