ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા.
આપણે સહુ જાણીએ છીએ કે, ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે.
૧ મે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ચાલો જાણીએ ગુજરાતની કેટલીક રોચક માહિતી…
- વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ગુજરાતના કેવડીયામાં આવેલ છે.
- ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં થયો હતો.
- ગુજરાત રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.
- ગુજરાતનું “નવાપુરા રેલ્વે સ્ટેશન” એ દેશનું એકમાત્ર એવું રેલવે સ્ટેશન છે કે જે અડધું મહારાષ્ટ્ર અને અડધું ગુજરાતમાં આવેલું છે.
- ૨૦૧૯-૨૦૩૫માં દુનિયાની ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં ગુજરાતનું સુરત શહેર પહેલા ક્રમાંકે છે. અને ગુજરાતનું જ બીજું શહેર રાજકોટ આ યાદીમાં સાતમાં ક્રમાંકે છે. બીજી એક ગર્વ લેવા બાબત એ પણ છે કે આ યાદીમાં સમાવિષ્ટ ટોચના ૧૦ શહેરો ભારત દેશના જ છે.!
- ગુજરાતના સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા. તેઓએ ૫૬૫ જેટલા રજવાડાંઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી
- ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.
- સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાં પણ ઘણો વધારે છે.
- એશીયાઇ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવવામાં સફળ રહ્યા છે. જે સાસણ-ગીર અભયારણ્યમાં જોવા મળે છે.
- ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે તથા તેની માથાદીઠ સરેરાશ આવક જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે.
- ખંભાતના અખાત પર ભાવનગરની દક્ષિણ-પૂર્વ દીશામાં ૫૦ કીમીના અંતરે અલંગમાં વિશ્વનું સૌથી મોટું જહાજચ્છેદન કારખાનું, (શીપબ્રેકીંગ યાર્ડ) આવેલું છે.
- ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે.
- મહેસાણા શહેરમાં આવેલી દુધસાગર ડેરી એ વિશ્વની સૌથી મોટી દૂધની બનાવટોની ઉત્પાદનની સંસ્થા છે.
- ભારતનું એક માત્ર પ્રવાહી રસાયણ બંદર દાહેજમાં આવેલું છે જેને ગુજરાત કેમીકલ પોર્ટ ટર્મિનલ કમ્પનીએ વિકસાવ્યું છે.
- વિશ્વનું સૌથી મોટું મૂળથી ખનિજ તેલ શુદ્ધ કરતું કારખાનું “રિલાયન્સ ઈનડસ્ટ્રીઝ” એ ગુજરાતના જામનગરમા આવેલું છે.
- ગુજરાતના ૯૮.૮૬% ગામડાઓ સર્વ ઋતુમાં વાપરી શકાય એવા પાકા રસ્તા વડે જોડાયેલા છે જે ટકાવારી ભારતમાં સૌથી વધુ છે.
- ગુજરાતના ૧૮૦૦૦ જેટલા ગામડાઓ પૈકી ૧૦૦% ટકા ગામડાઓને ગ્રામ જ્યોતિ યોજના હેથળ ૨૪ કલાક વિદ્યુત પુરવઠો અપાય છે. પ્રાકૃતિક ગૅસ આધારીત વિદ્યુત શક્તિના ઉત્પન્નમાં ગુજરાતનો ભારતમાં પ્રથમ ક્રમાંક આવે છે તેનો રાષ્ટ્રીય ફાળો ૮% છે. આણ્વીક વિદ્યુત ઉર્જાના ઉત્પન્નમાં ગુજરાત ભારતમાં બીજા ક્રમાંકે આવે છે. જેમાં તેનો રાષ્ટ્રીય ફાળો ૧% જેટલો છે.
- અમદાવાદમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ મેનેજમેન્ટના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓમાંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે.
- ગુજરાતી ભોજન મુખ્યત્વે શાકાહારી હોય છે. આજ કારણે સબવે અને ડોમિનોસને પોતાનું દુનિયાનું પહેલું શાકાહારી આઉટલેટ શરૂ કરવાની ફરજ પડી. એવું માનવામાં આવે છે કે ગુજરાતી ભોજન ભારતમાં પિરસાતું સૌથી વધુ તંદુરસ્ત ભોજન છે.
- દુનિયાનું સૌથી મોટું સફેદ રણ ગુજરાતના કચ્છ માં આવેલ છે. અહિયાં દર વર્ષે દુનિયાભરમાં પ્રખ્યાત એવા રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.
