દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. અરબી સમુદ્ર ઉપર વાતાવરણમાં સર્જાયેલી સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમના કારણે આ વરસાદ થશે તેમ હવામાન વિભાગના નિયામક ડૉ. જયંત સરકારે જણાવ્યું હતું.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રૃપની સાપ્તાહિક બેઠકમાં રાજ્યની વરસાદી સ્થિતિનું અવલોકન કરતાં સરકારે વધુમાં જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્રના દીવ, પોરબંદર, અમરેલી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, કચ્છ, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ડાંગ, સુરત, વલસાડ, નવસારી, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહિસાગર, આણંદ, ખેડા તેમજ ઉતર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
રાહત નિયામક અને અધિક સચિવ એમ.આર.કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આગામી દિવસોમાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા NDRF ની કુલ-૨૦ ટીમને એલર્ટ કરાઇ છે. જે પૈકી તાપી, વલસાડ, સુરત, બનાસકાંઠા, રાજકોટ, મહિસાગર, નવસારી, ભાવનગર, પંચમહાલ-ગોધરા, અરવલ્લી-મોડાસા, અમરેલી, ગાંધીનગર અને જૂનાગઢમાં ૧-૧ જ્યારે ગીર-સોમનાથમાં ૪, વડોદરામાં ૩ ટીમો તહેનાત કરાઇ છે. વડોદરા, જામનગર અને અમદાવાદ ખાતે વાયુદળની ટીમ બચાવ કામગીરી માટે તૈયાર રખાઈ છે. હાલમાં વધુ વરસાદવાળા વિસ્તારમાં વિજળી અને રસ્તાની સ્થિતિ પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સમગ્ર તંત્ર સજ્જ છે.