નમસ્તે મિત્રો….!!!
આપણે સહુ અને આપણો સભ્ય સમાજ દર વર્ષે આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવે છે. સમાજની સામાન્ય મહિલાઓની સામાન્ય દુનિયામાં ઉજાસ પાથરવાનો એક ખાસ દિવસ, એક ખાસ પહેલ કે જે તેઓને એક નવા જીવન તરફ આગળ વધવા, કઈંક ઉમદા કાર્ય કરતા રહેવા પ્રેરણા પૂરી પાડે છે. સરકાર તથા ઘણા બધા સામાજિક સંગઠનો તરફથી આ દિવસે સમાજની આદર્શ અને પ્રેરણાદાયી કાર્યો કરવામાં અગ્રણી એવી મહિલાઓને પુરસ્કાર અને પારિતોષિક એનાયત કરવામાં આવે છે.
બહુ સારી વાત છે કે હવે આપણો સમાજ સ્ત્રીઓને અને તેમની મન:સ્થિતિને સમજતો થયો છે પણ શુ ફક્ત અમુક સ્ત્રીઓને પારિતોષિક આપવું એ જ મહિલા દિવસની ઉજવણી છે. સ્ત્રી એ આપણા સમાજનું, અર્થવ્યવસ્થાનું, કુટુંબનું અને એથી પહેલા આપણા અંગત જીવનનું અભિન્ન અંગ છે. શાસ્ત્રોમાં સ્ત્રીને અને તેના ગુણોથી વ્યક્ત કરતો એક સુંદર શ્ર્લોક છે.
कार्येषु मन्त्री, करणेषु दासी, भोज्येषु माता शयनेषु रंभा,
धर्मानुकूला क्षमया धरित्री, भार्या च षाड्गुण्यवतीह दुर्लभा
આ તમામ વાતો અને બાબતો વાંચતા અને સમજતા હોવા છતા આપણે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે સ્ત્રીને સમજવામાં અને સન્માનિત કરવામાં કાચા પડી જઈએ છીએ. અમુક હદ પછી આપણી વાતો ફક્ત નારી સંરક્ષણ અને સ્ત્રી સશક્તિકરણ સુધી આવીને અટકી જાય છે. મહિલા દિનની ઊજવણી એ એકાદ દિવસ પૂરતું પર્વ નથી. સ્ત્રીના સ્ત્રીત્વને હંમેશા જીવંત રાખવું જરૂરી છે અને તેને જીવંત રાખવા માટે સ્ત્રીને સમજવું જરૂરી છે. સ્ત્રી પોતાના જીવનનો 99 % હિસ્સો પોતાના પરિવારને અને સમાજને સાચવવામાં આપે છે જ્યારે બદલામાં ફક્ત 1% પ્રેમ માંગે છે.
પ્રેમ એ ફક્ત શારીરિક સંબંધ પૂરતી લાગણી નથી. નાજુક સમયમાં આપવામાં આવતી હૂંફ અને નાની નાની બાબતોમાં લેવામાં આવતી કાળજી તમારા 1% પ્રેમને 100 % માં પરિવર્તિત કરી દેશે. પુરુષ સમોવડી થઈને અને સવારના ચારથી રાત્રિના બાર સુધા કામ કરનારી મહિલા માસિકના સમયગાળા દરમિયાન મરણતોલ થઈ જાય છે. અવિરત પીડા સહિતનો રક્તસ્ત્રાવ, માનસિક તાણ, કામનો ભાર, પરિવારની ચિંતા અને શરીરમાં થનારા હોર્મોન્સના ફેરફારને લીધે તેનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. પાંત્રીસી વટાવી ચૂકેલી મહિલાઓ પણ જ્યારે પોતાના શરીરનું અને અસ્તિત્વનું મેનોપોઝના સમયગાળા દરમિયાન એક સુંદર સ્ત્રીમાંથી આધેડ મહિલા તરફનું પરિવર્તન થતું જુએ છે ત્યારે તેની પણ મનોદશા કઈંક આવી જ હોય છે.
આ જ એ સમય હોય છે જ્યારે આપણે તેની મનોદશા સમજવાની અને પોતાના પરિવારને સમજાવવાની જરૂર હોય છે. પણ અફસોસ…આપણે સમજવું કે સમજાવવું તો દૂર, આ વિષયમાં વાત કરવી પણ જરૂરી નથી સમજતા. જે સ્ત્રી તમારા જીવનના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં તમારી સમકક્ષ ઊભી રહીને તમને સાથ આપે છે, તેના જ જીવનના પીડાદાયી તબક્કામાં જ્યારે તેને તમારા સહકાર અને હૂંફની જરૂર હોય ત્યારે જ તેને અલગારી છોડી દેવામાં આવે છે. સામાજિક પ્રસંગોમાં ઘણી બધી જગ્યાએ જ્યારે સ્ત્રીઓ અને પુરુષો ભેગા બેઠા હોય ત્યારે વુમન એમ્પાવરમેન્ટની વાતો કરવામાં આવે છે પરંતુ અફસોસ…મોટાભાગના કિસ્સાઓમાં આ પ્રેમ અને હૂંફ ફક્ત બેડરૂમની ચાર દિવાલો સુધી જ સીમિત રહી જાય છે.
મહિલા, એ ઈશ્વરનું બનાવેલું એકમાત્ર એવું સર્જન છે, કે જે ફક્ત પ્રેમ અને હૂંફ માટે ભૂખ્યું છે. સ્ત્રી સન્માનની ચાહના રાખે છે. તેને કોઈ પારિતોષિક કે એવોર્ડની ખેવના નથી હોતી. તેના જીવનના અગત્યના તબક્કા દરમિયાન તેને સાથ અને સહકાર મળી રહે એ જ તેની એકમાત્ર ખ્વાહિશ હોય છે. પોતાની વ્યક્તિ તરફથી સહકાર મળવાની ખુશી એ કોઈ પણ સ્ત્રી માટે પુરસ્કાર મળ્યાની ખુશી કરતા લાખો ગણી વધુ હોય છે.
- આદિત શાહ