પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાયની યોજનાનો લાભ મેળવવા ખેડૂતોએ કરવું પડશે આ કામ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાતમાં રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત વધી રહ્યો છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય સહિતના અનેકવિધ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે. જે પૈકી પ્રાકૃતિક કૃષિ માટે સૌથી જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પણ ખેડૂતોને સહાય આપવામાં આવે છે.

“દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાયની યોજના” હેઠળ જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય અથવા કરનાર હોય, આઇડેન્ટિફિકેશન ટેગ વાળી દેશી ગાય ધરાવતા હોય તેમજ પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી હોય તેવા ખેડૂતોને ગાયના નિભાવ માટે સહાય આપવામાં આવે છે.

અગાઉના વર્ષોમાં રાજ્યના જે ખેડૂતો મિત્રોએ આ યોજના હેઠળ સહાય મેળવવા અરજી કરી હોય અને ચાલુ વર્ષે તેનો લાભ મળનાર હોય તેવા લાભાર્થીઓ સિવાયના અન્ય ખેડૂતો આ યોજના હેઠળ સહાય મેળવવા આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ પર અરજી કરી શકશે. આ યોજના માટે નવી અરજીઓ મેળવવા આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ ગત તા. ૮ સપ્ટેમ્બરથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જે આગામી તા. ૧૭ સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે. હજુ પણ જે ખેડૂતોએ આ યોજના માટે અરજી કરવાની બાકી હોય, તેમણે સમય મર્યાદામાં પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

Share This Article