- નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી), નવી દિલ્હી દ્વારા આયોજિત વિશ્વના સૌથી વિશાળ થિયેટર ફેસ્ટિવલનું આયોજન ભારતમાં પ્રથમવાર થઈ રહ્યું છે.
- આ આયોજનને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ગુજરાત સરકારનો સહયોગ મળ્યો છે.
- અમદાવાદ ૨૪ માર્ચથી ૭ એપ્રિલ, ૨૦૧૮ સુધી ૧૫ વિશ્વકક્ષાની પ્રસ્તુતીઓને હોસ્ટ કરશે, જેમાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય થિયેટર ફોર્મેટ્સ સામેલ હશે.
- ગ્લોબલ થિયેટર ફેસ્ટિવલની આ એડિશનમાં ભારતના ૧૬ શહેરોના ૨૫૦૦૦ કલાકારોને આવરી લેવાશે, જેમના દ્વારા ૪૫૦ શો, ૬૦૦ એમ્બિયન્સ પર્ફોર્મન્સીસ અને ૨૫૦ યુથ- શોનું આયોજન થશે.
- નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચેરમેન ડો. અર્જૂન દેવ ચરણ, ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલી, પદ્મશ્રી અભિનેતા મનોજ જોશી, ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશ કુમાર (આઈએએસ) આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
અમદાવાદ: ભારતનું પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ ૮માં થિયેટર ઓલિમ્પિકસમાં અન્ય ૧૫ શહેરો સાથે જોડાશે. ભારતમાં પ્રથમવાર યોજાઈ રહેલ સૌથી વિશાળ ઈન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલમાં અમદાવાદ પણ સામેલ છે.
થિયેટર ઓલિમ્પિક્સ ૨૦૧૮ના અમદાવાદ ચેપ્ટરનું આયોજન નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી) દ્વારા ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના નેજા હેઠળ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગના સહયોગથી થઈ રહ્યું છે.
અમદાવાદ કળા અને સંસ્કૃતિના કેન્દ્ર સમાન છે જ્યાં નાટકો ખૂબ લાંબા સમયથી ભજવાતા રહ્યા છે અને વિકસિત થતા રહ્યા છે. આ સૌથી વિશાળ નાટકીય કાર્યક્રમના કો-હોસ્ટ તરીકે અમદાવાદમાં ફોક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય થિયેટર ફોર્મ્સની વિવિધતા ઓડિયન્સ સમક્ષ ૨૪ માર્ચથી ૭ એપ્રિલ, ૨૦૧૮ દરમિયાન રજૂ કરવામાં આવશે.
આ મેગા ઈવેન્ટમાં રાજ્યના લોકો સમક્ષ ૧૫ વર્લ્ડ ક્લાસ પર્ફોર્મન્સીસ રજૂ થશે જેમાં ખાસ આમંત્રિત નાટકો જેવાકે ‘ભગવદઅજ્જુકિયમ’ (ડો.રાધા રાજા રેડ્ડી) અને ઈન્ટરનેશનલ પ્રોડક્શન ‘એડિથ પિયાફ’ (ઈ. બોગિન્સ્કિયા,જર્મની) પણ સામેલ છે.
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સોસાયટીના એક્ટિંગ ચેરમેન ડો.અર્જુન દેવ ચારણે જણાવ્યું,“કલા એ કમ્યુનિકેશનનું સૌથી પ્રાચીન સ્વરુપ છે અને કળાની પ્રશંસા કરનારા પ્રેક્ષકો સામે જ્યારે પ્રસ્તુતી કરવાની હોય પછી ભલે દુનિયાના કોઈપણ ખૂણે તે પ્રસ્તુતી કરવાની હોય તો પણ તે કલાકાર માટે અત્યંત આનંદપૂર્ણ ક્ષણ હોય છે. આ રીતે થિયેટર વિવિધ સંસ્કૃતિઓને અને પરંપરાઓને એક છત્ર નીચે એકત્ર કરે છે. અમને અત્યંત ગૌરવ છે કે અમે ભારતમાં વિશ્વના સૌથી વિશાળ થિયેટર ફેસ્ટિવલને લાવી રહ્યા છીએ. આ 51 દિવસના ૮મા થિયેટર ઓલિમ્પિક્સની રાષ્ટ્રીય ઉજવણીના સમયમાં અમારો પ્રયાસ થિયેટરના માધ્યમથી દેશોના સીમાડાઓ વચ્ચે કડીરૂપ બનવાનો રહેશે અને એક ગ્લોબલ વિલેજ સર્જવાનો રહેશે.”
