તેલંગણાના રંગારેડ્ડી જિલ્લાના કોથુરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે પત્રકાર પરિષદ યોજી હતી. રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ શરૂ કરતા પહેલા ગુજરાતના મોરબીમાં થયેલા કેબલ પુલ દુર્ઘટનાને લઈને મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી હતી. તેમને જ્યારે આ દુર્ઘટનાને લઈને સવાલ પૂછવામાં આવ્યો તો કહ્યું કે આ મુદ્દે રાજનીતિ કરવા ઈચ્છતા નથી, આ ખુબ દુખદ ઘટના છે. રાજનીતિ કરવી યોગ્ય નથી. દેશની સિસ્ટમ સુધારવાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું, ‘બંધારણીય માળખાને ખુબ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સંસ્થાઓ પર પૂર્વનિયોજીત હુમલા થયા છે. આ કેન્દ્ર જ નહીં રાજ્ય સ્તર પર પણ થયું છે.
કોંગ્રેસ સત્તામાં આવશે તો નક્કી કરશે કે દેશની સંસ્થાઓ આરએસએસથી આઝાદ થાય અને આઝાદ બની કામ કરે. અમારો પ્રયાસ હશે કે પૈસા માત્ર કેટલાક લોકોના હાથના નિયંત્રણમાં ન રહે. રાહુલ ગાંધીએ કહ્યું કે સ્વાસ્થ્ય માટે દેશભરની પદયાત્રાની જગ્યાએ જિમ સારૂ હોય છે. ભારત જોડો યાત્રા ભાજપ અને આરએસએસની નફરતની વિચારધારા વિરુદ્ધ છે જે દેશને નબળો પાડી રહી છે. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા એક વિચારધારા છે અને એક વિચાર છે. ગુજરાત ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ કહ્યું- ગુજરાતમાં આમ આદમી પાર્ટી કંઈ નથી. જમીન પર માત્ર પ્રચાર કરે છે.
પૈસાના દમ પર. ગુજરાતની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી જીતશે. ભારત જોડો યાત્રા શરૂ કરવાના વિચાર વિશે જણાવતા રાહુલે કહ્યુ, ‘ઘણા વર્ષ પહેલા અમે લોકોએ વિચાર્યું હતું કે આ યાત્રાને કરવા માટે પરંતુ કોવિડને કારણે યાત્રા રદ્દ કરવી પડી. રાજનીતિમાં આવતા પહેલા અમે આ યાત્રા વિશે વિચાર્યું હતું. એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ ઓબીસી વસ્તી ગણતરી અને તેના આંકડા જાહેર કરવાના પક્ષમાં છે. નોંધનીય છે કે સોમવાર (૩૧ ઓક્ટોબર) એ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો ૫૩મો દિવસ છે. આ યાત્રા ચાર રાજ્યોના ૧૬ જિલ્લામાં પસાર થઈ છે. હાલ યાત્રા તેલંગણાના રંગારેડ્ડી જિલ્લામાંથી પસાર થઈ રહી છે. ભારત જોડો યાત્રામાં અત્યાર સુધી ૨૧૭૨ કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું છે.