કવિ શ્રી અમૃતલાલ લાલજી ભટ્ટ ‘ઘાયલ’ ગુજરાતી ગઝલ સાહિત્ય નું એક જાણીતું અને લોકપ્રિય નામ છે. તેઓ રાજકોટ ના નિવાસી હતા અને તેમનો જન્મ ૧૯ ઓગસ્ટ ૧૯૧૬ ના રોજ થયો હતો. અને ૨૫ ડિસેમ્બર ૨૦૦૨ ના રોજ તેમનું અવસાન થયું હતું. તેઓ અનેક યાદગાર ગઝલો ના રચેતા હતા, ચાલો એક ગઝલ વાંચી એમને ગઝલઅંજલી અને શ્રદ્ધાંજલિ આપીયે …
અમૃતથી હોઠ સહુના, એંઠા કરી શકું છું.
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું.
આ મારી શાયરી ય સંજીવની છે, ‘ઘાયલ’.
શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું.
બહુ ધારદાર જીવ્યો છું.
શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું.
સામે પૂરે ધરાર જીવ્યો છું,
વિષ મહી નિર્વિકાર જીવ્યો છું.
ખુબ અંદર બહાર જીવ્યો છું,
ઘૂંટે ઘૂંટે ચિકાર જીવ્યો છું.
મધ્યમાં જીવવું જ ના ફાવ્યું,
હું સદા બારોબાર જીવ્યો છું.
મંદ ક્યારેય થઇ ન મારી ગતિ,
આમ બસ મારમાર જીવ્યો છું.
આભ ની જેમ વિસ્તર્યો છું સતત,
અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું.
બાગ તો બાગ સુર્યની પેઠે,
આગમાં પૂરબહાર જીવ્યો છું.
હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં,
હું ય બહુ ધોધમાર જીવ્યો છું.
આમ ‘ઘાયલ’ છું અદનો શાયર પણ,
સર્વથા શાનદાર જીવ્યો છું.
– અમૃત ‘ઘાયલ’ (1916 – 2002)