ફાગણ એટલે વસંતઋતુનો પૂરબહારમાં ખીલવાનો સમય અને એમાં પણ ફાગણ સુદ પૂનમ એટલે હોળીનો લોકપ્રિય તહેવાર. દોસ્તો, જ્યારે હોળી રમીએ અને બહુ બધા રંગોથી આપણુ શરીર કે કપડા ખરડાઈ જાય ત્યારે આપણે આપણી કે આપણા કપડાની અસલિયતને જાણી નથી શકતા. આપણા મનનું પણ આવું જ કઈંક છે. વર્ષ દરમિયાન આપણે ઘણી બધી વ્યક્તિઓને મળીએ છીએ, ઘણી બધી ઘટનાઓમાંથી પસાર થઈએ છીએ, ઘણા સારા નરસા પ્રસંગોના સાક્ષી બનતા હોઈએ છીએ, જેની અમીટ છાપ આપણા માનસપટ પર છવાઈ જતી હોય છે, જેના લીધે આપણા મનમાં રાગ, દ્વેષ, ગુસ્સો, રોષ, આવેશની લાગણીઓ રમતી હોય છે. અમુક વાર આવી લાગણીઓ આપણને અતીતના એ પન્નાને પલટવા નથી દેતી, જે આવા કેટલાય રંગોથી ખરડાઈ ચૂક્યું છે. તો ચાલો આવો આ હોળીએ સૌ સાથે મળીને અમુક કાબરચીતરા રંગોથી રંગાઈ ગયેલા પોતાના માનસપટને ફરી શુદ્ધ કરી દઈએ.
દરેક વ્યક્તિ પોતાના જીવનમાં જ્યારે કારકિર્દીના ક્ષેત્રે કોઈ નવું પગથિયું ચડવાની શરૂઆત કરે ત્યારે જે પહેલી વ્યક્તિ તેનો હાથ પકડીને તેને એ પગથિયું ચડાવાની શરૂઆત કરે તેને જ પોતાની પ્રેરણા માની લેતુ હોય છે. તેને એવી અપેક્ષા હોય છે કે એ વ્યક્તિ તેના જીવનમાં જ્ઞાનરૂપી રંગો ભરશે, તેને પ્રેરિત કરશે અને આગળ વધવામાં મદદ કરશે. પોતાના કોરા જીવનમાં તે વ્યક્તિના આખી જિંદગીના નિચોડરૂપ અનુભવરૂપી ગુલાલથી પોતાનો કારકિર્દી પથ ભરાઈ જાય એવી તેને આશા હોય છે. પરંતુ દરેક સંજોગોમાં આ પરિસ્થિતિ સમાન રહે એવું જરૂરી નથી હોતું.
સમાન પણે આ જ બાબત વ્યક્તિની અંગત જિંદગીમાં પણ લાગુ પડે છે. ઘણી વાર આપણે એવી વ્યક્તિના સંપર્કમાં આવતા હોઈએ છીએ કે જે પૂરી રીતે તૂટી ગઈ હોય અને તેનું જીવન પણ સાવ રંગહીન થઈ રહ્યું હોય. પોતાનાથી જ નારાજગી અને કોઈ બીજી વ્યક્તિએ પોતાને તરછોડ્યા પછી એના માટે પોતાને જવાબદાર ઠેરવવાની ભાવના વ્યક્તિને લગભગ અધમૂઈ કરી નાખે છે. જેમ જેમ સમય પસાર થાય એમ એમ તે વ્યક્તિ સાથેનો નાતો ગહેરો થતો જાય છે અને એક સમય એવો આવે કે જ્યારે તેના જીવનમાં એક નવું પરિવર્તન આવે છે. એ વ્યક્તિ ફરીથી હસવા બોલવા લાગે છે, કોરી પડેલી સ્લેટ પર ફરીથી રંગીન ચોકના ટૂકડા આનંદ અને ઉમંગના લસરકા ચીતરવા માંડે છે અને બરાબર એ જ સમયે એ વ્યક્તિની નજરમાં તમને તમારું મહત્વ ઓછું પંકાવા માંડે છે. ઘણી વાર એ વ્યક્તિના વાતચીત કરવાના તરીકાને લીધે એવું પણ લાગવા માંડે છે કે શુ આ એ જ વ્યક્તિ હતી, જેના જીવનમાં ક્યારેક ખુશી અને ચહેરા પર સ્મિત લાવવાનુ કારણ આપણે જ હતા. આવા વિચારોના લીધે ધીમે ધીમે તે વ્યક્તિનામાં પણ પોતાના માટે ગિલ્ટની લાગણી મહેસૂસ થવાની શરૂઆત થાય છે.
