અમરેલીઃ ગુરૂવાર ગુજરાત રાજયમાં સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાઓ કાર્યરત છે. આ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને વૃક્ષ ખેતી તરફ પ્રોત્સાહિત કરીને વાર્ષિક ૨૦ થી ૨૫ લાખ સુધી વિવિધ વૃક્ષોનું વાવતેર કરવામાં આવે છે.
રાજયમાં નીલગીરી, સરગવો, મિલિયા ડુબીયા લીમડા જેવા વૃક્ષોના વાવેતરથી પર્યાવરણને પણ ફાયદો થાય છે. મિલિયા ડુબીયા લીમડા એ મલેશિયન નીમ કે મલબારી નીમ તરીકે પણ ઓળખાય છે. આ વૃક્ષના વાવેતર માટે નિયત કરવામાં આવેલી સબસીડી પણ ચૂકવવામાં આવે છે. મિલિયા ડુબીયા લીમડા વિશેની વાત વિગતે જાણીએ…..
મિલિયા ડુબીયા લીમડા માટે અનુકૂળ જમીન અને આબોહવા-
મિલિયા ડુબીયા લીમડાને સમશીતોષણ આબોહવા બધાજ પ્રકારનું વાતાવરણ અનુકૂળ છે. પાણી ભરાઇ ન રહેતું હોય તેવી તમામ પ્રકારની જમીન માફક આવે છે. ૧૦X૧૦ ફૂટે વાવેતર કરવામાં આવે છે. પ્રતિ એકે ૪૦૦ રોપાની આવશ્કયતા રહે છે. ઉનાળામાં ૧૫ થી ૨૦ દિવસે અને શિયાળામાં ૨૦ થી ૩૦ દિવસે પિયતની જરૂર રહે છે. ડ્રીપ હોય તો ઝડપી વિકાસ થાય છે. વાવેતર સમયે પાયામાં ખાડો કરી દેશી ખાતર આપવું જરૂરી છે. સેન્દ્રીય અને રાસાયણિક ખાતરનો પણ પૂરક ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે.
મિલિયા ડુબીયા લીમડાની ખેતીની વિશેષતા-
મિલિયા ડુબીયા એ વૃક્ષોમાં સૌથી ઝડપી વિકાસ પામતી જાતિ છે. ૮ થી ૧૦ વર્ષમાં કાપણી કરી શકાય છે. કાપણી બાદ ફરી ફૂટે છે, આથી ફરી તેના વાવેતરની જરૂર રહેતી નથી. ૩X૩ મીટરના માપે વાવેતર કરવામાં આવે છે અને આ વૃક્ષનો નીલગીરીની જેમ સીધો વિકાસ થતો હોય છે. આંતરપાક પણ લઇ શકાય છે. જંગલી કે પાલતું પશુ-પક્ષીનો ઉપદ્રવ રહેતો નથી.
ખેતી ખર્ચમાં ૯૦ ટકા સુધીનો ઘટાડો આપતી ખેતી છે. આઠ થી દસ વર્ષ બાદ અંદાજે પ્રતિ એકરે ૧૨ થી ૧૫ લાખ સુધી આવક (પ્રતિ એકરે ૧.૫ થી ૨ લાખ), ૮ વર્ષ પછી કાપણી થતાં રૂ.૬૦૦૦ પ્રતિ ટનના ભાવે વેચાણનો કરાર થઇ શકે છે.
મિલિયા ડુબીયા લીમડાની ગુણવત્તા-
મિલિયા ડુબીયા એકસરખી રીતે સીધા અને ઝડપથી વધે છે. ઘેરો લીલો અને છત્રી આકારે વધતા આ વૃક્ષ સુંદર હોય છે. છ મહિના સારું પાણી મળે તો આ વૃક્ષ ૧૦ થી ૧૨ ફુટની ઉંચાઇ પ્રાપ્ત કરે છે. એક વર્ષમાં ૨૦ થી ૨૨ ફુટ ઉંચું તથા ૧૮ ઇંચનો ઘેરાવો ફેલાવે છે. ઉધઇથી આ વૃક્ષના રોપને નુકશાન થતું નથી. પેસ્ટીસાઇડ્ઝનો બચાવ થાય છે.
સબસીડી-
ભારત સરકારની સબ મિશન એગ્રો ફોરેસ્ટ્રી યોજના અન્વયે વિપુલ માત્રામાં ગુજરાતમાં મિલિયા ડુબીયા લીમડા (મલેશિયન નીમ)ના વાવેતરની ઝૂંબેશ ઉપાડવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગુજરાતના કોઇપણ ખેડૂતને ૨૦૦ થી લઇને કોઇપણ મર્યાદા વિના મિલિયા ડુબીયા લીમડાનું વાવેતર કરી શકાય છે. એક હેકટર (૧૦૦૦ છોડ) માટે પ્રતિ છોડ રૂ.૧૬ સબસીડી ત્રણ તબક્કામાં મળવાપાત્ર છે. એક હેકટરથી વધુ વાવેતર માટે ખેડૂતને રૂ.૧૨ સબસીડી મળવાપાત્ર છે.
સંપર્ક-
મિલિયા ડુબીયા લીમડાની ખેતી સંબંધિત વિગતો અને માહિતી-માર્ગદર્શન માટે ગુજરાત રાજયના સામાજિક વનીકરણ વિભાગની કચેરીઓનો સંપર્ક સાધી શકાય છે. આ ઉપરાંત સામાજિક વનીકરણની રેન્જ ઓફિસ ખાતે પણ યોજનાકીય માર્ગદર્શન મળી શકે છે. સરકારી નર્સરીનો સંપર્ક સાધી મિલિયા ડુબીયા લીમડાના રોપાઓ પણ મેળવી શકાય છે.