અનર્થ થતો રહી ગયો
લગ્નના એક મહિના પછી સ્મિતા મમ્મીના ઘરે આવી ત્યારે તો કોઇને કશું ખાસ લાગ્યુ ન હતું પણ તેની મમ્મીને કશું ક અજુગતુ બન્યાની ગંધ આવી ગઇ હતી. પપ્પાને તો એમ કે દીકરી એક બે દિવસ રોકાઇને સાસરે જતી રહેશે, પણ આજના યુગમાં હમણાં જ પરણીને સાસરે ગયેલી દીકરી જો એના પતિ સાથે મળવા આવે તો તો ઠીક છે પણ એને આમ એકલી આવેલી જોઇ પપ્પાને થોડું કઠેલું પણ એ તો એની મમ્મી સંભાળી લેશે એમ વિચારી એમણે ધંધામાં મન પરોવેલું, અને કશી ઝાઝી પડપૂછ કરેલી નહિ.
— સ્મિતાએ મમ્મીને પેટછૂટી વાત કરી. એક મહિનાથી એ સાસરે હતી પણ એનો પતિ સૂરજ એનામાં કશો રસ બતાવતો જ ન હતો. બધાંની હાજરીમાં તો એ સરખુ બોલતો પણ રાત પડે ને તરત જ બદલાઇ જતો…
— શું એને સ્મિતા નહિ ગમતી હોય ?
— એના જીવનમાં બીજી કોઇ યુવતી તો ન હતી ?
— એનામાં કોઇ બિમારી તો ન હતી ?
— એ આવું કરતો હતો માટે તેનું કંઇક તો કારણ હોવાનું જ…
જો કે સામાન્ય બિમારી જેવું કશું હોય તો એક બે દિવસ એની અસર રહે પણ પછી તો સારુ થઇ જ જાય ને ? અહીંયાં તો લગ્નના મહિના પછી ય સૂરજના વર્તનમાં કશો બદલાવ આવ્યો ન હતો. જો કે સ્મિતાએ હજુ આ બાબતે એનાં સાસુ સસરાને કશી ફરિયાદ કરી ન હતી, પણ સૂરજને તો એણે પૂછ પરછ કરેલી તો એનો જવાબ હતો કે હમણાં એને સંસારમાં કોઇ રસ નથી, એ પોતે સારુ એવું કમાતો થાય પછી જે એ સંસાર શરુ કરવા માગે છે એવો તેનો જવાબ હતો …. પણ સ્મિતાને આ જવાબથી સંતોષ ન થયેલો..! કોઇપણ તાજો જ પરણેલો પુરુષ અંધારી રાત્રે પોતાની યુવાન પત્ની સાથે આનંદ પ્રમોદની બે મીઠી વાત પણ ન કરે એ તો કેવું કહેવાય ? આવું સતત એક મહિનો ચાલવાથી કંટાળીને સ્મિતા મમ્મી પાસે દોડી આવેલી…..
મમ્મીએ તેની વાત ધ્યાનથી સાંભળી. સૂરજની વાત કે સ્મિતાની વાત એકે ય કાઢી નાખવા જેવી ન હતી. મમ્મીએ એને આ બાબતે અન્ય કોઇ સાથે વધારે ચર્ચા ન કરવાની સલાહ આપીને દીકરીને સમજાવીને સાસરે મોકલી દીધી.
મમ્મીને મૂઝવણ તો થઇ હતી પણ આવી બાબતમાં ઉતાવળે કોઇ નિર્ણય ન જ લેવાય એમ વિચારી તેમણે એકદમ શાંતિ ધારણ કરી લીધી. સ્મિતાના પપ્પાને પણ કંઇ થયું નથી એમ કહીને સમજાવી દીધા.
થોડા દિવસમાં તો કુદરતનું કરવું તે બધું એકદમ બરાબર થઇ ગયું. જાણે કે સ્મિતાને કોઇ ફરિયાદ રહી જ નહિ . એ તો એનાં મમ્મી પપ્પા સાથે ફોન પર રાજી ખુશીની વાતો કરવા લાગી ગઇ હતી…. આમાં બાબત એવી બનેલ કે સૂરજની કોલેજમાં સ્મિતાના ગામનો એક છોકરો આવતો હતો તેણે સૂરજને પોતે સ્મિતાનો ખાસ ફ્રેન્ડ છે ને એને લઇને ફરવા પણ જઇ આવેલો છે… આવી બધી વાતો કરેલી એટલે સૂરજના મનમાં સ્મિતાના ચારિત્ર્ય બાબતે શંકા કુશંકા પ્રગટેલી … ! પરંતુ એ જ છોકરાને સૂરજ એક દિવસ એના ઘેર લઇ આવ્યો ત્યારે તે છોકરાએ તો તે આ સ્મિતાને ઓળખતો જ નથી તેવું કહ્યું ત્યારે સૂરજના મનની શંકાનું સમાધાન થયેલું , ખરેખર તો એ છોકરો જે સ્મિતાને લઇને ફરવા ગયેલો તે હતી તો એ જ ગામની પણ એ કોઇ બીજી સ્મિતા હતી આ સ્મિતા નહિ… ગામમાં સ્મિતા નામની બે યુવતીઓ હોવાથી આવી ગેરસમજ ઉભી થયેલી…
જોયું ને ? જો સ્મિતા કે તેની મમ્મીએ સૂરજની વર્તણૂકને એકદમ ગંભીર ગણીને કોઇ અયોગ્ય નિર્ણય લઇ લીધો હોત તો સ્મિતાનું લગ્નજીવન શરુ થતા પહેલાં જ તૂટી જાત ને ? કોઇએ સાચું જ કહ્યું છે કે પતિ પત્નીએ એક બીજા પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને જ જીવવું જોઇએ. કંઇક ક્ષતિ જણાય તો એક્બીજાએ નિખાલસતાથી ચર્ચા કરી લેવી જોઇએ અન્યથા અર્થ વગરની બાબત મોટા અનર્થ પણ ઉભા કરી દેતી હોય છે !!!
અનંત પટેલ