પોષ માસની પૂનમને મા અંબેનો પ્રાગટ્ય દિવસ કહેવામાં આવે છે. આમ તો મા અંબેનો પ્રાગટ્ય દિવસ એક રહસ્યપૂર્ણ ઘટના સમાન છે. એક લોક વાયકા છે કે એક સમયે ખૂબ જ દુષ્કાળ પડ્યો હતો અને લોકોને જમવાના કે પાણીનાં પણ ફાંફાં હતા. તેવામાં લોકોએ મા અંબેની આરાધના કરી. અંબેમાની કૃપાથી ત્યાં એટલો વરસાદ આવ્યો કે દરેકનાં ખેતર ફળો અને શાકભાજીથી ભરાઈ ગયા. આથી તે સમયથી અંબેમાને શાકંભરી દેવી તરીકે પણ પૂજવામાં આવ્યા. એટલે જ પોષ માસની પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે.
આસો અને ચૈત્રિ નવરાત્રીની જેમ પોષ સુદ અને પૂનમ પહેલા અષ્ટમીથી પૂનમ સુધી માતાજીનાં ઉપાસકો નવરાત્રી પર્વ તરીકે ઉજવી આરાધના કરતાં હોય છે. આ વ્રતમાં ભક્તો માત્ર શાકભાજી ખાઈને જ વ્રત કરતાં હોય છે. તેને શાકોત્સવ પણ કહે છે. કેટલીક જગ્યાએ તો અંબેમાની મૂર્તિને વિવિધ શાકથી સજાવીને અન્નકૂટ ધરીને શાકોત્સવ ઉજવવામાં આવે છે.
આજે આપણે પણ મા અંબે એટલે કે શાકંભરી દેવીની પૂર્ણિમાં ઉજવીએ.