- ઘાયલ પક્ષીઓને ઓપરેશન માટે સુરત ખાતે ત્રણ ઓપરેશન કેન્દ્રો કાર્યરત
- સુરતમાં ૧૯૬૨ હેલ્પ લાઈન પર કોલ કરવાથી સ્થળ પર જ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ આવી પહોચશે
- એન.જી.ઓ ના ૧૪૫૫ સ્વયંસેવકો કરૂણા અભિયાનમાં ખડેપગે રહેશે
- તા. ૧૦ થી ૨૦મી જાન્યુઆરી દરમિયાન સુરત જિલ્લામાં કરૂણા અભિયાન ચાલશે
સૂરત: ઉતરાયણ પર્વના ઉમંગ અને યુવાનો-બાળકોના પતંગ ઉડાવવાના ઉત્સાહમાં આકાશમાં મુક્તપણે વિહરતા નિર્દોષ પક્ષીઓ દોરીથી ઘાયલ થવાના તેમજ મૃત્યુ પામવાના અનેક બનાવો બને છે. ઉત્તરાયણ વિત્યા પછી પણ અબોલ પક્ષીઓ કાતિલ દોરીથી ઘાયલ થાય છે. પતંગ ચગાવતી વખતે ઉપયોગમાં લેવામાં આવતો પરદેશી માંજો આ સમસ્યાને વધુ ગંભીર બનાવી દે છે. માનવી જ્યારે પૃથ્વી પર સર્વેસર્વા હોય ત્યારે અબોલ પક્ષીઓ પ્રત્યે તેમનો વ્યવહાર ખુબ જ સંવેદનશીલ રહે તે પણ જરૂરી છે. રાજ્ય સરકારે ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓની સારવાર-સુશ્રુષા માટે ૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાનનો રાજ્ય વ્યાપી પ્રારંભ કર્યો છે.
સુરત જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર અને સુરત મ્યુનિસિપલ કમિશનરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વનવિભાગ, શિક્ષણ વિભાગ, પશુપાલન વિભાગ અને જિલ્લાભરમાં પથરાયેલી જીવદયા સંસ્થાઓના સંકલનમાં રહી પક્ષી બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. જે ૨૦ જન્યુઆરી સુધી શરૂ રહેશે.
કરૂણા અભિયાનની તૈયારીના ભાગરૂપે ૦૨ જાન્યુઆરીએ જીલ્લાની જીવદયા એન.જી.ઓ, વેટરનરી ઓફિસર તથા વન વિભાગના સ્ટાફ અને સ્વયંસેવકો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઘાયલ પક્ષીઓને કઇ રીતે રેસ્ક્યુ કરવા તેમજ સારવાર કેન્દ્ર સુધી પહોચાડવા તેમજ પ્રાયમરી ટ્ર્રીટમેન્ટ અંગેની વિસ્તૃત સમજ અપાઈ હતી. જેની સઘન તાલીમ તા.૦૪-૦૧-૧૮ ના રોજ રોટરી કલબ, સુરત ખાતે રાખી સ્વયંસેવકો તેમજ વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. આ ટીમ સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી કરૂણા અભિયાન અંતર્ગત, પરદેશી ચાઇનીઝ માંજાવાળી દોરી, સિન્થેટીક દોરી, કાચ પાયેલી દોરીના વેચાણ પર કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. એટલે તેનું વેચાણ ન થાય તે માટે વેચાણ કેન્દ્રો પર નિગરાની રાખશે.
કરૂણા અભિયાન અંતર્ગત “પક્ષી બચાવો જન જાગૃતિ રથ” સુરત જિલ્લામાં ફેરવવામાં આવશે. જેમાં ઉતરાયણ પર્વ નિમિતે શાળાના વિદ્યાર્થીઓ-નાગરિકોને પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તથા પર્યાવરણ થતા નુકશાન તેમજ ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરી તેમજ સ્કાય લેટર્ન (ચાઇનીઝ તુક્કલ) પર મુકેલ પ્રતિબંધ અંગે જનજાગૃતિનું ઉમદા કાર્ય થશે.
આ અભિયાન હેઠળ સુરત જિલ્લા મથકે તથા જિલ્લાના ચોર્યાસી, ઓલપાડ, પલસાણા, કામરેજ, બારડોલી, માંડવી, મહુવા, માંગરોળ ખાતે જે તે ફોરેસ્ટ રેંજ કચેરી ખાતે કટ્રોલ રૂમ ચાલુ કરાયો છે. સુરત જિલ્લામાં કુલ ૦૯ પશુ દવાખાના તથા એન.જી.ઓ દ્વારા રહેણાંક વિસ્તાર બહાર ૦૩ પક્ષી સારવાર કેન્દ્ર, તથા ૧૧ પ્રાથમિક સારવાર કેન્દ્ર મળી કુલ ૨૩ સારવાર કેન્દ્રો કાર્યરત રહેશે.
સુરત શહેર-જિલ્લામાં ૧૯૬૨ હેલ્પ લાઈન પર કોલ કરવાથી સ્થળ પર જ ઇજાગ્રસ્ત પશુ-પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની સેવા મળી રહેશે. ઉપરાંત ઘાયલ પક્ષીઓની જાણ કરવા માટે એક ટોલ ફ્રી નંબર- ૧૮૦૦- ૩૦૦- ૨૩૨૭૯ પણ કાર્યરત છે.
ઘાયલ પક્ષીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અથવા ઓપરેશનની જરૂરીયાત પડે તે માટે વધુ ૩ ઓપરેશન કેન્દ્રો સેંટર બર્ડ હોસ્પીટલ પાલ, નેચરલ કલબ, પારલે પોઇન્ટ – વેસુ તેમજ પ્રયાસધામ, મજુરાગેટ ખાતે ઉભા કરાયા છે. જેમાં ૧૫ પશુપાલન ચિકિત્સા અધિકારી તેમજ એનજીઓ દ્વારા ૩૧ વેટરનરી ઓફિસર મળી કુલ ૪૬ ડૉકટર ફરજ બજાવશે.
કરૂણા અભિયાન હેઠળ એન.જી.ઓ ના ૧૪૫૫ સ્વયંસેવકો તથા વન વિભાગના સ્ટાફ ફરજ બજાવશે. સારવાર કેન્દ્રની દેખરેખ તેમજ મદદ માટે વનવિભાગની ખાસ ૦૬ ટીમ બનાવવામાં આવી છે. લોક જાગૃતિ માટે પતંગ ચગાવવાના ઉમંગમાં પક્ષીઓને નુકસાન ન થાય તે માટે તૈયાર કરાયેલી એક ઝીંગલને એફ.એમ.-રેડીયો દ્વારા પ્રસારિત કરવામાં આવશે.