વડોદરાઃ સંસ્કારનગરી વડોદરા હંમેશાથી કલા અને કારીગીરી માટે જાણીતી છે. સંસ્કારનગરીના મુગટમાં વધુ એક પીછાનો ઉમેરો કરતા એવા એકદંત રંગોળી કલાકાર ગ્રુપ દ્વારા રંગોળીનું આયોજન સહ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે.
શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલી એમ.સી.આઇ સ્કૂલ ખાતે એકદંત રંગોળી કલાકાર ગ્રુપ દ્વારા સોમવારે 5000 ચોરસ ફૂટમાં વિશાળ રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સોમવાર સવારથી બપોર સુધી એકદંત રંગોળી કલાકાર ગ્રુપના 30 કલાકારોએ 650 કિલો રંગનો ઉપયોગ કરી મનમોહક રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
મહારંગોળી ઉત્સવ 2008ના ભાગ રૂપે વિશેષ રીતે નિર્મિત આ રંગોળીનું નિર્માણ કરવા 30 જેટલા કલાકરોએ ખૂબ જ મહેનત કરી હતી. આ મહારંગોળીને 7 નવેમ્બર સુધી સાંજે 5 કલાકેથી 9.30 કલાક સુધી નિહાળી શકાશે.
તો આવો આ મહારંગોળીની મુલાકાત લઇ કલાકારોને આવા જ કાર્યો કરવા માટે પ્રોત્સાહન પુરૂ પાડીએ.
સંવાદદાતાઃ પ્રશાંત સાળુંકે