દર વર્ષે અષાઢ સુદી પૂનમ આવે એટલે ગુરુને વંદન કરવાની પરંપરા સૌને યાદ આવે છે, જીવનમાં ગુરુનું બહુ જ મહત્વ છે. કોઇ એવું ય કહે છે કે દરેકે જીવનમાં ગુરુ તો કરવા જ જોઇએ, ગુરુ વિના નહિ જ્ઞાન,
” ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગું પાય,
બલિહારી ગુરુદેવકી ગોવિંદ દીયો દિખાય; “
— આ સુપ્રસિધ્ધ દુહો પણ ગુરુના મહિમાનું જ ગાન કરે છે.
— ગુરુના મહિમા વિષે અને ગુરુ વિષે આપણે ઘણું બધુ લખી શકીએ, ગુરુ કોને બનાવાય ? ગુરુ કેવા હોવા જોઇએ ?? ગુરુની પસંદગીનાં કોઇ ધોરણો હોય ખરાં ? ગુરુ બનાવતી વખતે કઇ બાબતો ધ્યાનમાં લેવી જોઇએ ?? વગેરે વગેરે.. આવા અનેક મુદ્દા ગુરુ સંબંધમાં આપણા મનમાં ઉદભવી શકે છે.
— ગુરુ ખરેખર તો એવા હોવા જોઇએ જે સમય સમય પર એના શિષ્યને ટકોરી શકે, જરૂર પડે હિંમત કરી શિષ્યને ઠપકો પણ આપી શકે તેવા હોવા જોઇએ.
— આજે ઘણા એવા પણ ગુરુ જનોના કિસ્સા બહાર આવેલા છે કે લોકો કોઇને ગુરુ બનવવામાં સો વાર વિચાર કરતા થયા છે. જો કે માત્ર આંધળુકીયાં કરીને કે અનુંકરણ કરીને કોઇને ગુરુ બનાવવા એ પણ બરાબર નથી. .
— ગુરુ બાબતે વધુ વિચારતાં મને એમ લાગે છે કે શું ગુરુ કોઇ વ્યક્તિને જ બનાવાય ?? કોઇ સંતને જ ગુરુ બનાવવા જોઇએ ??
ના, હું તો એમ માનું છું કે કોઇ યોગ્ય અને જ્ઞાની સંત પુરુષ મળે તો તેમને ગુરુપદ આપી શકો છો. પરંતુ જો એવું તમને શક્ય લાગતું ન હોય તો તમે કોઇ સારા ધર્મગ્રંથને , કોઇ ચિંતનના પુસ્તકને, કોઇ ઉત્તમ સિધ્ધાંતને કોઇ સરસ અને સર્વાંગ સુંદર નિયમને કે જેમનું અવસાન થયુ હોય તેવા કોઇ મહાત્માને પણ તમારા ગુરુ બનાવી શકો છો. ઇશ્વરનાં જૂદાં જૂદાં સ્વરૂપો પૈકી કોઇપણ એકને તમે ગુરુ પદે સ્થાપી શકો છો.
ચાલો આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે સૌ આપણે જેને પણ ગુરુપદે સ્થાપેલ છે તેમને વંદન કરીએ અને તે રીતે ધન્ય બનીએ.
- અનંત પટેલ