નવીદિલ્હી : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આઈએસઆઈએસથી પ્રેરિત આતંકવાદી મોડ્યુલના ઝડપાયેલા શખ્સોને આજે ૧૨ દિવસ માટે એનઆઈએ રિમાન્ડ પર મોકલી દેવાનો આદેશ કર્યો હતો. મોડ્યુલના સભ્યોની હોવાની શંકાના આધારે ૧૦ની ધરપકડ ગઇકાલે કરવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ તમામને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને વધુ પુછપરછ માટે ૧૫ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પંદર દિવસના રિમાન્ડની માંગ બાદ આરોપીઓને ૧૨ દિવસ માટે રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. આરોપીઓ ઉપર રાજકીય હસ્તીઓ અને દિલ્હીના સરકારી સ્થળો ઉપર શ્રેણીબદ્ધ હુમલા કરવાના કાવતરાનો આરોપ છે. આરોપીઓને સઘન સુરક્ષા વચ્ચે રજૂ કરવામાં આવ્યા હતા. ન્યાયાધીશ અજય પાંડેની કોર્ટમાં રજૂ કરાયા હતા. ન્યાયાધીશે મામલામાં બંધ બારણે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે પાંચ આરોપીઓના પરિવાર સભ્યો અને તેમના માતા-પિતાને પણ કોર્ટની અંદર તેમને મળવાની મંજુરી આપી હતી.
અત્રે નોંધનીય છે કે, આઇએસ મોડ્યુલ હરકત હર્બ એ ઇસ્લામના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ એકપછી એક ચોંકાવનારી વિગત મળી રહ છે. આ તમામ વિગતો સાબિત કરે છે કે દેશમાં ઘાતક હુમલા કરવાની યોજના હતી. સાથે સાથે દેશ પરથી મોટી ઘાત ટળી ગઇ છે. ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન સપાટ પર આવેલા કાનપુરના ખરાસાન મોડ્યુલની જેમ તે પણ કામ કરી રહ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે એનઆઇએ અને ઉત્તરપ્રદેશ એટીએસની ટીમને મોટી સફળતા હાથ લાગી હતી. દિલ્હી અને ઉત્તરપ્રદેશના જુદા જુદા સ્થળ પર બાતમી બાદ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન એનઆઈએ દ્વારા ૧૦ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવેલાઓમાં મૌલવીથી લઇને સિવિલ એન્જિનિયર સુધીના ખતરનાક શખ્સોનો સમાવેશ થાય છે. આત્મઘાતી હુમલાની ઘાતક યોજના તૈયાર કરવામાં આવી રહી હતી. સ્વદેશી બનાવટની ૧૨ પિસ્તોલ, ૧૨૦ એલાર્મ ક્લોક, ૧૦૦ મોબાઇલ ફોન, ૧૩૫ સિમકાર્ડ અને લેપટોપ કબજે કરવામાં આવી ચુક્યા છે. આ તમામમાં પણ પુછપરછ કરવામાં આવી રહી છે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ વ્યાપક દરોડા અને તપાસ બાદ આઈએસઆઈએસ પ્રાયોજિત આતંકવાદી માળખાનો પર્દાફાશ કર્યો હતો. એનઆઈએ દ્વારા ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં ૧૭થી વધુ સ્થળો દરોડા વ્યાપક કાર્યવાહી હાથ ધરી હતી. હરકત ઉલ હર્બે ઇસ્લામ નામથી નવા મોડ્યુઅલમાં તપાસ ચાલી રહી છે. ૧૬ શકમંદોની પુછપરછ કરવામાં આવી રહી છે.