“મા”, એક અક્ષર અને એક કાનો, પણ તેની અસીમતાનાં સીમાડાં કેવાં ? એક બાળક અને એક મા તરીકેની ફરજ અદા કરવાનો અને હક ભોગવવાનો સમય બહું જ નસીબદાર સ્ત્રીઓને મળે છે. માની કદર ત્યારે થઇ જયારે એક સાથે વીસ હાંડકા તૂટે ને જે પીડા થાય તેવી પ્રસવપીડાં ભોગવી, એ દિવસ ને આજનો દિવસ. પછી માના દ્રષ્ટિકોણને સમજવું થોડું સરળ થઇ ગયું.
એક બાળક માટે માં એટલે કે પ્રેમ અને પ્રાથમિક જરૂરિયાત પૂરું પાડતું એક માત્ર પાત્ર. અને કેળવણીનાં કડક પાઠ શીખવાડતાં સો શિક્ષકોનો સમન્વય. જયારે કે મા માટે બાળક એટલે કે શરીરથી છુટું પાડેલું એવું અભિન્ન અંગ કે જેનાં ઉપર માના હેતની હેલી વરસતી રહે છે અને વાસ્તવિક એટલે કે ફકત લાડ અને પ્રેમ વાળી કાળજી નહીં પણ થોડીક અનુશાસનવાળી કાળજીરૂપી વિટામીન ડી વાળો તડકો. મા એટલે કે એક આંખથી અનુશાસન અને કડક કાળજી ભર્યો વરસતો તડકો અને બીજી આંખમાંથી વરસતી હેતની હેલી.
આજની મા હવે ઘર પૂરતી સીમિત ના રહી, બાળકની ડોકટર, સ્કૂલમાં, હોબી કલાસમાં, ડ્રોપ અને પિકઅપ સર્વિસ આપતી ડ્રાઇવર, રમત ગમત અને કાર્ટુન જોવા માટેની પાર્ટનર અને છેલ્લે એક શિક્ષક પણ બની ગઇ છે. સમય બદલાતાં માની ફરજોમાં વધારો થઇ રહ્યો છે.
બાળક મોટું થાય એટલે માની ફરજ પૂરી નથી થતી. એમાં પણ જો બાળક એક દિકરી હોય તો તેને વળાવ્યાં પછી પણ તેની દરેક ચેલેંજનો સામનો આપવાની અવિરત તાકાતમાં જ આપે છે. આજે પણ ભારતમાં એટલે જ પ્રસવપીડાં વખતે સ્રી તેની મા સાથે કમ્ફર્ટેબલ અનુભવે છે.
~ હેમલ પંડ્યા રાવલ