નમસ્તે મિત્રો….!!!
વંદે માતરમ્ !!
આવતી કાલે ભારત 69 વરસ પૂરા કરીને 70મા ગણતંત્ર વર્ષમાં પ્રવેશ કરશે. આપણે સહુ જાણીએ છીએ કે ભારત 26મી જાન્યુઆરી, 1950ના રોજ પ્રજાસત્તાક જાહેર થયુ હતું પણ શુ આપણે જાણીએ છીએ કે શા માટે સરકારે આ જ તારીખને ગણતંત્ર દિવસ માટે પસંદ કરી. લગભગ ના, તો ચાલો જાણીએ આ તારીખની તવારીખ પાછળનો ઈતિહાસ.
26 જાન્યુઆરીને તેથી પસંદ કરવામાં આવ્યું કારણ કે 1930માં આ જ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસએ ભારતને પૂર્ણ સ્વાતંત્ર્ય જાહેર કર્યું હતું. 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસના સમારંભ પર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવે છે. આ પ્રસંગે દર વર્ષે એક ભવ્ય પરેડ આપણી રાજધાની નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ નિવાસ સુધી રાજપથ પર યોજાય છે. આ ભવ્ય પરેડમાં ભારતીય સેનાની વિવિધ રેજિમેન્ટ, વાયુસેના, નૌસેના વગેરે ભાગ લે છે.
ઈ.સ. 1929ની આ જ તારીખે પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન થયું, જેમાં એ વાતને પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે જો અંગ્રેજ સરકાર 26 જાન્યુઆરી, 1930 સુધી ભારતને ડોમીનિયનનું પદ પ્રદાન નહિ કરે તો ભારત બ્રિટિશ સામ્રાજ્યની સ્વાયત્તમાં પોતાને સ્વતંત્ર ઘોષિત કરશે. 26 મી જાન્યુઆરી, 1930 સુધી, જ્યારે બ્રિટીશ સરકારે કશું જ કર્યું ન હતું, ત્યારે તે દિવસે કોંગ્રેસે ભારતની સંપૂર્ણ સ્વતંત્રતાની નિશ્ચય જાહેર કરી અને તેની સક્રિય ચળવળ શરૂ કરી.
બંધારણ અને ગણતંત્ર દિવસની જાહેરાત –
ભારતની સ્વતંત્રતા પછી, સંસદીય વિધાનસભાની જાહેરાત કરવામાં આવી અને તેણે 9 ડિસેમ્બર, 1947થી તેનું કાર્ય શરૂ કર્યું. બંધારણ સભાએ 2 વર્ષ, 11 મહિના, 18 દિવસમાં ભારતીય બંધારણની રચના કરી અને 26 નવેમ્બર, 1949ના રોજ બંધારણીય વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદને ભારતના બંધારણની સોંપણી કરી. આ દિવસની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરનો દિવસ ભારતના બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ઘણા સુધારા અને ફેરફારો પછી, 24 જાન્યુઆરી 1950ના રોજ વિધાનસભાના 308 સભ્યોએ બંધારણની બે હસ્તલિખિત નકલો પર હસ્તાક્ષર કર્યા. બે દિવસ પછી, 26 મી જાન્યુઆરીએ, સમગ્ર દેશમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું. 26 જાન્યુઆરીના મહત્વને જાળવી રાખવા માટે, આ દિવસે સંસદીય વિધાનસભા દ્વારા મંજૂર બંધારણને ભારતના પ્રજાસત્તાક તરીકે માન્યતા આપવામાં આવી હતી.
- આદિત શાહ