અમદાવાદ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં શેરડીના પાકમાં ૧૦૦ ટકા ડ્રીપ ઇરિગેશન માટે ખેડૂતોને રાજ્ય સરકાર પ્રેરિત કરશે તેવી નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ ખેડૂત સુખી તો ગામડું સુખીના ધ્યેયને સાકાર કરવા રાજ્યના હરેક કિસાનને ઇઝરાયેલ પદ્ધતિએ ડ્રીપ ઇરિગેશન તરફ વળવાની હિમાયત પણ કરી છે. અમદાવાદમાં ઇફ્કો આયોજિત ખેડૂત અને સહકાર સંમેલનમાં મુખ્યમંત્રીએ પ્રગતિશીલ કૃષિકારો અને સહકારી અગ્રણીઓનું સન્માન કર્યું હતું.
વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, હવે પરંપરાગત બીબાઢાળ ખેત પદ્ધતિને સ્થાને અદ્યતન કૃષિ પદ્ધતિ અપનાવી સમય સાથે ચાલવા ખેડૂતોએ નવી પદ્ધતિની ખેતી અપનાવવી પડશે અને પોતાનો માઇન્ડ સેટ બદલવો પડશે. તેમણે કહ્યું કે ઇઝરાયેલ જેવા નાના દેશે ટપક સિંચાઇ પદ્ધતિ અને કૃષિ ક્ષેત્રે જે જમાના પ્રમાણેની નવીન શોધ અપનાવી છે તેનો વ્યાપક વિનિયોગ ગુજરાતમાં કેળા, શેરડી, ડાંગર જેવા પાકોમાં કરી ૨૦૨૨ સુધીમાં ખેડૂતની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના સંકલ્પમાં ગુજરાત લીડ લેશે.
મુખ્યમંત્રીએ પોતાના તાજેતરના ઇઝરાયેલ પ્રવાસનો ઉલ્લેખ કરીને ઉમેર્યું કે, મુખ્યમંત્રી તરીકે રાજ્યના ધરતીપુત્રોને ઓછા પાણીએ મહત્તમ પાક ઉત્પાદન અને અદ્યતન જ્ઞાન આપવાની મનસા સાથે તેમણે ઇઝરાયેલની પસંદગી કરી હતી.
વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતના ખેડુતના બાવડામાં બળ છે. જો તેને યોગ્ય માર્ગદર્શન-અદ્યતન ટેકનીકનો સહારો મળે તો દેશ આખાનું પેટ અન્ન ઉત્પાદનથી ગુજરાતનો ખેડૂત ભરી શકે તેવો સમર્થ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ઇઝરાયેલની ટપક સિંચાઇ પધ્ધતિ આધુનિક કૃષિ ઉપકરણો, નવિન સંશોધનો બધાનો રાજ્યની ખેતી પધ્ધતિમાં વ્યાપક વિનિયોગ કરીને
‘જગતનો તાત રૂવે દિન-રાત નહિ, જગતનો તાત આર્થિક સમૃધ્ધિની તાકાત’ બને તેવી નેમ છે. તેમણે ગુજરાતના ખેડૂતોને ૦ ટકા વ્યાજે લાન, ખેડૂતના ખેતરમાં સૌર ઉર્જાથી વીજ ઉત્પાદન દ્વારા ખેત વપરાશની વીજ અને વધારાની વીજળી વેચીને આર્થિક આધાર મેળવી શકે તેવા અનેક આયોજનો કર્યા છે તેની વિશદ ભૂમિકા આપી હતી.
ગુજકોમાસોલના ચેરમેન અને પૂર્વ કૃષિ મંત્રી દિલીપભાઈ સાંઘાણી રાજ્યકક્ષાના ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારે ખેડૂતોના કલ્યાણ માટે અનેક કાર્યક્રમો યોજનાઓ અમલમાં મુકી છે જેમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદકતા મેળવી શકાય છે. ઈફ્કો અને ગુજકોમાસોલના સંયુક્ત માધ્યમથી ખેડૂત મિત્રોને રાસાયણિક ખાતર પૂરું પાડવામાં આવશે જેમાં ખેડુતો પાસેથી કોઈ જ ચાર્જ લેવામાં આવશે નહી, તેમ પણ કહ્યું હતું. ઈફ્કોના મેનેજર ઈનામદારે શાબ્દિક સ્વાગત પ્રવચન કરી સૌ મહાનુભાવેને આવકાર્યા હતા.
આણંદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત કેતનભાઈ પટેલે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, તેઓ કેળા અને બટાકાની ખેતી કરે છે. તેઓ ઈફ્કોમાંથી ખાતર મેળવી ઓછા પાણીએ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે.