ગમતાનો કરીએ ગુલાલ
” તેથી હરેક ફૂલ પવનની જૂએ છે રાહ,
ખરવાનો ભય છે તો ય મહેક જાય દૂર પણ. ”
– શ્રી રવીન્દ્ર પારેખ.
ખરવાનો ભય છે તો ય મહેક જાય દૂર પણ. ”
– શ્રી રવીન્દ્ર પારેખ.
ખૂબ જ સરળ શૈલીમાં કવિએ ફૂલના ઉદાહરણ દ્વારા આપણને સુંદર સંદેશ આપ્યો છે. બગીચામાં સુંદર ફૂલ ખીલ્યું છે. તે ખૂબ જ આતુરતાથી પવનની રાહ જોઇ રહ્યું છે. પવન આવશે, જો જોરદાર પવન આવશે તો તો તે ફૂલ કદાચ ખરી પણ પડશે. પરંતુ તેમ ખરી પડવાની તેને ચિંતા નથી. તેને તો પવન આવે તો તેનામાં રહેલી મહેક સોડમ બધે વહેતી થાય તેનો આનંદ થશે. પોતાની મહેક અન્યને વહેંચવા માટે તેને પોતાને ખરી જવું પડશે તો પણ તેની ફિકર નથી. દરેક વ્યક્તિએ સમાજને સંસારને સારા વિચારો, સારી પ્રવૃત્તિઓ આપવા માટે તૈયાર થવું જોઇએ. પછી ભલેને તેમ કરવામાં મૃત્યુ કેમ ન આવી જાય ? સત્ય, અહિંસા, નીતિમત્તા અને ઉચ્ચ સંસ્કારો પોતાના સમાજને, બાળકોને આપવા તે આપણી પવિત્ર ફરજ છે. સમાજને સદગુણોનો સંદેશ આપવા માટે વ્યક્તિએ તેની ટેક લેવી પડે છે. માત્ર વાતો કરવાથી કોઇ ઉત્તમ પરિણામ મળતું નથી. ફૂલ પોતાની મહેંક અન્યને પહોંચાડવા પવનની રાહ જૂએ છે, પવનને આવકારે છે પછી ભલે ને તે પવન તેના મોતનું કારણ બની જાય !! આપણે પણ ઉચ્ચ સિધ્ધાંતો માટે ઝઝુમવું જોઇએ. તેને માટેની લડાઇમાં જે કંઇ વિપત્તિઓ આવે તેનો સામનો કરવાની હિંમત કેળવવી જોઇએ. બીજી એક વાત આ શેરમાં એવી પણ છે કે જો પવન આવે જ નહિ તો ફૂલની સુગંધ કોઇને મળે જ નહિ અને સમયાંતરે તે ખરી પડે તો તેનું જીવન વ્યર્થ ગણાશે. તેથી આવું આપણા જીવન માટે પણ ન બને તે માટે આપણે પણ સારા ગુણ, ઉત્તમ વિચારો અન્યને પહોંચે – મળે તે માટેનું વાતાવરણ ઉભું કરવું જ પડશે.
અનંત પટેલ