- આખા વિશ્વમાં ૫ કરોડ ૯૦ લાખ લોકો ગુજરાતી બોલે છે, જે તેને વિશ્વમાં ૨૬માં ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા બનાવે છે.
- ગુજરાત વિવધ પ્રકારની હસ્તકળા માટે પ્રખ્યાત છે. ઉ.દા. ભરતગુંથણ કામ, માટીકામ, બાંધણી, કાષ્ટકામ, પટોળા, જરીકામ, ઘરેણા અને બીડ વર્ક
- ગુજરાતી સિનેમાની પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા ૧૯૩૨માં પ્રસ્તુત થયેલી. ભવની ભવાઈ એ ગુજરાતી ફિલ્મોમાં સૌથી વખાયેલી ફિલ્મ છે, જે રાષ્ટ્રીય એકીકરણ પર આધારિત શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને શ્રેષ્ઠ કલા નિર્દેશન માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતેલી. અનેક સુપ્રસિદ્ધ કલાકારો જેવા કે સંજીવ કુમાર, બિંદુ, આશા પારેખ, કિરણ કુમાર, અરુણા ઈરાની, મલ્લિકા સારાભાઈ, અસરાની, નરેશ કનોડિયા, પરેશ રાવલ, દિલીપ જોશી, નીરજ વોરા એ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરેલું છે.
- ગુજરાતના પરંપરાગત મેળાઓ એ સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. વર્ષ દરમિયાન રાજ્યમાં ૩૫૦૦ જેટલા મેળા અને તહેવારો ઉજવવામાં આવે છે. ગુજરાતના કેટલાક મુખ્ય મેળાના નામ આ મુજબ છે. ભવનાથ મહાદેવનો મેળો, વૌઠાનો મેળો, ચિત્ર-વિચિત્ર મેળો, મોઢેરા – નૃત્ય મહોત્સવ, ડાંગ – દરબાર મેળો, કચ્છ રણ ઉત્સવ, ધ્રાંગ મેળો, અંબાજી પૂનમનો મેળો, તરણેતરનો મેળો (ત્રિનેતેશ્વર મહાદેવનો મેળો), શામળાજીનો મેળો
- ગુજરાત રાજ્ય ભારતમાં ૧૬૦૦ કિમીનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. કંડલા બંદર પશ્ચિમી ભારતના સૌથી મોટા બંદરોમાનું એક છે. આ સિવાય ગુજરાતમાં નવલખી બંદર, મગદલ્લા બંદર, પીપાવાવ બંદર, પોરબંદર બંદર અને ખાનગી માલિકીના મુંદ્રા બંદર જેવા અગત્યના બંદરો આવેલા છે.
- ભારતની પહેલી વર્લ્ડ હેરિટેજ સિટી ગુજરાતનું અમદાવાદ શહેર છે..
- કેટો ઈન્સ્ટીટ્યૂટના આર્થિક રિપોર્ટ અનુસાર ઔદ્યોગિક સ્વાતંત્ર્યની બાબતમાં ભારતીય રાજ્યોમાં તામિલનાડુ પછી ગુજરાત બીજા ક્રમે આવતું રાજ્ય છે.
- ગુજરાતનો પ્રમુખ તહેવાર નવરાત્રી એ દુનિયાનો સૌથી લાંબો ચાલતો ડાંસ ફેસ્ટીવલ છે.
- દેશના સૌથી ધનિક પરિવાર “અંબાણી” ગુજરાતના જ છે.
- અંગ્રેજોએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ગુજરાતના સુરત શહેરમાં જ કરી હતી.
- દુનિયાના લગભગ ૯૦% હીરા ગુજરાતના સુરત શહેરમાં પોલીશ કરવામાં આવે છે.
- ગુજરાતમાં ઈ.સ. ૧૯૬૦થી જ દારૂ પર પાબંધી લગાવવામાં આવી છે.
- છેલ્લે વડોદરાનો છું તો વડોદરા વિષે કાંઇક તો લખવાનો જ … વડોદરા રેલ્વેસ્ટેશન ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત અને ભારતનું ૪થા ક્રમનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે.
પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
(યોગી પ્રશાંતનાથ જ્યોતીર્નાથ નાથબાવા)
{Author, M.D._Sujok, Dr. Hon. D.H.L, Reiki Grandmaster – Sensei & Philosopher}