અમદાવાદ-મુંબઈ વંદે ભારતને સફળતા મળી રહી છે. આ ટ્રેન મુસાફરોની પહેલી પસંદગી બની ગઈ હોય તેવું લાગે છે. કેમ કે ૧ ઓક્ટોબરથી વંદે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી એટલે કે ૧૨૯ દિવસથી હાઉસફુલ જઈ રહી છે. વધારામાં રોજનું ૨૦૦ લોકોનું પણ વેઈટિંગ હોય છે. વંદે ભારત ટ્રેનની પાછળ ઉપડતી શતાબ્દી એક્સપ્રેસ પણ સામાન્ય રીતે ફૂલ રહે છે. પરંતુ તેમાં એક અઠવાડિયા પહેલા ટિકીટ બુક કરાવતાં મળી જાય છે. પરંતુ વંદે ભારત એક્સપ્રેસમાં સીટ મળવી પણ મુશ્કેલ હોય છે. પશ્વિમ રેલવેએ અમદાવાદ-મુંબઈ વચ્ચે પેસેન્જરોની સુવિધા માટે લક્ઝુરિયસ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન બાદ વંદે ભારત ટ્રેન શરૂ કરી છે. બંને ટ્રેનના ઉપડવાના સમયમાં માત્ર ૨૦ મિનિટનું અંતર છે. બંને ટ્રેનની દોડવાની ક્ષમતા પણ ૧૩૦ કિલોમીટરની છે. તેમ છતાં વંદે ભારત અમદાવાદથી ૫.૪૦ કલાકમાં મુંબઈ પહોંચાડે છે. જ્યારે શતાબ્દી એક્સપ્રેસ ૬.૫૫ કલાકનો સમય લે છે. અ
મદાવાદ મુંબઈ વચ્ચે હાલમાં ૭૦થી ૧૧૦ કિલોમીટરની ઝડપે ટ્રેન દોડી રહી છે. જ્યારે સૌથી વધુ ઝડપ ૧૩૦ કિલોમીટરની વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસની છે. ત્યારે આ ટ્રેનની ઝડપ વધારી શકાય તે માટે હાલ સંપૂર્ણ રૂટ પર આવતાં વળાંક ઘટાડવાની સાથે જૂના ટ્રેક બદલવામાં આવી રહ્યા છે. જેના પગલે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી તમામ ટ્રેનની સ્પીડ ૮૦થી ૧૬૦ કિલોમીટરની કરી દેવાશે. જેમાં શતાબ્દી એક્સપ્રેસ અને વંદેભારત એક્સપ્રેસ મહત્તમ ૧૬૦ કિમની ઝડપે દોડશે. જ્યારે બાકીની ટ્રેનો પણ ૧૦૦થી ૧૩૦ કિમીની ઝડપે દોડાવી શકાશે.