અમદાવાદ: ગુજરાતના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થઇ રહ્યો છે. બીજી બાજુ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે. જેથી તંત્ર દ્વારા જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે.
દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર લો પ્રેશરની સ્થિતી સર્જાયેલી છે અને હાલમાં ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર તથા પૂર્વીય રાજસ્થાન ઉપર કેન્દ્રિત છે. આવી સ્થિતીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણીને લઇને તંત્ર સાબદુ બની ગયું છે.
અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, વડોદરા, નર્મદા, દમણ દાદરાનગર હવેલી, પંચમહાલ, અરવલ્લી, મહિસાગર, સુરત, ભરુચમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે છે. આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ જ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદ થયો હતો. આ વરસાદી માહોલ અકબંધ રહી શકે છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર છત્તીસગઢ અને ઓરિસ્સા સુધી પહોંચીને ડિપ્રેશનમાં ફેરવાયું છે, જે ૨૪ કલાકમાં આગળ વધીને ગુજરાત સુધી પહોંચશે. આ અપર એર સરક્યુલેશન સીસ્ટમ સર્જાતા ચોમાસુ સીસ્ટમ સક્રિય થતાં અમદાવાદ શહેર સહિત ગુજરાતના ઘણાખરા ભાગોમાં હજુ બે થી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાને કરી છે.