મોજ-મસ્તી, આનંદ સાથે જીંદગીને જીવી લેવાની નવા વર્ષની ઉજવણી કરવા ખાસ કરી યુવાઓ ખૂબ જ ઉત્સાહિત હોય છે. આ ઉજવણીનો આનંદ મેળવવા લોકો ઘણો નાણાકીય ખર્ચ કરતાં હોય છે. આ છેઉજવણીના સિક્કાની એક બાજુ, પરંતુ આ ઉજવણીના સિક્કાની બીજી બાજુ પણ હોય છે તે છે જરૂરિયાતમંદ લોકોની પાયાની જરૂરને પૂર્ણ કરતા યુવાઓ.
આ રીતે અમદાવાદ સ્થિત બિન સરકારી સંસ્થા જોય એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટના યુવાઓ દ્વારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ગાત્રો થીજવી દેતી કાતિલ ઠંડીમાં રસ્તાઓની બાજુ પર કે ખુલ્લી જગ્યામાં ઝૂપડપટ્ટીમાં રહેતા લોકો ખાસ કરી બાળકો અને વૃદ્ધોને આ પરિસ્થિતિનો સામનો કરવાનું કપરૂ થઇ પડે છે. ત્યારે આ લોકો સુધી પહોંચી તેઓને ઠંડીમાં રક્ષણ પુરૂ પાડવા માટે જોય એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટના યુવાઓ દ્વારા ગરમ કપડા અને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ સરસપુર, કાલુપુર, લાલદરવાજા, કાંકરિયા વગેરે વિસ્તારમાં કરવામાં આવ્યું.
આ માટે જોય એજ્યુકેશનલ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી અજય યાદવે જણાવ્યું કે અમારી આ સફરમાં અમારી સાથે જોડાયેલા તમામ યુવાઓ અને દાતાઓનો આભાર માનું છું. ખરેખર નવા વર્ષની ઉજવણી જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચી તેમના ચહેરા પરના સ્મિત બનાવનું કારણ બની અમે ખૂબ જ આનંદિત છીએ.