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ડિરેક્ટર પ્રો. વામન કેન્દ્રેએ જણાવ્યું, “છેલ્લા ૩ વર્ષથી અમે ભારતમાં થિયેટર ઓલિમ્પિક્સ લાવવાનું સ્વપ્ન જોઈ રહ્યા હતા. આ સ્વપ્ન સાકાર થતું જોઈ રહ્યા છીએ. અમે જ્યારે આ માટેના પ્રયાસો હાથ ધર્યા ત્યારે સાંસ્કૃતિક મંત્રાલય અને મંત્રી ડો.મહેશ શર્માએ આ સ્વપ્નને હકીકતમાં ફેરવવા માટે પૂરેપૂરો સહયોગ આપ્યો. સદીઓથી આપણે શેક્સપિયર અને બ્રેકથ બ્રેશ જેવા નાટ્યકારોની રચનાઓને ભારતીય થિયેટરમાં જોતા આવ્યા છીએ. આપણા ભારતમા અત્યંત પ્રતિભાસાળી નાટ્ય લેખકો અને નાટ્ય પ્રતિભાવો હોવા છતાં આપણે વિદેશના નાટકો જેવી અસર સર્જવામાં પાછળ છીએ. આના કારણે વિશ્વના નક્શા પર ભારતીય થિયેટરને મૂકવાની દિશામાં આ આયોજન એક મોટું પગલું સાબિત થશે. 2500 વર્ષથી વધુ જુના આપણા ભારતીય રંગમંચ પર આપણને ગૌરવ હોવું જોઈએ.
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, નવી દિલ્હીના ફેસ્ટિવલ કન્વીનર સુરેશ ભારદ્વાજે કહ્યું હતું, “થિયેટર ઓલિમ્પિક્સની આ સૌથી વિશાળ આવૃત્તિ છે જેનું આયોજન થઈ રહ્યું છે. આ એકમાત્ર થિયેટર ઓલિમ્પિક્સ છે જેનું એકસાથે 17 શહેરોમાં આયોજન થઈ રહ્યું છે. વિવિધ શહેરોમાં આ કાર્યકમ જોવા આવનાર પ્રેક્ષકોની સંખ્યા અત્યાર સુધી 5 લાખ કરતા વધુ થઇ ચુકી છે. 7 એપ્રિલના રોજ દિવસે અમદાવાદમાં આ કાર્યક્રમના અંતે આ સંખ્યા 10 લાખ સુધી પહોંચવાની સંભાવના છે. ગુજરાત નાટ્યકલાના ઊંડા મૂળ ધરાવે છે અને મને ખાતરી છે કે નાટ્યપ્રેમીઓ આ આયોજનને સહૃદયતાથી આવકારશે.”
અમદાવાદમાં ૮મા થિયેટર ઓલિમ્પિક્સનો ઉદઘાટન સમારંભ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચેરમેન ડો.અર્જૂન દેવ ચારણની અધ્યક્ષતામાં થશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલી રહેશે. જ્યારે અતિથિ વિશેષ પદ્મશ્રી અભિનેતા મનોજ જોશી તથા ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી કૌશિક પટેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશ કુમાર (આઈએએસ) ની વિશેષ ઉપસ્થિતી રહેશે.
જાણો શું છે થિયેટર ઓલિમ્પિક્સ?
થિયેટર ઓલિમ્પિક્સની સ્થાપના ડેલ્ફી, ગ્રીસમાં 1993માં થઈ હતી. થિયેટર ઓલિમ્પિક્સ વિશ્વભરના મહાન એવા રંગકર્મીઓને રજૂ કરે છે. આ વિદ્યાર્થીઓ અને ગુરુઓ માટે થિયેટ્રીકલ એક્સચેન્જનું મંચ છે, જેમાં વૈચારિક, સાંસ્કૃતિક અને ભાષાના તફાવતો હોવા છતાં સંવાદ સાધવામાં આવે છે. અત્યાર સુધીમાં થિયેટર ઓલિમ્પિક્સનું આયોજન અહીં દર્શાવેલ સાત દેશોમાં થયું છેઃ ગ્રિસ (1995), જાપાન (1999), રશિયા (2001), તુર્કી (2006), દક્ષિણ કોરિયા (2010), ચીન (2014), પોલેન્ડ (2016).
ભારતમાં યોજાઈ રહેલ ૮મા થિયેટર ઓલિમ્પિક એડિશનનું થીમ ‘ફ્લેગ ઓફ ફ્રેન્ડશીપ’ છે.