રાજ્ય સરકાર ખેડૂતોની સતત ચિંતા કરી છે. ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. એટલે જ આ વખતે રાજ્ય સરકારે રૂ. પાંચ હજાર કરોડની વિવિધ ખેતજણસીની ટેકાના ભાવે ખરીદી કરી છે. રાજ્ય સરકાર દ્વારા વીના વ્યાજે ખેડૂતોને લોન આપવામાં આવે છે. – તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.
યંગ એચિવર્સ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત મુખ્યમંત્રી રૂપાણીએ ઉક્ત બાબતમાં ઉમેરતા કહ્યું કે ખેડૂતોના નામે રાજકીય વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યાં વિરોધ થાય છે, ત્યાં રાજકીય નેતાઓની ઉપસ્થિતિ હોય છે. ચૂંટણીઓ આવતા જ વિરોધીઓને ખેડૂતો યાદ આવે છે. પણ, ગુજરાતના ખેડૂતો આવા રાજકીય વિરોધથી ભરમાશે નહીં.
રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ કાર્યપ્રણાલી વિકસાવી છે. પોલીસ તંત્રના પોલીસના એન્ટિ કરપ્શન બ્યુરોને વધુ મજબૂત અને સશક્ત બનાવવામાં આવ્યું છે. એટલે જ રોજ કોઇને કોઇ સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાઇ છે. એસીબીને ટેક્નલોજીથી સુસજ્જ બનાવવામાં આવી છે. સરકાર પાસેથી જે મંજૂરી લેવાની થાય છે, તે ઓનલાઇન કરવામાં આવી છે. તેનાથી ભ્રષ્ટાચારને નાબૂદ કરી શકાશે. તેના ભાગ રૂપે બાંધકામની મંજૂરી ઓનલાઇન કરવામાં આવી છે. અરજદારને ચોવીસ કલાકમાં જ મંજૂરી આપી દેવામાં આવે છે. હવે, આગામી દિવસોમાં બિનખેતીની મંજૂરી ઓનલાઇન મળે એવી વ્યવસ્થા વિકસાવવામાં આવશે. તેવું મુશ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.