રેવતી નાની હતી ત્યારથી જ તેની મમ્મી સાથે વાત વાતમાં ચિડાઇ પડતી, છણકા કરતી, કશું ખાસ ન હોય તો ય તેના મગજની કીટલી ગરમ જ થઇ જાય ! મમ્મી પપ્પાને લગ્નનાં દસ વર્ષ પછી રેવતીનો જન્મ થયેલો એટલે હતું એટલું બધું વ્હાલ તેના પર વરસાવી દીધું હતું. પણ કહ્યું છે ને કે વધુ પડતું વ્હાલ બાળકના માનસને હઠાગ્રહી બનાવવામાં અને પોતાનું ધાર્યુ કરાવવાની વૃત્તિ વાળુ કરી નાખે છે. એ બાળક ઘરમાં લાડમાં ને લાડમાં મમ્મી પપ્પાને તો તુંકારે અને ગમે તેવી ભાષામાં બોલતું હોય છે પણ જ્યારે કોઇ મોટી ઉંમરવાળાં મહેમાન આવ્યાં હોય તો તેમની સાથે પણ તે તોછડાઇ ભર્યો જ વહેવાર કરવા લાગે છે અને સ્વાભાવિક રીતે નાના બાળકની તોછડાઇ આવનાર મહેમાનને ચોંકાવી મૂકે પણ પછી તેઓ છોકરું છે એમ સમજી ચલાવી લે છે……
એમ કરતાં કરતાં રેવતી તો મોટી થતી ચાલી . સોળ સોળ સાવન તેના પરથી પસાર થઇ ગયા. તે કળીમાંથી વિકસીને ફૂલ બની ગઇ… પણ તેના સ્વભાવની તોછડાઇ તો એવીને એવી જ રહી …. પહેલાં તો મમ્મી પપ્પાએ તે મોટી થઇને સુધરી જશે એમ માનેલું પણ હવે યુવાનીના ઉંબરે આવીને ઉભેલી રેવતી હજુ એવીને એવી ઉધ્ધત સ્વભાવની રહી હોવાથી તેની મમ્મીને ખાસ ચિંતા થતી હતી. મમ્મીને દિન રાત થયા કરતું,
— આ છોકરીનું સાસરીયે શું થશે ?
— કોણ એનો ધડો કરશે ?
— એના પતિ અને સાસુ સસરા સાથે કેવી રીતે એડજસ્ટ થશે ?
— સાસરિયાં તેને કાઢી તો નહિ મૂકે ને ?
જો કે આ બધી ચિંતામાં ય તેમને રેવતીના પપ્પા તો હૈયા ધારણ આપતા અને ઉચાટ ન કરવાની જ સલાહ આપતા કેમ કે અંતે તો ધાર્યુ ધણીનું જ થાય છે એ વાત તેમણે સારી રીતે સ્વીકારી લીધી હતી.
છોકરીનો સ્વભાવ કેવો છે એ બીજા કે ત્રીજા નંબરની વાત છે પરંતુ તેનો દેખાવ – રૂપ અને તેના કુટુંબને લોકો પ્રથમ જૂએ છે અને આ બાબતે તેને કશો વાંધો આવે તેમ ન હોવાથી તેની સગાઇ એક સારા ઘરના યુવક સંતોષ સાથે થઇ ગઇ અને લગ્ન પણ રંગે ચંગે પતી ગયાં. રેવતીના સ્વભાવની અડિયલતા ને કારણે ખરું પૂછો તો તેની મમ્મી લગ્નની કશી જ મઝા લઇ શક્યાં ન હતાં અને શું થશે ? શું થશે ? એ વાતનું એમને ટેંશન સતત રહ્યા જ કરેલું….
પણ આ શું ? લગ્ન પછીનું એક આખુ અઠવાડીયું શાંતિપૂર્વક વીતી ગયું ! રેવતીને તેની મમ્મી ફોન કરતાં તો એ તો હસીને રાજીખુશીના ખબર આપતી……. એમને એમ હતું કે હમણાં વેવાણ કે જમાઇનો ફોન આવશે ને કહેશે કે લઇ જાઓ આ તમારી છોકરીને ! આવી અભિમાની વહુ અમારે તો જરા ય ન ચાલે…પણ આમાંનું કશું જ ના બન્યુ, ને થોડા દિવસ પછી પણ કશું જ ન બન્યુ કેમ કે રેવતી લગ્નના થોડા દિવસ પહેલાંથી જ તેની મમ્મીના ચહેરા પરના ચિંતાના ભાવોને પામી ગઇ હતી, એટલે તેણે મનોમન કશું નક્કી કરી લીધું હતું અને સાસરે ગયા પછી તેનો અમલ પણ શરુ કરવાનો સંકલ્પ લઇ જ લીધો હતો. આ બધું કરાવવામાં તેની એક ફ્રેંડ શાલિનિએ તેને એક મહાત્માનું પ્રવચન સંભળાવેલું તે ખૂબ જ ભાગ ભજવી ગયું હતું. એમાં મહાત્માએ કહ્યું હતું કે તમે સુખી થવા અને સુખ આપવા માગતા હોવ તો દરેકને પ્રેમ કરો…અને જો તમારો પ્રેમ ખરો હશે તો તમે તમારી ઇચ્છા કે કામ માટે કોઇને ફરજ પાડશો જ નહિ કે કોઇને મજબૂર કરશો જ નહિ…બસ આ જ એક પ્રેમનો મંત્ર અપનાવી જૂઓ… આખું જગત તમારું જ બની રહેશે.
રેવતી ભલે સ્વભાવે તોછડાઇ વાળી હતી, તેનો સ્વભાવ અભિમાની થઇ ગયો હતો પણ મમ્મીના ચહેરા પરની ચિંતા દૂર કરવા તેણે અપનાવેલ આ મંત્રએ તેના અભિમાનને તો ચૂર કરી નાખ્યુ હતું અને તેના સાસરેથી તેની ઉત્તમ વહુ હોવાની મ્હેંક જ્યારે તેનાં મમ્મી પપ્પાના કાને પહોંચી ત્યારે તો એ બેઉં ધન્ય ધન્ય બની ગયાં….
અનંત પટેલ