નાનજિંગઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ઈતિહાસ રચવાથી સહેજમાં ચુકી જતા ભારતીય બેડમિન્ટન ચાહકોમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું છે. કેરોલીના મારીનની સામે વર્લ્ડ ચેમ્પિયનશીપની મહિલા સિંગલ્સમાં તેની હાર થઈ છે. સ્પેનની કેરોલીના મારીન સામે હારીને સિંધુને સીલ્વર મેડલથી સંતોષ માનવાની ફરજ પડી છે. સિંધુ મારીનની સામે સીધા ગેમોમાં માત્ર ૪૬ મિનિટમાં ૧૯-૨૧, ૭-૨૧થી હારી ગઈ છે.
પ્રથમ ગેમમાં મુકાબલો જોરદાર રહ્યો હતો, પરંતુ બીજા ગેમમાં મારીને એક તરફી જીત મેળવી હતી. આની સાથે જ મેચ અને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપનો તાજ બંને મારીને પોતાના નામ ઉપર કર્યા હતા. બંને ખેલાડીઓ વચ્ચે હજુ સુધી ૧૨ મેચો રમાઈ ચુકી છે. મારીને આમાં સાતમાં વખત જીત મેળવી હતી. હજુ સુધી કોઈપણ ભારતીય ખેલાડી વર્લ્ડ ચેમ્પિયનશીપનો તાજ પોતાના નામ ઉપર કરી શક્યો નથી. પીવી સિંધુ સતત બીજી વખત ફાઈનલમાં આવીને પરાજિત થઈ છે.
રમત શરૂ થતાની સાથે જ ગેમમાં કેરોલીના મારીને પ્રથમબે પોઈન્ટ પોતાના નામ પર કર્યા હતા. ત્યારબાદ સિંધુએ પોતાના પ્રથમ પોઈન્ટ મેળવ્યા હતા અને સતત ચાર પોઈન્ટ લઈને ગેમમાં પોતાની લીડ મેળવી લીધી હતી. બંને ખેલાડીઓએ પ્રથમ ગેમમાં જોરદાર રમત રમી હતી, પરંતુ બીજા ગેમમાં મારીને રમતમાં આક્રમકતા દર્શાવી હતી અને સિંધુને કોઈ તક આપી ન હતી. સિંધુએ ખાતુ ખોલ્યું હતું પરંતુ તેની પક્કડ બીજા ગેમમાં દેખાઈ ન હતી. એક વખતે સિંધુ મારીનની સામે ૧-૭થી પાછળ થઈ ગઈ છે. આ ગેમમાં સિંધુ જ્યારે એક પોઈન્ટ મેળવતી હતી ત્યારે મારીન ચાર પોઈન્ટ મેળવી રહી હતી. આવી સ્થિતિમાં સિંધુ આખરે ટકી શકી ન હતી અને તેની હાર થઈ હતી.