આજે તો ભગવાનને જમાડવાના છે…
દાદાની ત્રણે વહુઓ ખૂબ પ્રેમાળ હતી. ભર્યા ભાદર્યા કુટુંબમાંથી આવતી હતી. રૂડા સંસ્કારનાં ભાથાં લઈને આવી હતી. દાદા ત્રણેયના વાણી વર્તનથી રાજી હતા. ત્રણે દીકરા જૂદા રહેતા હતા. ક્યાંય કશી ફરિયાદ ન હતી. પણ ચોથા દીકરા જયંતિની વહુ ભારતીના આવ્યા બાદથી એક વિશિષ્ઠ ફેરફાર દાદાના વર્તનમાં વરતાતો હતો. પહેલાં દાદા પરણેલા અને જૂદા રહેતા ત્રણે દીકરાઓને ઘેર જ્યારે ઇચ્છા થાય ત્યારે જમવા આવી જતા. પણ હવે નાની વહુના આવ્યા બાદ પેલી મોટી ત્રણ વહુઓ આગ્રહ કરીને જમવા બોલાવે તો એ જમવા તો જતા પણ સાથે સાથે કહેતા કે,
” શી ખબર, મને તો ભારતીવહુના હાથની રસોઈ એટલી બધી ભાવે છે કે વાત ના પૂછો. મને એમ થાય છે કે એ રસોઇમાં એવું તે શું નાખતી હશે કે બસ ખાતાં ખાતાં આંગળાં ય ચાટ્યા કરવાનું મન થાય છે.”
દાદાનાં આવાં વાક્યો સાંભળી મોટી વહુઓને ભારતી પ્રત્યે સ્ત્રી સહજ ઇર્ષ્યા થવા લાગી એટલે ત્રણે જણીઓ એક દિવસ ભેગી થઈને ભારતીને મળવા આવી ને હસતાં હસતાં પૂછી ય લીધુ કે,
” દાદા તો તારી રસોઈનાં બહુ જ વખાણ કરે છે બોલ? તો તું એવો તે શું જાદુ કરે છે ? અમને બતાવતો ખરી તારો જાદુ…!
આ સાભળી ભારતી ખૂબ જ ખુશ થઈ પછી એ બોલી,
” ભાભી, આમાં કોઇ જાદુ ય નથી ને મંતર પણ નથી. પણ આપણે ઘેર વેવાઇ કે કોઇ ખાસ મહેમાન આવવાના હોય ત્યારે આપણે જેમ વધારે કાળજી રાખીને રસોઇ બનાવીએ છીએ તેમ હું દરરોજ રસોઇ બનાવતા પહેલાં એમ વિચારી લઉ છું કે મારે તો ભગવાનને જમાડીને જ જમવાનું છે તો ભગવાન જેવા ભગવાનને જમાડવાના હોય તો કેટલું બધુ ધ્યાન ધ્યાન રાખવું પડે? બસ, આ ભાવ દરરોજ મારા મનમાં આવે છે ને તે પછી જ રસોઇ બનાવું છું તો એકલા દાદા જ નહિ તમારા દિયર પણ વખાણી વખાણીને બસ જમતા જ જાય છે…. ”
આ વાત સાંભળી ભારતીની ત્રણે ય જેઠાણીઓ તો ભારતીની ભગવાન પ્રત્યેની ભાવનાથી ભાવવિભોર થઈ ગઈ. કહેવાની જરૂર નથી કે એ ત્રણેએ પણ તે જ દિવસથી ભારતીની જેમ ભગવદ ભાવના લાવીને જાણે કે ભગવાનને જમાડવાના છે તેમ ગણીને જ રોજ રસોઈ બનાવવાનો મનોમન સંકલ્પ લઈ લીધો……અને માનશો ? આવી ભાવના સાથે બનાવેલી રસોઇ ખરેખર સ્વાદિષ્ટ લાગે જ છે. એવું હોય તો ટ્રાય કરી જો જો ને…
અનંત પટેલ