ગુજરાત સરકારે આજે વરસાદથી અસરગ્રસ્ત ખેડુતો માટે વધારાના સહાય પેકેજની મોટી જાહેરાત કરી હતી. આના કારણે મોટી સંખ્યામાં ખેડુતોને સીધો ફાયદો થશે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં થયેલા કમોસમી વરસાદથી રાજ્યના ખેડુતોના પાકને ભારે નુકસાન થયું હતું.
આને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે આજે સહાય પેકેજની જાહેરાત કરી હતી. ખેડુતો માટે ૩૭૯૫ કરોડના સહાય પેકેજની રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જાહેરાત કરી હતી. રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજયના અસરગ્રસ્ત ખેડૂતો માટે રૂ.૩,૭૯૫ કરોડના સહાય પેકેજની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તા.૨૦ તારીખ સુધીમાં થયેલા નુકસાનને આવરીને આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યના તમામ ૧૮ હજાર ગામડાઓને ૫૬.૩૬ લાખ ખેડૂતોને આ સહાયનો લાભ મળશે.
જેમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવા ગામના ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. ૬૮૦૦, બાકીના ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. ૪૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે. તમામ ખેડૂત ખાતેદારોને મહત્તમ બે હેક્ટર સુધીનું વળતર ચૂકવાશે, આ સહાય રકમ પાકવીમા ઉપરાંતની રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે, જો ખેડૂતને નુકસાન નહી થયુ હોય તો પણ તેને પેકેજની સહાયનું વળતર ચૂકવવામાં આવશે. આ સહાય પેકેજમાં જે ખેડૂતોને નુકસાન નથી થયું તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે વરસાદથી નુકસાન નથી થયું તેવા ૮૧ તાલુકાઓમાં પણ સરકારી સહાય ચૂકવવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પાક વીમા ઉપરાંત સરકારી સહાયનો લાભ મળશે.
જેનો ફાયદો રાજ્યના ૨૪૮ તાલુકાઓને મળશે. રાજ્ય સરકારે જાહેર કરેલા રૂ.૩,૭૯૫ કરોડના સહાય પેકેજમાં રૂ.૨,૧૫૪ કરોડ કેન્દ્ર અને રૂ.૧,૬૪૩ કરોડ રાજ્ય સરકાર ચૂકવશે. હેક્ટર દીઠ ચાર હજારની સહાય કરાશે. આ માટે ઓનલાઈન અરજી પણ સ્વીકારવા અંગે અને સહાયની રકમ ખેડૂતોને સીધી તેમના બેંક ખાતામાં કઈ રીતે મળી જાય તે માટેની વ્યવસ્થા સરકાર ગોઠવી રહી છે, જેની પાછળથી જાણ કરાશે. ગુજરાત રાજયમાં આ વર્ષે લાંબા સમય સુધી સમગ્ર રાજયમાં છેલ્લા દાયકાઓમાં ન થયો હોય તેવો વરસાદ થયેલ છે. આ વરસાદને કારણે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ખેતીને ફાયદો પણ થયો છે અને કેટલાક વિસ્તારોમાં પાકને નુકસાન પણ થયું છે.
આ અંગે ધારાસભ્યઓ, ખેડૂત આગેવાનો વગેરે દ્વારા જ્યાં જ્યાં ખેતીને નુકસાન થયું હોય ત્યાં ખેડૂતોને સહાય આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કૃષિ મંત્રી આરસી ફળદુ સમક્ષ રજૂઆતો કરવામાં આવેલ. રાજ્ય સરકાર પણ આ પરિસ્થિતીથી સંપૂર્ણ વાકેફ હોઇ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, મહેસૂલ મંત્રી, શિક્ષણ મંત્રી, ઉર્જામંત્રી કક્ષાએ વિગતવાર ચર્ચા પરામર્શ કરવામાં આવેલ અને મંત્રીમંડળની બેઠકમાં પણ મંત્રીઓએ આ અંગે વિગતવાર ચર્ચા કરેલ અને તા. ૧૩.૧૧.૨૦૧૯ ના રોજ પ્રથમ તબક્કે રાજ્યના અસરગ્રસ્ત ખેડૂતોને ૭૦૦ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવેલ.
તે જાહેરાત વખતે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કૃષિ મંત્રી આરસી ફળદુએ સ્પષ્ટતા કરી હતી કે કૃષિ વિભાગ દ્વારા વ્યાપક સર્વે કરવામાં આવી રહ્યો છે તેની વિગતો ઉપલબ્ધ થયેથી વધારાની મોટી રકમનું સહાય પેકેજ જાહેર કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને તા. ૨૧.૧૧.૨૦૧૯ ના રોજ યોજાયેલ બેઠકમાં કૃષિ વિભાગ ધ્વારા ખેતી નુકસાન અને પાક પરિસ્થિતીની સંપૂર્ણ વિગતો રજૂ કરવામાં આવેલ અને તેના પર વ્યાપક ચર્ચા કરી તા. ૧૫-૧૦-૧૯થી ૨૦-૧૧-૧૯ સુધી થયેલ કમોસમી વરસાદને ધ્યાને લઈ રાજ્ય સરકારે કુલ ૩૭૯૫ કરોડની માતબર રકમનું રાહત પેકેજ મંજૂર કરેલ છે.