આજના ઝડપી જીવનમાં બાળપણની મેદસ્વિતા એક મોટી સમસ્યા બની રહી છે. ભારતમાં આ સમસ્યા ઝડપથી વધી રહી છે, જ્યાં એક તરફ કુપોષણની સમસ્યા છે તો બીજી તરફ મેદસ્વિતા પણ વધી રહી છે. યુનિસેફના તાજેતરના અહેવાલ મુજબ, 2030 સુધીમાં ભારતમાં 2.7 કરોડથી વધુ બાળકો અને કિશોરો મેદસ્વિતાના શિકાર બનશે, જે વૈશ્વિક બોજના 11% હિસ્સો હશે.
આ સમસ્યા શારીરિક, સાથે બાળકોના ભવિષ્યને જોખમમાં મૂકે છે.આ સમસ્યાના મુખ્ય કારણો છે જંક ફૂડનું વધતું વપરાશ, મોબાઇલ અને ટીવીનો અતિશય ઉપયોગ તથા શારીરિક પ્રવૃત્તિનો અભાવ. આજના બાળકો ઘરે બેઠા મોબાઇલ કે ટીવી સામે કલાકો વીતાવે છે, જેનાથી તેઓ શારીરિક રીતે અસક્રિય બને છે અને જંક ફૂડ જેવા ચિપ્સ, બર્ગર, કોલ્ડ ડ્રિંક્સનું સેવન વધે છે.આનાથી બાળકોમાં વજન વધે છે અને તેઓ મેદસ્વી બને છે. અગાઉના સમયમાં બાળકો આઉટડોર રમતો રમતા હતા, જેમ કે ક્રિકેટ, ખો-ખો કે કબડ્ડી, પરંતુ આજે ગેજેટ્સના કારણે તેમની શારીરિક પ્રવૃત્તિ ઘટી છે.
આ સમસ્યાના પરિણામો ગંભીર છે. મેદસ્વિતા બાળકોમાં ટાઇપ-2 ડાયાબિટીસ, હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને લીવરની સમસ્યાઓનું જોખમ વધારે છે. આ રોગો અગાઉ પુખ્તવયમાં જોવા મળતા હતા, પરંતુ હવે બાળકોમાં પણ દેખાય છે. માનસિક રીતે પણ અસર થાય છે…બુલિંગ, ડિપ્રેશન અને આત્મવિશ્વાસનો અભાવ જેવી સમસ્યાણો સામનો કરે છે…
આમ આ પરિસ્થિતિને કંટ્રોલ કરવા ઘરે તાજા ભોજનની આદત, દરરોજ રમત-ગમત અને સ્ક્રીન ટાઇમ મર્યાદિત કરવું જોઈએ. ફિટ ઇન્ડિયા જેવા અભિયાનોને વધુ મજબૂત બનાવીને આપણે બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરી શકીએ છીએ. આજે જ પગલાં લઈએ તો આવતી પેઢી સ્વસ્થ અને સમૃદ્ધ બનશે.
