અમદાવાદઃ છેલ્લા બે માસથી મણિપુરમાં હિંસા જોવા મળી રહી છે, ત્યારે મણિપુરમાં શાંતિ અને સલામતી બની રહી તે માટે અમદાવાદ શહેરના મણિનગર ખાતે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. ક્રિશ્ચયન કોમ્યુનિટી યૂથ ગ્રુપ, સિયોનનગરના નેતૃત્વ હેઠળ મણિપુરમાં શાતિ અને ન્યાયનું વાતાવરણ સ્થાપિત થાય અને જનજીવન સામાન્ય બને તે હેતુ સાથે કેન્ડલ માર્ચ અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કેન્ડલ માર્ચમાં હાથમાં બેનર લઇને મોટી સંખ્યામાં ક્રિશ્ચયન ભાઈ બહેનો જોડાયા હતા. #SaveManipur #prayformanipur #stopviolence જેવા સ્લોગન સાથેના સૂચક બેનર સાથે મણિપુરમાં થઇ રહેલી હિંસાનો વિરોધ કરી શાંતિ અને સલામતી માટે પ્રાથર્ના કરવામાં આવી હતી. તારીખ 23 જુલાઈ, રવિવારના રોજ ક્રિશ્ચિયન સોસાયટી પાસે આવેલી સેંટ જોસેફ ચર્ચ ખાતે નીકળેલી મણિનગર ખાતે આવેલી મેથોડિસ્ટ ચર્ચ ખાતે પૂર્ણ થઇ હતી, જ્યાં રેલીમાં જોડાયેલા તમામ દ્વારા સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી.