દર વર્ષે પ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિન ઉજવવામાં આવે છે અને આ વખતે ૨૦૧૮ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીમાં ભારત યજમાન દેશ છે. ગુજરાતમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે આગામી તા.૩જી જૂન, રવિવારના રોજ અમદાવાદ ખાતે મીની મેરેથોનનું આયોજન કરાયું છે. જેમાં પ્લાસ્ટિક વપરાશમાં ઘટાડો, પુન:વપરાશ અને રીસાઇકલ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગીર ફાઉન્ડેશન, જી.ઇ.સી. અને સી.આઇ.આઇ. દ્વારા યોજાનાર આ મેરેથોન અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ, ટી.વી.ટાવર પાછળ, એન.એફ.ડી. સર્કલ પાસે, સારથી પાર્ટી પ્લોટ સામે, બોડકદેવ, અમદાવાદ ખાતે યોજાશે. જેનો રૂટ ૨.૫ કિ.મી.નો રહેશે. તેમાં ૧૨ વર્ષથી ઉપરની વ્યક્તિઓ ભાગ લઇ શકશે. આ મેરેથોનમાં જોડાવા માટે www.lssports.in/mm વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જે નિશુલ્ક છે. મેરેથોન સવારે ૬.૧૫ કલાકે શરૂ થશે. ભાગ લેનાર યુવાનોએ સવારે ૫.૩૦ કલાકે સ્થળ પર પહોંચવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વ પર્યાવરણ દિનની આ વર્ષની થીમ ‘પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવીએ’ નિર્ધારીત કરાઇ છે. પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવા માટે જાગૃતિ આવે તે આશયથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં સુમદ્ર કિનારો સાફ કરવા સહિતના કાર્યક્રમો દેશભરમાં યોજાશે. ભારત સરકાર દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણનો ઘટાડો કરવાના હેતુથી લોકજાગૃતિ કેળવવા માટે મીની મેરેથોનના આયોજન માટે ગુજરાતના અમદાવાદ શહેરની પસંદગી કરાઇ છે.