તો આનું નિવારણ શુ ???
શુ એવો કોઈ રંગ નથી કે જે આવા વિચારોને મનમાંથી હટાવીને આપણા માનસપટને શુદ્ધ કરી શકે..???
તો જવાબ છે હા,
એવો રંગ છે…. ભસ્મનો રંગ… જે આ બધી માયાજાળ હટાવી શકે છે.
જ્યારે હોળી રમ્યા પછી ઘણા બધા રંગ એકસાથે શરીર પર લાગી જાય ત્યારે તેને દૂર કરવા શરીર પર ભસ્મ કે રાખ લગાવવામાં આવે તો તે રંગ ઊતરી જતા હોય છે પણ એના માટે જરૂરી છે ભસ્મ તૈયાર કરવી અને અહી વ્યક્તિએ પોતાના વિચારોના દહન થકી એ ભસ્મ તૈયાર કરવાની છે.
તમામ નકારાત્મક વિચારોના દહનની ભસ્મ…
તમામ પોઝિટિવ વિચારોની ભસ્મ જે આપણા મનમાં રહેલા એ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યેના રાગ, દ્વેષ, ક્રોધ, આવેશને બાળ્યા પછી તૈયાર થશે. જો કોઈ ખોટો વ્યવહાર કરે કે તરછોડે તો એ સ્વીકારવાની તૈયારી રાખો કે તમે બહુ નસીબદાર છો કે ઈશ્વરે તેમના આવા વર્તનનો અનુભવ કરાવવા તમારું ચયન કર્યું. કારણ કે તમે માનો કે ના માનો…સ્વીકારો કે ના સ્વીકારો પણ એ વ્યક્તિ તમને ભૂલી નહિ શકે. કદાચ તમારાથી દૂર રહેશે, તમારાથી ચિડાશે કે તમારા માટે ખોટી વાત પણ ફેલાવશે પણ તમને ભૂલી તો નહિ જ શકે કારણ કે તેના માનસપટમાં રંગોનું જે મેઘધનુષ્ય રચાયું છે તેના કેન્દ્રબિંદુ તમે જ છો.
તો આવો, સાથે મળીને આપણા દ્વેષ અને આવેશને ભસ્મ કરીને હકારાત્મકતાની રાખથી આપણા માનસપટને શુદ્ધ કરીએ….
એક નમ્ર અપીલ –
મિત્રો, હોળી એ રંગોનો તહેવાર છે એ વાત સાચી પરંતુ બે બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એક, ગુલાલ કે રંગ કોઈ પ્રાણી પર નાખવો નહી કારણ કે તેનાથી તેઓને ખંજવાળ આવે છે અને ચામડી ખરાબ થાય છે. આ સિવાય બીજી અપીલ એ છે કે બનતા સુધી પાણી વગર હોળી રમવાનો પ્રયાસ કરવો. આપણી આસપાસ અને ગુજરાતમાં એવા ઘણા બધા સ્થળ અને લોકો છે જેઓ પાણીની તંગી વેઠી રહ્યા છે. આપ સૌ વાચકમિત્રોને આદિત શાહ તરફથી હેપ્પી હોળી……
- આદિત શાહ