ઈસુ એ ઈશ્વરનો શબ્દ છે. તેણે જ જગતના તમામ તત્વોનું સર્જન કર્યુ છે અને તેણે જ શરીરની રચના કરી છે. તે મારા પહેલા આવેલો છે પરંતુ તે મારા પછી અવતરિત થશે અને જે કોઈ તેનામાં વિશ્વાસ રાખશે તેનો ક્યારેય નાશ નહિ થાય અને તે અનંત જીવન પામશે.
– જી હા, ખ્રિસ્તિ ધર્મના સૌથી પવિત્ર પુસ્તક એવા બાઈબલનું સૌથી મહત્વનું પાત્ર જે ઈસુના અવતરિત થયા બાદ ઈસુના અવતરિત થવાના સમાચાર લાવનાર વ્યક્તિ તરીકે જાણીતું છે. એક એવું પાત્ર, જેમના વિશે મારા માનસપટમાં અતિશય માન છે અને એક અને માત્ર એક જ એવું વ્યક્તિત્વ જેણે મને એક જૈન ધર્મી હોવા છતાં, બાઈબલ ગ્રંથનો સંપૂર્ણ અભ્યાસ કરવા પ્રેરિત કર્યો. બાઈબલના જૂના અને નવા – બંને કરારના થઈને કુલ 66 પ્રકરણ છે જેને માત્થી, માર્ક, લૂક, યોહાન, મિખાહ જેવા અલગ અલગ 24 કરતા વધુ લેખકોએ ઈસુના પછીના સમયમાં કાળક્રમે લખ્યા જેનો સંગ્રહિત ભાગ બાઈબલ પુસ્તકમાં રૂપાંતરિત થયો.
ઈસુ આશરે ઈ.સ. પૂર્વે બે હજાર વર્ષ પહેલા જેરૂસલેમમાં થઈ ગયા અને તેમના આશરે તેત્રીસ વર્ષ સુધીના આયુષ્યમાં સૌથી નજીક રહેનાર કોઈ અનુયાયી હોય તો તે છે યોહાન. યોહાનના બાળપણ વિશે બાઈબલ કે અન્ય સ્તોત્રોથી ખાસ માહિતી પ્રાપ્ત થતી નથી પરંતુ તે ઈસુ મસીહનો મશિયાઈ ભાઈ થતો હતો. યોહાનનો ઉલ્લેખ બાઇબલ નાં નવાકરાર માં છે. યોહાન ઇસુ નો દુરનો ભાઈ હતો. યોહાન નાં પિતાનું નામ “ઝ્ખાર્યા” હતું અને તેમની માતાનું નામ “એલીસાબેથ” હતું.જે ઇસુની માતા મરિયમ ની બહેન હતી. જ્યારે યોહાનની માતા એલીસાબેથે ઇસુનાં જન્મ વિષે સાંભળ્યું હતું ત્યારે યોહાન તેના પેટમાં હતો અને તે ખુશી થી ઝુમી ઉઠ્યો હતો. ત્યાર પછી યોહાન નાં બાળપણ ની કોઇ વિષેશ માહીતી બાઇબલ માં મળતી નથી. જ્યારે યોહાન મોટો થયો ત્યારનું તેનું સુંદર વર્ણન બાઇબલમાં જોવા મળે છે. જેમકે : “યોહાન નાં વસ્ત્રો ઊંટના વાળનાં બનાવેલા હતાં અને તે ચામડાનો કમરપટ્ટો પહેરતો હતો. તે રણનાં તીડો તથા રાની-મધ ખાતો હતો”
યોહાન, ઈસુ મસીહનાં પ્રચારક જેવો દેખાતો હતો. જ્યારે ગાલીલ પ્રાંતમાં મુખ્ય યાજકો (ધાર્મીક આગેવાનો) તરીકે “અન્નાસ” અને “કાયાફા” હતાં ત્યારે ઇશ્વરે યોહાનને રણમાં દર્શન આપ્યા અને ઇશ્વરીય જ્ઞાન આપી લોકો ને ઉપદેશ આપવા કહ્યું. તે શહેરોમાં તો સંદેશો આપવા ગયો નહિ પણ તેણે ઇશ્વરનો પ્રચાર રણમાં કર્યો. લોકો દુરદુરથી તેનો સંદેશો સાંભળવા આવતા અને પોતાના પાપોની કબુલાત કરી બાપ્તિસ્મા લેતા. યોહાન દ્વારા ખ્રિસ્તી ધર્મ માં “બાપ્તિસ્મા“ની વિધીની શરુઆત થઇ. ઇસુ પોતે ઈશ્વરના અંશ હોવા છતા તેને બાપ્તિસ્મા આપનાર વ્યક્તિ યોહાન જ હતો. બાપ્તિસ્મા એ ખ્રિસ્તિ ધર્મમાં એક પ્રકારની ધાર્મિક વિધિ છે, જેમાં યોહાન અને ઈસુ મસીહ તેમની પાસે પોતાના દુખ દર્દ દૂર કરાવવા આવનાર વ્યક્તિને નજીકના જળાશયના પવિત્ર પાણીમાં માથાબૂડ ડૂબકી મરાવીને સ્નાન કરાવતા. આ ડૂબકી દરમ્યાન એ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરતો અને ત્યાર બાદ એ વિધિ થકી જાહેર થતું કે હવે તે વ્યક્તિ પવિત્ર છે અને ઈશ્વરે તેને પોતાના શરણમાં લીધેલો છે. આ વિધિને હિંદુ ધર્મમાં પાર્ષદી દીક્ષાના નામે ઓળખાય છે. કેથલિક સંપ્રદાયના લોકોમાં આ વિધિ હવેથી કન્ફેશન રૂમમાં કરાવવામાં આવે છે.
યોહાન, આજીવન ઈસુનો પ્રચાર કરતો રહ્યો. એક સમય પછી જ્યારે ઈસુનો શિષ્યસમૂહ વધી ગયો ત્યારે તેણે તેમનાથી દૂર રહીને ઈસુનો અને તેમના વિચારોનો પ્રચાર કરવાનું નક્કી કર્યું જેથી વધુમાં વધુ લોકો ઈશ્વરના દીકરાનું સાનિધ્ય પ્રાપ્ત કરે અને અનંત જીવન તથા માનસિક શાંતિ પામે. ઈસુના ભક્તોનો સમુદાય તો વિશાળ હતો પરંતુ તેના વિશાળ શિષ્યસમૂહમાં ફક્ત બાર જ શિષ્યો હતો, જે પૈકી એક તેમના મૃત્યુ માટે જવાબદાર હતો.
યોહાનના જીવનના અંતિમ સમય વિશે કોઈ ખાસ માહિતી નથી પરંતુ બાઈબલના અમુક અંશોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર નાઝરેથ શહેરમાં તેને ઈસુના વિચારોનો પ્રચાર કરીને લોકોને મૂસા (જેને રોમન લોકો પોતાના આરાધ્ય માનતા)ની વિરુદ્ધ કરવાના આરોપમાં જેલમાં પૂરી દેવામાં આવ્યો હતો અને ઈસુને વધસ્તંભ પર જડ્યા બાદ તેને કોરડાં મારવાની સજા કરવામાં આવી હતી જે દરમ્યાન તેઓ શહીદ થયા હતા અને ઈશ્વરના સાનિધ્યને પ્રાપ્ત કર્યુ હતું.
- આદિત શાહ અંજામ