ધીરજ ધર તું મનવા..
કલ્પનાએ આ વખતે બરાબરનું નક્કી જ કરી રાખ્યું હતું . તેણે તેના પતિ મુકેશને પણ કહી જ દીધું હતું કે,
” આ મમ્મીને આખો દિવસ ભજન કરવા જવાનો, એમની બેનપણીઓ સાથે દેવ દર્શન કરવા જવાનો ટાઇમ મળે છે પણ મારા પિયરમા કોઇ માંદુ સાજુ હોય તો એની ખબર જોવા જવાનું તો બાજુ પર પણ એમ નહિ કે લાવ ફોન કરીને તો ખબર પૂછી લઉં……”
મુકેશને પત્નીની વાત બરાબર લાગતી હતી પણ તે મમ્મીથી બહુ ડરતો હતો એટલે મમ્મીને જલદી કશું કહી શકતો નહિ. અને એમાં ય એની સાસરી અગેની કશી વાત હોય તો એ વધારે ટેંશનમાં આવી જતો… એણે હાલ તુરત તો મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે ,
” હે ભગવાન મારી મમ્મીને મારાં સાસુની ખબર પૂછવા કે જોવા જવાની પ્રેરણા કરજો…”
મનમાં ભગવાનને પ્રાર્થના તો કરી પણ પછી કશું યાદ આવ્યું હોય એમ પત્નીને કહ્યું,
” તારી વાત તો સાચી છે પણ તારી મમ્મી બિમાર પડી છે એવા સમાચાર મમ્મીને તેં કહ્યા છે ખરા ?”
” હાસ્તો , કહ્યા તો હોય જ ને પણ એમને મારાં સગાંની ક્યાં બહુ કદર છે ? ”
પત્ની સાસુના વર્તન અંગે પતિ સમક્ષ સતત બળાપો જ કરે જતી. મુકેશને થયું કે હવે તો મમ્મીએ તેનાં સાસુને ખબર પૂછવી જ જોઇએ. બપોરે મમ્મીએ કહ્યું કે આજે સાંજે એ એમના ભજન મંડળ સાથે બહાર જવાનાં છે, અને તેમને જમવાનું બહાર છે તો એમનું જમવાનું બનાવશો નહિ……
કલ્પનાએ આ સાંભળ્યું અને તે અંગે મુકેશને ફોનથી જણાવ્યું પણ ખરું. સાંજે મુકેશ ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે મમ્મી બહાર ગયેલ હતાં. અને કલ્પના તો જાણે કે રડું રડું થઇ ગઇ હતી… તે મુકેશને જોતાં તરત જ બોલી,
” જૂઓ હજી પણ મમ્મીએ મારે ઘરે ફોન પણ નથી કર્યો ને પોતે પાછાં એમના ટાઇમ મુજબ ભજનમાં તો ઉપડી જ ગયાં બોલો… ? ”
” અરે તું શાંતિ તો રાખ, શું તારી મમ્મી કંઇ રસ્તામાં બેઠાં છે ? શું એ કંઇ કાલે જ મરી જવાનાં છે ? અરે હું મમ્મીને લઇને કાલે જ ત્યાં જઇ આવીશ, આ મારું પ્રોમિસ છે બસ…”
મુકેશે પત્નીને સમજાવવાની કોશિશ કરી. રાત્રે દસેક વાગે મમ્મી તેમના મંડળમાંથી પરત આવ્યાં ને કલ્પના તરફ જોઇ બોલ્યાં,
” અલિ કલ્પના, તારી મમીની સોસાયટીની બાજુમાં જ અમારાં ભજન હતાં તે હું તો તારી મમ્મીને પણ મળતી આવી બોલ….. એમને તો હવે ઘણું સારુ છે… આ તો મને ખબર નહિ કે અમારે ભજન માટે એ બાજુ જ જવાનું છે નહિતર તને ય હું તો સાથે લઇ જાત…”
કલ્પના અને મુકેશ તો મમ્મીની વાત સંભળીને ખુશ થઇ ગયાં. વધારે ખુશી તો મુકેશને થઇ.. રાત્રે સૂતી વખતે કલ્પનાને તેણે કહ્યું,
” તમે લેડીઝ લોકો ખરાં હોવ છો ? કોઇ વાતે જરા ય ધીરજ તો ધરવાની જ નહિ !!!!! જોયું , મમ્મી એ બાજું ગયાં હતાં તો કેવું યાદ રાખીને તારી મમ્મીને મળીને જ આવ્યાં ને.. ? તમે લોકો થોડી ય રાહ જોવા તૈયાર જ નથી હોતાં, બસ બધું તરત ને તરત જ થવું જોઇએ. અરે ભઇ એટલું ઝડપથી તું ઇચ્છે એવું ન પણ થાય..પરંતુ સૌને પોત પોતાની જવાબદારીનો અહેસાસ હોય જ છે.. આપણે થોડી રાહ તો જોવી જ પડે ”
કલ્પનાને પણ થયું કે તે નાહકની સાસુ પ્રત્યે નારાજ થઇ ગઇ હતી.
અનંત પટેલ