Ahmedabad : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઇન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશનની 22મી વાર્ષિક કોન્ફરન્સ ‘IAACON 2026’નું ઉદ્ઘાટન કર્યું હતું. ‘ઇવોલ્વિંગ આર્થ્રોપ્લાસ્ટી: રોબોટિક્સ, કાઇનેમેટિક્સ એન્ડ ઇનોવેશન’ થીમ પર યોજાઈ રહેલી આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના નિષ્ણાતો જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં થઈ રહેલી પ્રગતિ, રોબોટિક્સ અને આધુનિક સર્જિકલ ટેક્નોલોજી અંગે ચર્ચા કરી રહ્યા છે. અમદાવાદના ધ ફોરમ, સેલિબ્રેશન એન્ડ કન્વેન્શનમાં યોજાતી આ કોન્ફરન્સ 25 ઓક્ટોબર સુધી ચાલશે.
કોન્ફરન્સમાં 205 રાષ્ટ્રીય અને નવ આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી સભ્યો ભાગ લઈ રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતમાં દર વર્ષે ત્રણ લાખથી વધુ ટોટલ હિપ અને ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવે છે. આ પ્રકારની સર્જરીની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાત દેશનાં અગ્રણી રાજ્યોમાં સામેલ છે. દેશમાં થતી આવી સર્જરીઓમાં ગુજરાતનો હિસ્સો અંદાજે 12થી 15 ટકા હોવાનું જણાવાયું છે.
રોબોટિક સર્જરી અને નવી ટેક્નોલોજી પર વિશેષ ભાર
કોન્ફરન્સમાં હિપ, ની અને શોલ્ડર રિપ્લેસમેન્ટની પ્રાઇમરી, જટિલ અને રિવિઝન સર્જરી સહિતના વિષયો પર ચર્ચા થઈ રહી છે. ક્લિનિકલ કેસ, સર્જિકલ વીડિયો અને ડિબેટ્સના માધ્યમથી નિષ્ણાતો વિવિધ સર્જિકલ પદ્ધતિઓ, નવી ટેક્નોલોજી અને દર્દીઓ માટે યોગ્ય સારવારના વિકલ્પો અંગે પોતાના અનુભવો રજૂ કરી રહ્યા છે.
કોન્ફરન્સ સાથે યોજાયેલા ઇન્ડસ્ટ્રી એક્ઝિબિશનમાં ઇમેજ-બેઝ્ડ, ઇમેજલેસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત 3D રોબોટિક ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સર્જિકલ પ્લાનિંગ અને ઇમ્પ્લાન્ટના યોગ્ય પોઝિશનિંગમાં આ ટેક્નોલોજીના ઉપયોગ અંગે પણ નિષ્ણાતો ચર્ચા કરી રહ્યા છે.
દર્દીઓને વધુ સારી સારવાર આપવાનો ઉદ્દેશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દર્દીઓ ફરીથી હલનચલન કરવાની ક્ષમતા મેળવે તે માત્ર તેમના સ્વાસ્થ્યમાં સુધારો નથી, પરંતુ તેમને રોજિંદાં કામ સ્વતંત્ર રીતે કરવા, ફરી કામ પર જવા અને સામાજિક જીવનમાં સક્રિય બનવાની તક પણ આપે છે. આ કોન્ફરન્સમાં જ્ઞાનનું આદાનપ્રદાન દર્દીઓની સારવાર વધુ સારી બનાવવામાં અને સર્જનોની આગામી પેઢીને તાલીમ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડૉ. એચ. પી. ભાલોડિયાએ જણાવ્યું હતું કે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે તેના વૈજ્ઞાનિક પુરાવા અને વ્યવહારુ ઉપયોગને સમજવો જરૂરી છે. આ કોન્ફરન્સ નિષ્ણાતોને વિવિધ સર્જિકલ પદ્ધતિઓ અંગે ચર્ચા કરવા અને દરેક દર્દી માટે યોગ્ય સારવાર પસંદ કરવા માટે ઉપયોગી મંચ પૂરું પાડે છે.
35 સાયન્ટિફિક સેશન્સ અને ચાર ડિબેટ્સનું આયોજન
IAACON 2026માં કુલ 35 સાયન્ટિફિક સેશન્સ, ચાર ડિબેટ્સ, સર્જિકલ વીડિયો પ્રેઝન્ટેશન અને કેસ આધારિત ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા સર્જનો માટે પણ વિશેષ સેશન્સ રાખવામાં આવ્યા છે. દરેક સાયન્ટિફિક સેશનમાં પ્રશ્નોત્તરી માટે 10થી 15 મિનિટ ફાળવવામાં આવી છે, જેથી ડેલિગેટ્સ સર્જરી દરમિયાન લેવાતા નિર્ણયો અને વ્યવહારુ અનુભવો અંગે ચર્ચા કરી શકે.
કાર્યક્રમમાં ઇમ્પ્લાન્ટ એલાઇનમેન્ટ, ઇન્ફેક્શન, સર્જિકલ આઉટકમ્સ અને એન્હાન્સ્ડ રિકવરી આફ્ટર સર્જરી (ERAS) પ્રોટોકોલ્સ જેવા મહત્ત્વપૂર્ણ વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉ. ધીરજ મારોઠી જૈને જણાવ્યું હતું કે, જટિલ સર્જિકલ કેસ અંગે ખુલ્લી ચર્ચા કરવાથી સર્જનોને એકબીજાના અનુભવોમાંથી શીખવાની તક મળે છે. યુવા સર્જનો પણ પોતાના પ્રશ્નો પૂછી શકે અને અનુભવો શેર કરી શકે તે માટે કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી માટે ખાસ સમય ફાળવવામાં આવ્યો છે.
કેડેવરિક વર્કશોપમાં 250થી વધુ તબીબી નિષ્ણાતો અને ડેલિગેટ્સની ભાગીદારી
મુખ્ય કોન્ફરન્સ પહેલાં 22 ઓક્ટોબરે બી. જે. મેડિકલ કોલેજ ખાતે કેડેવરિક વર્કશોપ યોજાઈ હતી, જેમાં આશરે 70 ફેકલ્ટી સભ્યો અને 180 ડેલિગેટ્સે ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન ડાયરેક્ટ એન્ટિરિયર એપ્રોચ ટુ હિપ રિપ્લેસમેન્ટ, યુનિકોન્ડિલર ની રિપ્લેસમેન્ટ અને રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ જેવી સર્જિકલ પદ્ધતિઓ અંગે નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.
આ કોન્ફરન્સમાં ઇન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશન, ઇન્ડિયન ઓર્થોપેડિક એસોસિએશન, ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશન, અમદાવાદ ઓર્થોપેડિક સોસાયટી અને અમદાવાદ આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશન સહભાગી બન્યાં છે. આગામી સેશન્સમાં પણ જોઈન્ટ રિપ્લેસમેન્ટની આધુનિક સર્જિકલ પદ્ધતિઓ, ક્લિનિકલ કેસ અને નવી ટેક્નોલોજી અંગે ચર્ચા ચાલુ રહેશે. કોન્ફરન્સ 25 ઓક્ટોબરે પૂર્ણ થશે.

