Ahmedabad | છત્તીસગઢ ટૂરિઝમનો રોડશો યોજાયો, રાજ્યના પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વારસાની કરાઈ રજૂઆત

Kamlesh
1 Min Read

છત્તીસગઢના પ્રવાસન સ્થળો, કુદરતી સૌંદર્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ગુજરાતના પ્રવાસીઓ સુધી પહોંચાડવાના ઉદ્દેશથી અમદાવાદમાં ‘છત્તીસગઢ ટૂરિઝમ રોડશો’નું આયોજન કરવામાં આવ્યું હતું. છત્તીસગઢ ટૂરિઝમ બોર્ડ દ્વારા FICCIના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રવાસન ક્ષેત્રના અગ્રણીઓ, ટ્રાવેલ એજન્ટ્સ અને ટૂર ઓપરેટર્સ જોડાયા હતા.

આ રોડશોમાં છત્તીસગઢના ઐતિહાસિક વારસા, આદિવાસી સંસ્કૃતિ, ઇકો-ટૂરિઝમ, વન્યજીવન, પ્રાચીન મંદિરો અને કુદરતી સૌંદર્યની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.

છત્તીસગઢમાં આવેલા બસ્તર અને ચિત્રકોટ ધોધ જેવા જાણીતા પ્રવાસન સ્થળો ઉપરાંત ચૂનાના પથ્થરની ગુફાઓ, ગાઢ જંગલો, ટ્રેકિંગ રૂટ્સ અને ગ્રામીણ હોમસ્ટે જેવા આકર્ષણો વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે છત્તીસગઢ ટૂરિઝમ બોર્ડના અધ્યક્ષ નીલુ શર્માએ જણાવ્યું હતું કે, છત્તીસગઢનું કુદરતી સૌંદર્ય, જૈવવિવિધતા અને સાંસ્કૃતિક પરંપરાઓ પ્રવાસીઓને અનોખા અનુભવો આપે છે. તેમણે પ્રવાસીઓ અને ટૂર ઓપરેટર્સને રાજ્યની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

પ્રવાસન વિભાગના સચિવ ડૉ. એસ. ભારતી દાસન (IAS)એ છત્તીસગઢમાં ઉપલબ્ધ વિવિધ પ્રવાસન અનુભવો અને ટ્રાવેલ ટ્રેડ સાથે ભાગીદારી મજબૂત બનાવવાની દિશામાં પ્રયાસો અંગે વાત કરી હતી.

આ રોડશોનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના ટ્રાવેલ એજન્ટ્સ અને ટૂર ઓપરેટર્સને છત્તીસગઢનાં પ્રવાસન સ્થળોથી પરિચિત કરાવવાનો તેમજ ગુજરાત અને છત્તીસગઢ વચ્ચે પ્રવાસન ક્ષેત્રે નવી ભાગીદારી વિકસાવવાનો હતો.

આ પહેલથી છત્તીસગઢનાં ઓછાં જાણીતાં પરંતુ આકર્ષક પ્રવાસન સ્થળોને ગુજરાતના પ્રવાસીઓ સુધી પહોંચાડવામાં મદદ મળશે.

Share This Article