આપણા દેશમાં આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાક્રીષ્ણનના જન્મ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શ્રી રાધાક્રીષ્ણનજીનો જન્મ તા. ૫મી સપ્ટે. ૧૮૮૮ના રોજ આંધ્રપ્રદેશ રાજ્યના એક ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેઓ વ્યવસાયે એક અધ્યાપક હતા. આગળ જતાં તેઓ આંધ્ર યુનિવર્સિટિના કુલપતિ તરીકે નીમાયા હતા. તેમની શિક્ષણ ક્ષેત્રે લાબા ગાળાની યશસ્વી કારકિર્દી રહી છે. તેઓએ યુનેસ્કો ખાતે ૧૯૪૬થી ૧૯૫૨ સુધી ભારતીય પ્રતિનિધિ મંડળના અધ્યક્ષ તરીકે સેવા આપેલ છે. તેઓ ૧૯૫૨માં ભારતના ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા અને ૧૯૬૨ સુધી તે પદ પર ચાલુ રહ્યા હતા તે પછી ૧૯૬૨માં ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તેઓ પોતાની જાતને આજીવન શિક્ષક જ ગણતા હતા. અને તેમની ઇચ્છા તેમના જન્મ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાની હતી, જે ધ્યાને લઇને તે વખતની સરકારે આ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાનું ઠરાવેલ છે તે મુજબ અત્યારે પણ દર વર્ષે પાંચમી સપ્ટે. ને શિક્ષક દિન તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે.
આ દિવસની ઉજવણીનો હેતુ શિક્ષકોનું ગૌરવ વધે, સમાજમાં કે એક વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકનું શું સ્થાન છે તે જાણવાનો અને શિક્ષકોને યોગ્ય તે માન સન્માન તેમ જ આદર મળી રહે તે માટેનો છે. ડો. સર્વ પલ્લી રાધાક્રીષ્ણન દ્વારા સિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મહત્વનું યોગદાન અપાયેલ છે. તેમાંથી આજના શિક્ષકો તેમને યાદ કરીને પ્રેરણા લે તેવો પણ શુભ આશય એમાં રહેલો છે. આ દિવસની ઉજવણીના ભાગ રૂપે વિદ્યાર્થીઓ તેમના ગુરુજનો માટેના તેમના વિચારો વકતૃત્વ સ્પર્ધાઓ યોજીને વ્યક્ત કરે છે. પ્રાથમિક શાળાથી માંડી ને છેક કોલેજ સુધીમાં દરેક વર્ગમાં જે તે સંસ્થાના વિદ્યાર્થીઓ જ શિક્ષક કે અધ્યાપક બનીને શિક્ષણ આપે તેવું ગોઠવવામાં આવે છે.
આ દિવસે નિબંધ સ્પર્ધાઓ, કાવ્ય સ્પર્ધાઓ યોજાય છે. શિક્ષકો કેવા હોવા જોઇએ ? શિક્ષકોની શી ફરજો છે ? તેની સમજ સાથે આદર્શ શિક્ષકની વ્યાખ્યા સમજવાની કોશિશ કરવામાં આવે છે. એક ઉત્તમ શિક્ષક દેશના ભવિષ્યને સાચી દિશા આપી શકે છે. વિદ્યાર્થીઓના મનમાં પોતાના શિક્ષક પ્રત્યે એક ગુરુ ભાવ જાગે તો જ એ શિક્ષકને વંદનીય ગણશે.
વિદ્યાર્થીઓ પુસ્તકો કે ગ્રંથો કે ગાઇડોમાંથી ઘણી બધી માહિતિ મેળવી શકે છે, પણ એક ઉત્તમ ગુરુજીના સહયોગ વગર એ બધુ અધૂરુ જ પુરવાર થાય છે. શિક્ષક જ બુધ્ધિ અને જ્ઞાનનો સ્ત્રોત છે. શિક્ષક જ બાળક્નું માર્ગદર્શન કરે છે અને તેમ થવાથી જ બાળકોનો ખરો વિકાસ થાય છે. મા બાપની પોતાના બાળકને જે કંઇ બનાવવાનું સ્વપ્ન હોય છે તે માત્ર શિક્ષક જ સાકાર કરાવી શકે છે. આ દિવસે શિક્ષકોને પણ તેમનું શિક્ષણમાં અમૂલ્ય અને ગૌરવવંતુ સ્થાન છે તેની પ્રતીતી કરાવવાનો છે. અને આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થીને તેની મમ્મી કે પપ્પા જે કશું નવું કહેશે એ તે તરત માનવા તૈયાર થતો નથી પણ જો એને શાળામાં સાહેબ જ જો એ જ વાત કરશે તો એ ઝડપથી માની જાય છે. આ જ બાબત બતાવે છે કે સમાજમાં શિક્ષકનું સ્થાન કેટલું મહ્ત્વનું અને ઉંચું છે.
આજના શિક્ષક દિવસે સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
- અનંત પટેલ