આજે ‘ગાંધી નિર્વાણ દિન’: દુનિયામાં આજે પણ ગાંધીજીના જીવન મૂલ્યોને અનુસરનાર એક ખુબ મોટો વર્ગ છે
સાબરમતીના સંતની વિચારધારા આજે પણ દેશના કણ –કણમાં જીવંત
૩૦મી, જાન્યુઆરી, ૧૯૪૮ નો દિવસ એટલે દેશ માટે એક મહાત્મા- મોહનદાસ કરમચંદ ગાંધીએ આપેલી પોતાના જીવનની આહુતિનો-શહીદીનો દિવસ. આ એ ગોઝારા શુક્રવારનો દિવસ હતો, જે દિવસે દેશના લાડીલા બાપુ મહાત્મા ગાંધીએ નથુરામ ગોડસેની ત્રણ ગોળીઓ છાતી પર ઝીલી દેશ માટે પ્રાણ ન્યોચ્છાવર કરી આ ફાની દુનિયામાંથી વિદાય લીધી હતી.
સત્ય અને અહિંસાના પૂજારી, એક નાના જંતુની પણ હિંસા સાંખી ન શકે એવા શાંતિના દૂતની વિદાયથી રાષ્ટ્રને કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી. દુનિયાના કરોડો લોકો આ દિવસે આજે પણ આંસુ ભરી શોકાંજલિ અર્પે છે.
ગાંધીજીના જીવન અને કાર્ય અંગે કેટકેટલું લખાયું છે, અને લખાતું રહેશે. એમના સત્ય અને અહિંસાના વિચારો આજના સમયે પણ એટલા જ સાર્થક છે. ડો.માર્ટીન લ્યુથર કિંગની આગેવાની હેઠળ લડાયેલ અમેરિકાની અહિંસક સામાજિક ક્રાંતિમાં અને દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાની સ્વતંત્રતાની લડતમાં ગાંધી વિચારોની અસર સ્પષ્ટ જણાઈ આવે છે.
આ કર્મયોગી પૂજ્ય બાપુ વિશ્વ વિખ્યાત બન્યા હોવા છતાં એમનામાં ભારોભાર નમ્રતા ભરી હતી. એમની આત્મકથા સત્યના પ્રયોગોમાં એમણે કહ્યું છે: ‘મને મહાત્માનું પદ મળ્યું છે એની કિંમત જુજ છે. એ વિશેષણથી હું ફુલાઈ ગયો હોઉં એવી એક ક્ષણ મને યાદ નથી. જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું, મારા ભૂતકાળના જીવન ઉપર દ્રષ્ટિ નાખતો જાઉં છું, તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું.’’
વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શો એ મહાત્મા ગાંધી વિષે કહ્યું હતું કે:-
“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા, નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિવિધતાઓ લઈને કોઈ નોખી માટીનો માનવી આ દેશમાં જન્મ્યો હશે.”
અહિંસા, ભાઈચારો, સત્ય જેવા સનાતન મૂલ્યો માટે જીવન પર્યંત સંઘર્ષ કરનાર ગાંધી બાપુના જીવનમાંથી દેશ અને દુનિયામાં અનેક માણસોએ પ્રેરણા મેળવી છે, અને પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે. અનેક રાષ્ટ્ર-પ્રમુખોએ તેમના સિદ્ધાંતો દ્વારા પોતાના રાજકીય અને સામાજિક જીવનને પરિવર્તિત કરીને સફળતા મેળવી છે. દુનિયામાં આજે પણ ગાંધીજીના જીવન મૂલ્યોને અનુસરનાર એક ખુબ મોટો વર્ગ છે.
મહાત્મા ગાંધીજી આટલા મહાન હોવા છતા આટલા સંયમી કેવી રીતે હતા, તેમને પોતાનું જીવન સાદગીથી કેવી રીતે વિતાવ્યુ, આવા અનેક પ્રશ્નોનો જવાબ તેમણે અપનાવેલા આ ૧૧ જીવનમંત્રોમાં છુપાયેલુ છે. જે આ પ્રમાણે છે:
૧) સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.,
૨) અહિંસા: કોઈને જરા પણ દુઃખ ન આપવું.,
૩) ચોરી ન કરવી: કોઈ કામ જૂઠુ ન કરવું.,
૪) અપરિગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં.,
૫) બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.,
૬) સ્વાવલંબન: પોતાના બધા કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.,
૭) અસ્પૃશ્યતા: જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.,
૮) અભય: નીડર રહેવું, નીડર બનવું.,
૯) સ્વદેશી: દેશમાં બનતી વસ્તુઓ જ વાપરવી.,
૧૦) સ્વાર્થ ત્યાગ : કોઈ કામ કે સેવા પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવી. સ્વાર્થ છોડીને જ જીવવું.,
૧૧) સર્વધર્મ સમાનતા : જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું.
૩૦મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં ‘ગાંધી નિર્વાણ દિન’ અને ‘શહીદ દિવસ’ તરીકે ઉજવી આઝાદીની સમગ્ર ચળવળ દરમિયાન દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોને યાદ કરી બપોરે ૧૧.૦૦ વાગે સમગ્ર દેશમાં બે મિનિટનું મૌન પાળવાની પ્રથા છે. આપણે પણ આ સમયે બે મિનિટ મૌન પાળી બાપૂને મૌનાંજલિ અર્પીએ. આવા મહાન વિભૂતિ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથીના આજના દિવસે એમને કોટિ કોટિ પ્રણામ.
છેલ્લે, ગાંધીજીને અતિપ્રિય એવી આ ધૂન:
‘રઘુપતિ રાઘવ રાજા રામ ,પતિત પાવન સીતારામ..,
ઈશ્વર અલ્લા એક હિ નામ,સબકો સન્મતિ દે ભગવાન..’