રાજકોટ : રાજકોટના ગોંડલા માર્કેટિંગ યાર્ડમાં ચાઈનીઝ લસણ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં આશરે 600 કિલો ચાઈનીઝ લસણ ઉતારવામાં આવ્યું હોવાની માહિતી મળી છે.
ફરી એક વાર રાજકોટનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ચર્ચામાં આવ્યું છે, આ યાર્ડમાં ચાઈનીઝ લસણ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટના ઉપલેટાથી ચાઈનીઝ લસણ હોવાની માહિતી મળતા લોકોમાં દોડધામ મચી ગઈ. ગોંડલ માર્કેટ યાર્ડમાં 30 કટ્ટા એટલે કે અંદાજીત 600 કિલો ચાઈનીઝ લસણ ઉતારવામાં આવ્યુ હોવાની માહિતી મળી હતી. ભારતમાં 2006થી ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી લસણ કઈ રીતે પહોંચ્યુ તે સૌથી મોટો સવાલ છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ કેન્દ્ર અને રાજ્ય સરકારને જાણ કરી છે.
ઉપલેટાના કોઈ વ્યક્તિએ ગોંડલ યાર્ડમાં લસણ વેચવા મુક્યું હતુ. ગોંડલ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓએ સાથે મળીને લસણની હરાજી ન કરી.
દેશમાં 2006થી ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચાઈનીઝ લસણમાં ફૂગની સંભાવના વધુ હોય છે. ચાઈનીઝ લસણમાં જંતુનાશકોનું પ્રમાણ પણ વધુ હોય છે. અગાઉ નેપાળ અને બાંગ્લાદેશ થઈને ચાઈનીઝ લસણ આવતું હતુ. બિહાર, ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ આવી ઘટના સામે આવી છે. ભારતીય લસણ કરતા ચાઈનીઝ લસણ સસ્તુ હોય છે. અમેરિકા, પશ્ચિમ એશિયા, બ્રાઝિલમાં ચાઈનીઝ લસણની માગ વધુ કરવામાં આવે છે.