તાળી એક હાથે ના પડે..

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

શિરિનનું લગ્ન નક્કી થયું તે દિવસથી જ તેણે મનમાં સંકલ્પ કરી લીધો હતો કે મારે તો સાસરે જઇ મારાં સાસુ સસરા નણંદ દિયર કે બીજુ જે કોઇ હોય તેની સાથે હળી મળીને એવું જીવન જીવવું છે કે કોઇને મારા માટે કશી ફરિયાદ જ ન કરવી પડે…આવું એણે એટલા માટે વિચારેલુ કેમ કે જ્યારથી તેને સમજણ આવી ત્યારથી  તે એમની પડોશમાં કે ગામમાં  પરણીને આવતી ભાભીઓ અને તેમની સાસુઓ વચ્ચે થતા ઝઘડા બોલા ચાલી વગેરે જોઇ જોઇને ખૂબ જ હેરાન થઇ ગઇ હતી.

પાડોશમાં કોઇ સાસુ વહુને બોલવાનું થયુ હોય ને એ ત્યાં જાય તો બધાંને સાસુનો વાંક ઓછો દેખાય પણ વહુનો જ વધારે વાંક દેખાયો હોય….શિરિન આ જોઇને વિચારતી;

— આવું કેમ થતું હશે ?

— શું દરેક વહુને સાસરે ગયા પછી ન જ ફાવે ?

— સાસુ જોડે ઝઘડવું ફરજિયાત હશે ?

— શું પડોશીઓને મન સાસુની વાત જ સાચી ?

— શું બધી વહુઓને કામકાજ આવડતું જ નહિ હોય ?

— શું કોઇ સાસુ વહુને શાંતિથી બેસાડીને સમજાવે જ નહિ ?

આવા બધા સવાલોના જવાબ રૂપે  શિરિને તો એના સાસુ કે સસરાને એકપણ ફરિયાદ કરવી જ ન પડે તેવી  રીતે પહેલેથી જ રહેવાનું નક્કી કર્યું હતું. શિરિનનું લગ્ન થઇ ગયું. એ તો પોતાના દ્રઢ સંકલ્પ સાથે આનંદ અને ઉલ્લાસ લઇ પ્રસન્ન દાંપત્યના સપનાં સંગાથે  સાસરે આવી ગઇ……..

દિવસ ઉપર દિવસ વીતવા લાગ્યા. એણે ધારેલું એવું કશું જ એનાં સાસુ સસરા કે નણંદ તરફથી બન્યુ જ નહિ….એનો પતિ એકનો એક પુત્ર હતો  એટલે દિયર જેઠ તો હતા જ નહિ. હા, પડોશમાં જ એનાં કાકા અને કાકીજી તેમ જ નજીકનાં અન્ય કુટુંબીઓ પણ હતાં. એના સસરાનો મોટો બિઝનેસ હતો.એનો પતિ પણ પપ્પાની સાથે  ધંધામાં જ જોડાયેલો હતો. ઘરમાં નોકર અને કામવાળી પણ આવતી હતી એટલે કશા નાના મોટા કામના  કોઇ પ્રશ્નો હતા જ નહિ. તે છતાં શિરિન તેના સંકલ્પ મુજબ

— ઘરની બંને ટાઇમની રસોઇ એ જ બનાવતી હતી,

— નણંદબાને કોલેજ જવાનું હોવાથી કશું કામ તે કરવા દેતી જ નહિ અને ઉલ્ટાનું એને અભ્યાસમાં પણ તે નવરી  પડે ત્યારે હેલ્પ કરતી,

— સાસુમાને એ એક્પણ કામ ન કરવા દે અને કંઇપણ બાબતે એ એમને પૂછીને જ આગળ વધતી…

બોલો આવી વહુ કઇ સાસુને ન ગમે ? અને પછી શાની કોઇ ફરિયાદ હોય ? ત્રણે ક મહિના પછી શિરિન પિયરમાં આવી ત્યરે મમ્મીને એનાં સાસુ વિશે કહેતી હતી,

” મમ્મી મારાં સાસુ તો કેટલાં બધાં સારાં  છે ? દર અઠવાડી યે અમને બંને જણને ફરજિયાત  રીતે બહાર જમવા અને પિક્ચર જોવા સામેથી જ કહી દે છે….”

” મારી નણંદ તો મારી બેસ્ટ ફ્રેન્ડ બની ગઇ છે, એને તો મારા વિના સહેજે ય ના ચાલે..”

” મારા સસરા  તો એટલા બધા  માયાળુ છે ને કે કહેવાની વાત નહિ….”

” મને તો લાગતું જ નથી કે હું સાસરે આવી છું ને હમણાં કોઇ મારો વાંક કાઢશે…. કોઇક મને લડી પડશે…એવો વિચાર પણ આવતો નથી ”

” બોલ મમ્મી,  આનાથી વધારે એક  સ્ત્રીને બીજું શું જોઇએ ?”

એનાં મમ્મી શિરિનની  વાત સાંભળી વિચારતાં જ રહી ગયાં…પણ પછી શિરિનના માથે હાથ ફેરવતાં એ બોલ્યાં,

” બેટા તારાં સાસરિયાં બહુ સારાં છે એનું કારણ એ છે કે તું પોતે પણ એમના જેટલી જ સારી છો…તને ખબર છે ને તાળી એક હાથે પડતી નથી….”

— મને વિચાર આવે છે કે શું દરેક ઘરમાં સાસુ વહુ આવી રીતે ન રહી શકે ? શું કહો છો તમે ?

 

 

 

Share This Article