વન અધિનિયમ હેઠળ લાયસન્સમાંથી મુક્તિ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: રાજ્યમાં વિવિધ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અનેકવિધ પગલાં ભરવામાં આવ્યા છે. તાજેતરમાં વધુ એક મહત્વનો નિર્ણય રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. જે નિર્ણયના કારણે સમગ્ર રાજ્યમાંથી આયાતી લાકડા આધારિત ઉદ્યોગોના એકમોને લાયસન્સ મેળવવામાંથી મુક્તિ અપાઇ છે. રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે અગાઉ મુંબઇ અધિનિયમ અંતર્ગત આયાતી લાકડા માટે ઉદ્યોગકારોને જે લાયસન્સ મેળવવું ફરજિયાત હતું તેમાંથી હવે તા. ૦૫/૦૯/૨૦૧૮ના જાહેરનામાથી હવેથી આ લાઇસન્સ પ્રથામાંથી મુક્તિ આપવામાં આવી છે.

હવેથી આયાતી લાકડા આધારિત સો-મીલ, વિનિયર, પ્લાયવુડ ઇન્ડસ્ટ્રી, એમએફડી ઇન્ડસ્ટ્રી વગેરે માટે હવે લાઇસન્સ લેવાની જરૂરિયાત રહેશે નહીં. તેના બદલે આવા ઉદ્યોગકારોએ ફકત નોંધણી કરાવવાની રહેશે. આ નોંધણીની પ્રક્રિયા પણ બિલકુલ સરળ રહેશે. આ જાહેરનામા પ્રમાણે પ્લાયવુડ પેસ્ટીંગ યુનિટ, સૂપૂર્ણ આયાતી લાકડા આધારિત ઉદ્યોગ, પાર્ટિકલ બોર્ડ, તથા એમડીએફ બનાવનારા એકમો તેમજ વહેરેલાં લાકડાનો ઉપયોગ કરી ફર્નિચર બનાવનારા એકમોને વન અધિનિયમ હેઠળ લાયસન્સ મેળવવામાં મુક્તિ આપવામાં આવી છે. રાજ્યમાં ફક્ત ખેત પેદાશો તરીકે જાહેર થયેલા તેમજ ઝાડ કાપવા તથા વાહતુક પાસ મેળવવામાંથી મુક્તિ અપાયેલ વૃક્ષોની જાતના લાકડાના ઉપયોગ કરતા એકમોને પણ વન વિભાગ હેઠળ લાયસન્સ મેળવવાથી મુક્તિ આપવામાં આવી છે.

આથી ગુજરાતમાં લાકડા આધારિત નવા ઉદ્યોગો સ્થાપવાની પ્રક્રિયાને વેગ મળશે અને લાકડા આધારિત ઉદ્યોગોથી ગુજરાતમાં રોજગારીની નવી તક ઉભી થશે. આ સિવાય વિનિયર આધારિત ઉદ્યોગોને પણ હવે લાયસન્સમાંથી મુક્તિ અપાઈ છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોને એગ્રો ફોરેસ્ટ્રી માટે પ્રોત્સાહન મળશે અને તેમને લાકડા આધારિત ખેતીનું વધુ વળતર મળી શકશે. લાકડા આધારિત ઉદ્યોગોનો કાર્બન ફૂટપ્રિન્ટ ઓછો હોય છે. જેથી કલાયમેટ ચેન્જની અસરો ઓછી કરવા માટે ઉપયોગી થશે.

Share This Article