- મહીસાગર જિલ્લાના કડાણા જળાશયના કાંઠે નદીનાથ મહાદેવના સાનિધ્યમાં મહી પુનમના ત્રિદિવસીય મેળાનો પ્રારંભ
- આ સ્થળે શ્રી નદીનાથ મહાદેવ, બાર જ્યોતિર્લિંગ, એકલિંગજી મહાદેવ, નવદુર્ગાનાં સ્વરૂપની સાથે પર્વત પર ૮૦ ફુટની વિશાળકાય મહાદેવની પ્રતિમા સ્થાપીત છે
- લાલીયા લુહારે આ સ્થળે પારસમણી પધરાવ્યો હતો
લુણાવાડાઃ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ઘોડીયાર શ્રી નદીનાથ મહાદેવ મહાતિર્થ ખાતે મહી પુનમનો ત્રીદિવસીય મેળાનો પ્રારંભ થયો છે. પ્રાકૃતિક સૌદર્ય થી ભરપુર ગીરીકંદરાઓથી ઘેરાયેલ મહી નદી પર બંધાયેલ કડાણા જળાશયની વિશાળ જળ રાશીનું દર્શન કરાવતુ મનમોહક નદીનાથ મહાદેવનું મંદીર પ્રવાસીઓનું મન મોહી લે છે. મહી પુનમના મેળાને મહાલવા પંથકની પ્રજા આતુરતા થી રાહ જોતી હોય છે. મેળો પ્રારંભ થતા ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ ત્રણ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં માનવમહેરામણ મહી પુનમના મેળાને માણવા માટે ઉમટી પડ્યું છે. ચોતરફ હકડેઠ્ઠ જનમેદની મેળો મહાલતા નદીનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહી છે.
પરંપરાગત રીતે પુરાણકાળથી મહી નદીના કાઠે મહી પુનમના આ મેળાનું વિશેષ મહાત્મય રહેલું છે. અનેક પૌરાણીક લોકવાયકાઓ અને કિવદંતીઓ સંઘરીને બેઠેલુ આ સ્થળ દિનપ્રતિદિન લોકોના હ્યદયમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. આ વિસ્તારના અગ્રણી પ્રબોધકાંત પંડ્યા આ તિર્થ વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે, અગાઉ જ્યારે કડાણા ડેમ બન્યો ન હતો ત્યારે નદીનાથનો ધરો ગુફામંદિર તરીકે પ્રસિધ્ધ હતો. આ મંદિરે સોમાભાઇ પંડ્યાની નિયમીત પુજા અર્ચના કરતા તેમને અનેક અલૌકીક ઘટનાઓની અનુભુતિ થઇ હતી જે આજે પણ લોકોમાં ચર્ચાય છે. લોકવાયકામાં જીવંત પાત્ર લાલીયા લુહારે આ સ્થળે પારસમણી પધરાવ્યો હતો. અંગ્રેજોએ તેને કાઢવા માટે અથાક પ્રયત્નો કર્યા હતા પરંતુ પારસમણી હાથ લાગ્યો ન હતો અત્રે એટલો ઊંડો ધરો હતો કે, સાત ખાટલાનું વાણ (દોરી) ઉતાર્યા બાદ પણ તળીયે પહોચી ન હતી તેવુ કહેવાય છે.
આ સ્થળે મહી પુનમે ઘણો મોટો મેળો પરંપરાગત રીતે ભરાય છે ડેમની રચના થયા બાદ પુર્વ અને પશ્ચિમ બે ભાગમાં વહેચાયુ અને પુર્વ ભાગમાં ભેકોટલીયા મહારાજનું મંદીર અને પશ્ચિમ ભાગમાં નદિનાથ મહાદેવનું મંદિર આસ્થાનુ પ્રતિક બન્યા. ડેમમાં ગુફા મંદિર ડુબાણમાં ગયા બાદ આ પંથકમાં લોકોએ ભારે શ્રધ્ધાથી શ્રી નદીનાથ મહાદેવ ની સ્થાપના કરી અને શ્રી નદીનાથ મહાતીર્થનો વિકાસ કર્યો છે. આ સ્થળે શ્રી નદીનાથ મહાદેવ, બાર જ્યોતિર્લિંગ, એકલિંગજી મહાદેવ, નવદુર્ગાનાં સ્વરૂપની સાથે પર્વત પર ૮૦ ફુટની વિશાળકાય મહાદેવની પ્રતિમા સ્થાપીત છે. અહી બોટીંગ વ્યવસ્થા પ્રવાસીઓ માટે આકર્ષણનુ કારણ બને છે.
અનેક ધાર્મીક કાર્યક્રમોના આયોજન સાથે વર્ષ દરમ્યાન અનેકવિધ તહેવારો ઘોડીયાર નદીનાથ મહાદેવના પટાંગણમાં યોજાય છે. આ ઉપરાંત સરકારી તેમજ અનેક શૈક્ષણીક સંસ્થાઓના સેમીનાર અને પ્રવાસનું આ રમણીય સ્થળે આયોજન કરવામાં આવે છે. આ સ્થળની મુલાકાત લેવી તે જીવનનો એક લહાવો છે.